Get The App

બિહારમાં ચૂંટણીનો જંગ રાજકીય દાવપેચ-આક્ષેપોથી ભરપૂર હશે

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ચૂંટણીનો જંગ રાજકીય દાવપેચ-આક્ષેપોથી ભરપૂર હશે 1 - image

- વિપક્ષી ગઠબંધને ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે

- પ્રસંગપટ

- મહત્ત્વ લાલુપ્રસાદ પરિવારનું છે. જો આ ચૂંટણીમાં તેમને સત્તા નહીં મળે તોે તેમનું અચ્યુતમ્ કેશવમ્ થઈ જશે

- નીતિશકુમાર યાદવ                     

- તેજસ્વી યાદવ 

બિહારમાં ચૂંટણી જાહેર થઇ ગઇ છે. રાજકીય પક્ષોએ ગણતરી કરી હતી લગભગ તે પ્રમાણે જ ચૂંટણી જાહેર થઇ છે. અહીં કોઇ ઉંઘતું ઝડપાયું છે એમ કહી શકાય એમ નથી, કેમ કે દરેક પક્ષ અગોતરૃં પ્લાનિંગ કરીને બેઠો હતો. આ વખતે બિહારનો જંગ મસલમેનના જોરે નહીં, પણ માઇક્રો પ્લાનિંગ સાથે લડાશે. દરેક પક્ષે પોતાના પક્ષના મતદારોનો ગઢ મજબૂત બનાવવા પગલાં લીધાં છે તેમજ વિરોધીઓ જ્યાં નબળા પડતા હોય ત્યાં પોતાના પગ મજબૂત કરવા પ્રયાસ કર્યા છે. બિહારનો જંગ ભારતના રાજકારણમાં મહત્ત્વનો એટલા માટે છે કે લોકો જેને પણ ચૂંટશે તેના પરથી ખબર પડશે કે લોકોને ટેકનોલોજીકલ વિકાસ, ઓપરેશન સિંદૂર જેવાં કડક પગલા ગમે છે કે કેમ? 

દિવાળીના તહેવારોમાં રાજકીય પક્ષો બિહારની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હશે. દરેક રાજકીય પક્ષ પોતાના નેતાઓની ફોજ બિહારમાં ઉતારી દેશે. બિહારનો જંગ તીવ્ર રસાકસી સાથે વિપક્ષની એકતા માટે પણ પડકારજનક બની રહેવાનો છે. બિહારના જંગમાં કોને કેટલી બેઠકો મળશે તેનું ગણિત સોશ્યલ નેટવર્ક પર આપનારાઓનો રાફડો ફાટયો છે. દરેક રાજકીય પક્ષના સમર્થકો પોતાનો પક્ષ બિહારમાં સરકાર રચશે એવું કહે તે સ્વાભાવિક છે. બિહારના જંગને વિપક્ષી ગઠબંધને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે. એટલે જ ચૂંટણી જાહેર થઇ તેના બે મહિના પહેલાંથી જ વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે પ્રચાર શરૂ કરી દીધો હતો. વોટ અધિકાર યાત્રા કાઢીને લોકો સુધી પહોંચવાનો પ્લાન કર્યો હતો.

સત્તાધારી પક્ષના ગઠબંધનમાં બિહારના વર્તમાન પ્રમુખ નીતિશકુમારનું સાયલન્ટ પ્લાનિંગ લોકો આવકારી રહ્યા છે. ચૂંટણી આચાર સંહિતા લાગે તે પહેલાં જ મુખ્યપ્રધાન નિતીશકુમારે મહિલાઓ અને વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તેવાં પગલાં લીધાં હતાં. જોકે બિહારની  જનતા હવે પહેલાંની જેમ ગાડરીયા પ્રવાહમાં વહે તેમ નથી. સૌ ખુદના અને પોતાનાં સંતાનોના ભાવિ અંગે વિચારે છે. 

મતદારો પર લાલુ પ્રસાદ યાદવના કુટુંબનો પ્રભાવ ઓછો કરવાના પ્રયાસમાં જનતા દળ(યુ) અને ભાજપને થોડી સફળતા મળી છે. બીજી તરફ, જે રીતે લોકો તેજસ્વી યાદવને વેલકમ કરી રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે લોકો હજુ લાલુ યાદવ પરિવારનું શાસન ઇચ્છે છે. બિહારનો યુવા વર્ગ તેજસ્વી યાદવની સાથે હોવાનું જણાય છે, જેને વિપક્ષો પોતાની જીત સાથે સરખાવે છે.

બિહારના જંગમાં ઉતરેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષી ગઠબંધન પાસે પોતાના મુદ્દા છે, પરંતુ પ્રજા તેમનો મત કળવા દેતી નથી. ૨૪૩ વિધાનસભ્યોની ચૂંટણી માટેના આ જંગે દેશનું ધ્યાન ખેચ્યું છે. બિહારની ચૂંટણીઓનો પ્રચાર હકીકતે તો દિલ્હીની ચૂંટણીનાં પરિણામો પછી તરત જ થઇ ગયાં હતાંે. ચૂંટણી પંચ સામે કોંગ્રેસે ઝુંબશ થરૂ કરી હતી અને ભાજપને વોટ ચોર કહીને સનસનાટી પણ ઊભી કરી હતી. સામાન્ય રીતે વિધાનસભામાં જે પક્ષ સત્તા પર હોય તેને જીતવાના ચાન્સ વધુ હોય છે, પરંતુ જે રીતે કોંગ્રસ અને તેજસ્વી યાદવે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે તે જોતાં આ તબક્કે એમ લાગે છે કે તેમનું પલડું ભારે છે.  

જોકે ચૂંટણી પ્રચાર દરમ્યાન ખરો ટ્રેન્ડ શું છે તે ખબર પડશે. આવનારા કેટલાક દિવસોમાં બેઠકોની ફાળવણીનો વિવાદ જોવા મળશે. એનડીએમાં ચિરાગ પાસવાન વધુ બેઠકો મેળવવા બંડ પોકારશે, જ્યારે વિપક્ષમાં તેજસ્વી યાદવ અન્ય સાથી પક્ષને બહુ બેઠકો આપવા તૈયાર નહીં થાય.

  રાજકીય નિષ્ણાતોના મતે બિહારનો જંગ વિપક્ષના ગઠબંધન ખાસ કરીને કોંગ્રેસ માટે ખરાખરીના ખેલ સમાન છે. કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ શરૂઆતથી જ સખત મહેનત કરીને, બિહારના લોકોનેા સંપર્ક કરીને પોતાની સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. એનડીએ ગઠબંધન માટે પણ બિહારમાં શાસન ટકાવી રાખવું મહત્ત્વનું બની ગયું છે.

બિહારમાં પ્રચાર તોફાની અને આક્ષેપોથી ભરપુર રહેવાનો છે. અહીં મહત્ત્વ લાલુપ્રસાદ યાદવના પરિવારનું છે. જો આ ચૂંટણીમાં તે સત્તા કબજે નહીં કરી શકે તો બિહારના રાજકારણમાંથી તેમનું અચ્યુતમ્ કેશવમ્ થઇ જવાની શક્યતા છે. બિહારની ચૂંટણીઓમાં અગાઉ ન જોયેલા રાજકીય દાવપેચ જોેવા મળશે તે નક્કી છે.