- પિતા અને બહેનની હત્યા, માતા હોસ્પિટલમાં
- પ્રસંગપટ
- કુટુંબના 15 લાખ રૂપિયા હારી ગયો હતો, પ્રતિબંધ હોવા છતાં દેશના યુવાનોમાં ઓનલાઇન બેટિંગની ચિંતાજનક લત
રીયલ મની ગેમ પર કેન્દ્ર સરકારે ભારતમાં પ્રતિબંધ મુક્યો હોવા છતાં વિવિધ સોર્સ મારફતે ગેમ રમનારા આખો દિવસ તેને વળગેલા રહે છે. સરકારે ઓનલાઇન ગેમીંગ એક્ટ હેઠળ પ્રતિબંધો પણ મુક્યા છે અને દંડનીય જોગવાઇ પણ રાખી છે. રીયલ ઓનલાઇન ગેમના પ્રમોશન પર પણ પ્રતિબંધ છે. છતાં રમનારા પોતાનું પ્લેટફોર્મ શોધી લે છે. એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ થતી નથી કે સત્તાવાર જાહેરાતો પણ બંધ કરી દેવામાં આવી છે. છતાં વેબસાઈટમાંથી ડાઉનલોડ કરી શકાય છે. દરેક બેટિંગ એપ્સનું એક અંડરગ્રાઉન્ડ તંત્ર ચાલે છે અને એમાં બેરોકટોક બેટિંગ કરી શકાય છે.
વરલી મટકા પર પ્રતિબંધ હોવા છતાં પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ વરલી મટકા અને જુગારના અડ્ડા ચાલતા હોય છે. સુપ્રીમ કોર્ટે ગેમીંગ કંપનીઓ પર પાછલી અસરથી ૨૮ ટકા જીએસટી લેવાનો ચુકાદો આપીને તેમની કમર તોડી નાખી હતી. છતાં કેટલીક કંપનીઓ બીજા નામે એપ શરૂ કરે છે. તેમાં હોમ પેજ પર હેતુ અલગ હોય છે પરંતુ અંદર પૈસાની ગેમ રમાડાતી હોય છે.
ઓનલાઇન ગેમીંગ ઓથોરીટી ઓફ ઇન્ડિયા તેમજ ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સ જેવી એજંસીઓ ઓનલાઇન ગેમીંગ અટકાવવા પર નજર રાખે છે પરંતુ સાયબર ગેમીંગ રમાડનારા વધુ ઉસ્તાદ સાબિત થયા છે. કર્ણાટકના કોપાલ જીલ્લામાં ઓનલાઇન બેટીંગ-જુગારના રવાડે ચઢેલા ૧૮ વર્ષના છોકરા મનદીપે આચરેલો હત્યા કાંડ બહુ આઘાત જનક છે. ઓનલાઇન બેટીંગમાંથી સંતાનને છોેડાવવા તેના મા-બાપ રોજ તેને સમજાવતા હતા. પરંતુ સાંઇ વેંકટા મનદીપ સતત રોકટોકથી બહુ છંછેડાયેલો રહેતો હતો. છેલ્લા એક વર્ષમાં તે તે સટ્ટામાં તે કુટુંબના ૧૫ લાખ રૂપિયા હારી ગયો હતો.બે દિવસ અગાઉ તેણે તેના મા-બાપ અને બહેન પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલા બાદ તેણે પોતાની ઉપર પણ ચાકુ ચલાવ્યું હતું.
તેના ૪૫ વર્ષના પિતાનું મૃત્યુ થયું હતું જ્યારે તેની ૧૯ વર્ષની બહેન પ્રગતિ સ્થળ પર જ મૃત્યુ પામી હતી અને માતા જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. ઘટના બની ત્યારે મનદીપના દાદા ઉપસ્થિત હતા. તેમણે પાડોશીઓને બૂમો પાડીને બોલાવ્યા હતા.
પોલીસે પણ નોંધ્યું છે કે પુત્રના બેટીંગના વળગણના કારણે પરિવાર પૈસાની ખેંચ અનુભવતો હતો.મોબાઇલ આંચકી લેવો અશક્ય બની જાય છે. બહુ બળજબરી કરાય તો તેને શાંત કરવા બહુ ધમ પછાડા કરવા પડે છે. જ્યારે ટીનેજર્સ ઓનલાઈન ગેમ્સમાં બેટીંગ અટલેકે સટ્ટાબાજીની ગેમ રમવાના રવાડે ચઢે છે ત્યારે તેને તે વ્યસનમાંથી મુક્ત કરવામાં બહુ સમય લાગે છે. આવા લોકો ગેમ રમતા હોય ત્યારે પોતાને મળેલા વિજયથી એકલા- એકલા ચીચીયારીઓ પાડતા નજરે પડે છે.
યુવાનોમાં ઓનલાઇન બેટીંગ ગેમનું વળગણ એટલા મોટા પાયે હોય છે કે તે તેના વાલીઓનું પણ માનતો નથી. પોતાનો છોકરો હાથમાંથી સરકી ગયો હોવાનું જાણવા છતાં તેમનો સંતાન પ્રેમ તેમને કડક પગલાં લેતા અટકાવે છે. જ્યારે પણ ઓનલાઇન ગેમીંગના કારણે બનતી ઘટના પ્રકાશમાં આવે છેે ત્યારે ફેબુ્રઆરી ૨૦૨૬માં કોરિયન ગેમ્સના વળગણમાં ૧૨,૧૪ અને ૧૬ વર્ષની ત્રણ છોકરીઓ નવમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. ત્યારે પણ ઓનલાઇન ગેમ્સના દૂષણો અંગે બહુ ચર્ચા થઇ હતી. આપઘાત કરનાર ત્રણેય છોકરીઓેએ લખ્યું હતું કે સોરી,પપ્પા કોરિયન ગેમ અમારી જીંદગી છે.
ત્રણેય છોકરીઓ કોરિયન ગેમમાં એટલી ગળાડૂબ હતી કે તેમના પોતાના નામ પણ કોરિયામાં બોલાતા નામ પર રાખ્યા હતા. તેમની પાસેથી જ્યારે ગેમ માટે વપરાતા મોબાઇલ અને કોમ્પ્યુટર છીનવી લેવાયા ત્યારે તેમણે એક પછી એક કૂદીને અપાઘાત કર્યો હતો. ગાઝીયાબાદની આ ઘટના ખૂબ કમકમાટી ભરી હતી.
ઓનલાઇન બેટીંગ રમાડતી કંપનીઓ લોકોને એક વાર જીતાડે છે અને ચાર વાર હરાવે છે. હારનાર માણસ વધુ રમે તે માટે લોનની એપ પણ ડાઉનલોડ કરાવે છે. વર્ષોથી ગલી-ખૂંચીમાં રમાડાતો જુગાર હવે ઓનલાઇન રમાડાય છે. ઘણાં છોકરા-છોકરીઓ તો સ્કૂલમાં ભણવામાં ધ્યાન નથી આપતા એટલું ધ્યાન ગેમિંગમાં આપતા હોય છે.
ગેમિંગ અને ઓનલાઈન બેટિંગના કારણે માનસિક હેલ્થ પર ગંભીર અસરો થઈ રહી છે. પેરેન્ટ્સ માટે આ કિસ્સા આંખ ઉઘાડનારા છે. બાળકોને યોગ્ય ઉંમરે જ મોબાઈલ આપવો જોઈએ. બાળકોના મનોરંજન માટે ઓનલાઈન ગેમિંગ રમાડતા હોય એવા પેરેન્ટ્સે પણ તેમના પર ખાસ નજર રાખવી જરૂરી છે. એક વખત બેટિંગમાં પૈસા રોક્યા પછી જીત મળે ત્યારે પેરેન્ટ્સ જ આવા બેટિંગને પ્રોત્સાહન આપે છે.


