Get The App

લૂંટનો માલ વહેંચવાની તકરારમાં બીએસપીનો પ્રમુખ રહેંસાઇ ગયો

Updated: Jul 9th, 2024


Google News
Google News
લૂંટનો માલ વહેંચવાની તકરારમાં બીએસપીનો પ્રમુખ રહેંસાઇ ગયો 1 - image


- તમિળનાડુનું વિવાદાસ્પદ ગોલ્ડ ટ્રેડીંગ સ્કેમ 

- પ્રસંગપટ

- માયાવતીએ સીબીઆઇને કેસ સોંપવાની માંગ કરી છે જોકે મામલો લોકોને કમિશનના નામે છેતરવાનો હતો

- કે. આર્મસ્ટ્રોંગ

બહુજન સમાજવાદી પાર્ટીના તમિળનાડુ એકમના વડા કે. આર્મસ્ટ્રોંગની હત્યા પાછળનાં રહસ્યો બહાર આવવા લાગ્યાં છે. ચેન્નાઇમાં પેરામ્બુર નામના વિસ્તારમાં ચાર દિવસ પહેલાં  છ લોકો જાહેરમાં આર્મસ્ટ્રોંગ પર તૂટી પડયા હતા અને એની હત્યા કરી હતી. બહુજન સમાજવાદી પાર્ટીની તમિળનાડુ પર કોઇ પકડ નથી. તાજેતરમાં લોકસભાના જંગમાં  પણ બહુજન સમાજવાદી પાર્ટી કોઇ ખાસ દેખાવ કરી શકી નથી. 

૪૭ વર્ષના આર્મસ્ટ્રોંગને જાહેરમાં હત્યા કરનાર ગેંગનો લીડર સોનાના કૌભાંડમાં સંડોવાયો હોવાનું મનાય છે. એરકોટ  સુરેશ નામનો ગેંગસ્ટર ગયા વર્ષે ઓેગસ્ટમાં માર્યો ગયો હતો અને તેનો બદલો લેવા આર્મસ્ટ્રોંગને પતાવી દેવાયો હોવાનું ચર્ચાય છે. એરકોટ સુરેશ વેલોરનો રહેવાસી હતો અને એ પેરામ્બુરમાં બહુ જાણીતો ચહેરો હતો. એરકોટ સુરેશ અને આર્મસ્ટ્રોંગ વચ્ચે વેરઝેર ચાલતું હતું. આખા કેસમાં  ૨૪૩૮ કરોડ રૂપિયાની ડિપોઝીટોનું કૌભાંડ છે, જે ગોલ્ડ ટ્રેડીંગ સ્કેમ તરીકે જાણીતું છે. 

તેમાં સુરેશ સંડોવાયો હતો. એક લાખ જેટલા ડિપોઝીટરોને આ કેસમાં ચૂનો ચોપડવામાં આવ્યો છે. આ પૈસા સુરેશના કબ્જામાં હતા. સપ્ટેમ્બર ૨૦૨૦થી મે ૨૦૨૨ દરમિયાન આ ગોલ્ડ ટ્રેડીંગ સ્કેમ બહુ ગાજ્યું હતુ. આ કૌભાંડમાં જેનાં નાણાં ડૂબ્યાં હતાં તેમને પરત અપાવવાનું પ્રોમીસ આર્મસ્ટ્રેાંગે શરૂ કરતાં સુરેશ સાથે તેના સંબંધા વણસ્યા હતા. આર્મસ્ટ્રોંગ ડિપોઝીટરોને ઉશ્કેરતો હતો એવુંય કહેવાય છે.  

પોલીસ તપાસમાં જણાયું હતું કે સુરેશની હત્યા જયપાલ નામના અપરાધીની ગેંગે કરી હતી. જયપાલ ગેંગને સુરેશની હત્યાની સોપારી સંભવતઃ આર્મસ્ટ્રોંગે આપી હતી. હાલ જયપાલ જેલમાં છે. જે ડિપોઝીટરોનાં નાણાં ફસાયાં છે તેમને  પરત અપાવવા કમિશન લેવાનો આરોપ જયપાલ પર મૂકાયો છે. કોભાંડમાં જે લોકોની ડિપોઝીટો ડૂબી હતી તેનો સંપર્ક જયપાલ ગેંગ કરતી હતી અને ૫૦ ટકા જેટલું કમિશન માગતા હતા. એટલે કે લાખ રૂપિયાની ડિપોઝીટ હોય તો પચાસ હજારનું કમિશન! જયપાલ ગેંગના ગુંડા ડિપોઝીટ લોકોના હાથમાં આવે તે  પહેલાં જ પોતાનું કમિશન મેળવવા લોકોને દમ મારતા હતા.  

આર્મસ્ટ્રોંગની હત્યામાં સુરેશના ભાઇ બાલુનો હાથ હોવાનું કહેવાય છે. બાલુ પણ મોટો ગુનેગાર છે. તેની સામે ત્રણ પોલીસ કેસ ચાલે છે. બાલુની ગેંગે આર્મસ્ટ્રોંગને પતાવી દીધો હોવાને આક્ષેપ થઇ રહ્યો છે. ચેન્નાઇ પોલીસે જે આઠ લોકોને પકડયા છે તેમાં સુરેશના ભાઇ  પોની વી. બાલુનો સમાવેશ પણ થાય છે. પોલીસે મોબાઇલ ફોનના લોકેશન અને બાઇકના રજીસ્ટ્રેશન નંબર પરથી  ગુનેગારોને પકડયા હતા. 

પોલીસનાં સૂત્રો કહે છે કે પોલીસ ટ્રેક કરીને શોધે તે પહેલાં જ આ લોકો શરણે થઇ ગયા હતા, કેમ કે તેમને એન્કાઉન્ટર થવાનો ડર હતો. બાલુની ગેંગને હત્યા કરવા માટે એક નાગેન્દ્રન નામની ગેંગ ગાઇડ કરતી હતી. 

આર્મસ્ટ્રોંગ પોતાના ઘરની બહાર તેના મિત્રો સાથે ઊભો હતો ત્યારે હુમલાખોરો ચાકુ તલવારો સાથે તૂટી પડયા હતા. હુમલો થતાં મિત્રો ભાગી ગયા હતા અને ચીસાચીસ સાંભળીને ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં તેમને મૃત જાહર કરાયા હતા.  

એનો પરિવાર પક્ષના કાર્યાલય પાસે દફનવિધિ કરવા માગતી હતી, પરંતુ સત્તાધારીઓ સંમત ન થયા.  આર્મસ્ટ્રોંગના કુટુંબીઓ પછી હાઇકોર્ટમાં ગયા હતા. સ્થાનિક સત્તાધારીઓએ કહ્યું હતું કે  બહુજન સમાજવાદી પક્ષની ઓફિસ રહેણાંક વિસ્તારમાં છે માટે ત્યાં દફન વિધિ ન કરવી જોઇએ. અંતે કોર્ટે નજીકના ગામમાં દફન વિધિ કરવાની સૂચના આપી હતી. 

આર્મસ્ટ્રેંાગની હત્યા પાછળ ૨૪૩૮ કરોડનું કૌભાંડ અને ડિપોઝીટરોને છેતરવાનો મામલો છે તેનો ખ્યાલ બહુજન સમાજવાદી પાર્ટીનાં વડા માયાવતીને આવી ગયો હતો. શરૂઆતમાં હત્યાના પગલે માયાવતીએ વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. માયાવતીએ સીબીઆઇને કેસ સોંપવાની માંગ કરી છે, પરંતુ કોઇ ૨૪૩૮ કરોડના કૌભાંડ વિશે બોલવા તૈયાર નથી એ હકીકત છે.

Tags :