તુંજ તારે ગુરૂ થા એવું કહેનાર 'અખા'ની ગુરૂ વંદના જરૂરી છે
- પ્રેમાનંદજી મહારાજના દર્શન માટે લાઇનો લાગે છે
- પ્રસંગપટ
- રંગવધૂત મહારાજના મંદિરોમાં આજે પણ એક પણ પૈસો નથી લેવાતો કે તેમનું કોઇ પ્રચાર સાહિત્ય પણ નથી..
- પ્રેમાનંદજી મહારાજ
આવતીકાલે ગુરૂપૂર્ણિમા છે. અંધારામાંથી પ્રકાશ તરફ લઇ જનારને ગુરૂ કહે છે પરંતુ વર્તમાન સમયમાં મુશ્કલીના સમયમાં સાચી સલાહ આપનારને ગુરૂ કહે છે. આર્થિક ક્ષેત્રના લોકો ગુરૂ એને માને છે કે જે મંદીમાંથી તેજી તરફ ખેંચી જાય. ગુરૂ એવા તેજસ્વી હોય છે કે તેમને જોઇને વંદન કરવા મસ્તક ઝુકી જાય છે. જોકે લકઝરી લાઇફ જીવતા ગુરૂઓ અનેક વાર વિવાદમાં ફસતા જોવા મળે છેે જેના કારણેે કેટલાક ગરૂઓ શંકાથી જાવાઇ રહ્યા છે. આપણે ત્યાં ગુુરૂઓનો રાફડો એટલા માટે ફાટયો છે કે લોકોની સમસ્યાઓ વધી છે. દરેક માને છે કે તેમની સળગતી સમસ્યાોની ગુરૂ ચાવી આ ગુરૂઓ પાસે છે.
ઓનલાઇન પોડકાસ્ટ પર મહાભારતના અધ્યાયોની સમજ આપતા ગુરૂઓ કોપીકેટ હોય છે અને તેમના પ્રચાર પાછળ ખાસ્સું બજેટ ફાળવતા હોય છે. મહાભારતના અધ્યાયોને આ ગુરૂઓએ એટલા સસ્તા અને અટપટા બનાવી દીધા છે કે લોકો તેને આસાનીથી સમજી શકતા નથી.
ગુરૂને વંદન કરનારા દરેક માને છે કે તેમના ગુરૂમાં કોઇ ચમત્કારીક શક્તિ છે જે તેમના આશિર્વાદમાં રહેલી છે. મનુષ્ય કોઇ ચમત્કાર કરી શકતો નથી એવું નિશ્ચિત હોવા છતાં લોકો ચમત્કારની આશાએ મસ્તક ઝુકાવતા હોય છે.
કોઇ ગુરૂ વરસાદ નથી પાડી શકતા,પુર નથી અટકાવી શકતા,મોંધવારી દુર નથી કરી શકતા કે બેરોજગારી દુર નથી કરી શકતા. છતાં લોકો ગરૂવંદનાથી દુર રહી શકતા નથી. ગુુરૂ વંદના હિંદુ સંસ્કૃતિના મૂળમાં રહેલી છે.
તેમ છતાં ગુરૂનું શાંત્વન માણસમાં હીલીંગ ટચ આપે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. ભારતના ટોપના પાંચ સ્પિરીચ્યુઅલ ગુરૂમાં ટોપમાં પ્રેમાનંદજી મહારાજ આવે છે. વિરાટ કોહલી જેવા સેલિબ્રિટી તેમને પગે લાગવા આવે છે. દરેકને રાધે રાધે જપવાનું કહેતા પ્રેમાનંદજી મહારાજના દર્શન માટે સવારથીજ લાઇનો લાગે છે. તે કોઇ ચમત્કાર નથી બતાવતા પણ માનસિક શાંતિ માટેના ઉપાયો બતાવે છે.
અન્ય ગુરૂઓમાં ભોલેબાબા, રામ ભદ્રાચાર્ય, બાગેશ્વરધામ સરકારથી ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી, અનિરૂધ્ધાચાર્યજી મહારાજ વગેરેનો સમાવેશ થાય છે.
સોશ્યલ નેટવર્ક પર બની બેઠેલા ગુરૂઓ પોતે વિદ્વાન છે તેવું સાબિત કરવા માર્કેટીંગ કરે છે. યુવાનોમાં બાગેશ્વર ધામ ફેઇમ ધીરેન્દ્ર શાસ્ત્રી બહુ પ્રિય છે કેમકે તે હિન્દુ તરફી તડફડ રજૂઆત કરે છે.
ગુરૂપૂર્ણિમાએ ખેડા-આણંદ પંથકમાં સંતરામ મહારાજના દર્શને લાખો લોકો ઉમટશે. મંદિરની અનેક સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત સંતરામ મહારાજની આધ્યાત્મિક શક્તિનો લોકોને ત્યાં અનુભવ થાય છે. એવીજ રીતે નારેશ્વર રંગઅવધૂત મહારાજના દર્શન માટે પણ લોકો જશે. તેમણે સમાજને આપેલી દત્તબાવની આજે પણ નર્મદાકાંઠાના ગામોમાં રોજ ગવાય છે.
આપણે ગુરૂઓની યાદીમાં ઉત્તર પ્રદેશના મહારાજો વધુ જોઇએ છીયે કેમકે તેમનું માર્કેટીંગ થાય છે જ્યારે ગુજરાતના સંત એવા રંગવધૂત મહારાજના મંદિરોમાં આજે પણ એક પણ પૈસો નથી લેવાતો કે તેમનું કોઇ પ્રચાર સાહિત્ય પણ નથી. એવીજ રીતે ગુરૂ શ્રીમદ રાજચન્દ્રના અનુયાયીઓ પણ બહુ પ્રચારમાં નથી માનતા. આ લોકોનું તેજ સ્વયંભૂ પ્રગટેલું છે તેમને સોશ્યલ નેટવર્કની જરૂર નથી પડતી.
મૂર્ધન્ય કવિ અખો કહે છે કે તૂંજ તારે ગુુરૂ થા અર્થાત થાત તે કરેલી ભૂલોને ફરી ના કર અને તેમાંથી શીખ, તારે કોઇ ગુરૂની જરૂર નથી. પરંતુ કોઇ અખાની શિખામણને ધ્યાનમાં નથી લેતું અને સોશ્યલ નેટવર્ક પર ફૂટી નીકળેલા ગુુરૂઓના ગુલામ બનતા જાય છે. પોડકાસ્ટ પર બની બેઠેલા ગુરૂઓ ચિંતનના નામે લોકોને પોતે બહુ નિષ્ણાત છે એવો દાવો કરે છે અને પોતાનો અનુયાયી વર્ગ વધારતા જાય છે. ડિપ્રેશનમાં રહેતા લોકો તેમના અનુયાયી બનવા પડાપડી કરતા હોય છે.