Get The App

યુદ્ધ દરમ્યાન શેરબજારનો મૂડ પારખવો બહુ અધરો છે

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
યુદ્ધ દરમ્યાન શેરબજારનો મૂડ પારખવો બહુ અધરો છે 1 - image


- ભારતનું શેરબજાર સર્જીકલ સ્ટ્રાઇકને પચાવી શક્યું છે

- પ્રસંગપટ

- કોઇને યુદ્ધની તીવ્રતાની ખબર નથી હોતી. એટલે દરેક શક્યતાના આધારે બજારના રૂખના અનુમાનો થતા રહે  છે

જે રીતે ભારતે પોકિસ્તાની આતંકવાદીઓના નવ અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને ખુલ્લી ચેતવણી આપી અને જે રીતે પૂર્ણ યુદ્ધના ભણકારા વાગે છે તે જોઇને લાગતું હતું કે ભારતના શેરબજાર પર તેની નેગેટીવ અસર થશે, પરંતુ ભારતનું શેરબજાર સર્જીકલ સ્ટ્રાઇકને પચાવી શક્યું છે. બુધવારનું બજાર સ્થિર રહ્યું હતું અને કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નહોતો. એવું જ લગભગ ૮ મે, ગુરૂવારના બજારમાં જોવા મળ્યું હતું.

સામાન્ય માન્યતા એવી છે કે  ભારત યુદ્ધમાં જોતરાય છે ત્યારે શેરબજાર તૂટે છે, નબળું પડી જાય છે, કેમ કે ભારતનું શેરબજાર અનિશ્ચિતતા પચાવી શકતું નથી. અલબત્ત, ઓપરેશન સિંદૂર દરમ્યાન બજાર સ્થિર રહ્યું છે. જે રીતે ભારતીય સૈન્ય અને સત્તાધારીઓ પાકિસ્તાનના નાગરિકોને ટાર્ગેટ નથી કરી રહ્યા તે જોતાં એમ લાગે છે કે યુદ્ધ બહુ લાંબું નહીં ચાલે. 

૧૯૫૦થી અત્યાર સુધીમાં ભારત ચાર મોટાં યુદ્ધ લડયું છે. છેલ્લે ભારત ૧૯૯૯માં કારગિલ યુદ્ધ લડયું હતું. યુદ્ધ વખતે બજારોમાં ડરનો માહોલ ઊભો થાય છે અને રોકાણકારો પીછહઠ કરતા દેખાય છે. આવા સમયે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તેનું આકલન કરવું મુશ્કેલ હોય છે. 

રોકાણકારો આવા સમયે સામાન્યપણે ધીરજ ગુમાવી બેસતા હોય છે. ૨૦૧૯માં ૧૪થી ૨૬ ફેબુ્રઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે નિફ્ટીમાં ૦.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે તેના એક વર્ષમાં નિફ્ટીમાં ૮.૯ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૧૬માં ૧૮થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન ઉરી સર્જીકલ સ્ટ્રાઇક વખતે નિફ્ટી સ્થિર રહી હતી. એટેક થયો તે દિવસે નિફ્ટીમાં ૦.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યોે હતો. જોકે તેના એક વર્ષમાં નિફ્ટીએ ૧૧.૩ ટકાનું રીટર્ન આપ્યું હતું.

બજારના જાણકારો કહે છે કે કારગિલ યુદ્ધ વખતે સૌ એમ માનતા હતા કે શેરબજાર યુદ્ધની સીધી અસર હેઠળ આવી જશે. રોકાણકારોમાં પહેલા દિવસે અજંપો જોવા  મળ્યો હતો. શરૂઆતમાં બજાર તૂટયું પણ હતું, બે મહિના સુધી બજાર અનિશ્ચિત રહ્યું હતું, પણ પછી ટ્રેક પર આવી ગયું હતું. ૧૯૯૯-૨૦૦૦ વચ્ચેના કારગિલ યુદ્ધ વખતે ફુગાવાનો દર ચિંતાજનક રીતે વધ્યો હતો.

૧૯૬૫ની ભારત-પાકિસ્તાન વોર વખતે સૌના આશ્ચર્ય વચ્ચે  જીડીપીમાં વધારો જોવા મળ્યો હતો. જીડીપી ગ્રોથ તે વખતે ૫.૯૯ ટકાથી વધીને  ૭.૪૫ ટકા થઈ ગયો હતો. જોકે ફૂગાવો એટલો વધી ગયો હતો કે શાસકો ચિંતામાં મુકાઇ ગયા હતા. ૧૯૬૪માં ફૂગાવો ૬.૧૭ ટકા હતો, જે ૧૯૬૫માં યુદ્ધ સમયે ૧૦ ટકાને વટાવી જવાની અણી પર જણાતો હતો. ૧૯૬૨ની ભારત-ચીન યુદ્ધ (૨૦ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર ૧૯૬૨) વખતે જીડીપી તૂટીને ૩.૭૨ ટકા પર આવી ગયો હતો. 

દરેક યુદ્ધ દરમ્યાન શેરબજારના રોકાણકારો સાવચેતીના પગલાં રૂપે રોકાણોની હેરાફેરીથી દૂર રહે છે.  સોના અને ચાંદીનાં બજારો પણ સ્થિર રહ્યાં છે. તેમ છતાં ભારતના શેેરબજાર અને કોમોડિટી બજારોનો મૂડ પારખવો બહુ અધરો છે. શેરબજારનું ભાવિ કહેનારા ટેકનિકલ વિશેષજ્ઞાો વારંવાર નિષ્ફળ ગયા છે. યુદ્ધનો માહોલ રોકાણકારોમાં ડર પેદા કરે છે. યુદ્ધની તીવ્રતાની માત્રા વિશે કોઈને ખબર હોતી નથી. એટલે   તમામ શક્યતાઓના આધારે બજારનો રૂખ કેવો રહેશે તેના અનુમાનો થતા રહે છે. 

અનુભવીઓ કહે છે કે યુદ્ધની સ્થિતિ અનિશ્ચિત હોવાથી રોકાણકારોએ સ્થિર રહેવું અને બહુ મોટી લે-વેચથી દુર રહેવું જોઇએ. યાદ રહે, ભારતે આ યુદ્ધના ભણકારા વચ્ચે જ યુકે સાથે વેપાર કરાર કર્યા છે. ન્યુઝીલેન્ડ  સાથે પણ મંત્રણાઓ ચાલે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ આજકાલમાં સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરી છે. 

યુદ્ધની અસર બજારો પર વર્તાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ઇતિહાસ પર નજર કરીએ તો સર્જીકલ સ્ટ્રાઇક જેવી લશ્કરી ગતિવિધિઓની  બજારો પર ખાસ અસર થતી નથી.

Tags :