- ભારત 40 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે
- પ્રસંગપટ
- ભારતે પોતાની વ્યૂહરચના એવી રીતે બદલી છે કે જેથી ટ્રમ્પ સીધું નુક્સાન કરી શકતા નથી
લોકો ઓઇલના ભાવોમાં રસ બતાવતા હતા, પરંતુ ભારત ક્યાંથી ઓઇલ ખરીદે છે તેની દરકાર કોઇ નહોતું રાખતું. હવે જ્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારતને ઓઇલ સપ્લાય કરતા દેશોનું નાક દબાવવાનું શરૂ કર્યું છે ત્યારથી ભારત ક્યા દેશ પાસેથી કેટલું તેલ ખરીદે છે તે જાણવામાં લોકોને એકાએક રસ પડયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ઝૂકાવવા મથે છે, પરંતુ ભારતે પોતાની વ્યૂહરચના એવી રીતે બદલી છે કે જેથી ટ્રમ્પ સીધું નુક્સાન કરી શકતા નથી. એટલેસ્તો ભારતને મળતો ઓઇલનો સપ્લાય મોંઘો થાય તેવા પ્રયાસો ટ્રમ્પ કરી રહ્યા છે.
દેશ આઝાદ થયો પછી ભારતે ઘણા દેશોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કર્યું છે, પરંતુ જ્યારે પણ ભારતે અમેરિકાની બહાર વિકલ્પો પસંદ કર્યા છે ત્યારે પ્રશ્નો, દબાણ અને ચેતવણીઓ વધી છે. ૧૯૪૭ પછી સરકારોએ ઓઇલ જ્યાંથી સસ્તું પડયું ત્યાંથી ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. ઓઇલની ખરીદીને જે-તે દેશ સાથેના રાજદ્વારા સંબંધ સાથે કશી નિસ્બત નહોતી. કોઈ પણ દેશ પાસેથી પૈસા આપીને ઓઇલ ખરીદવાનું હતું.
ભારતને શરૂઆતથી જ ઓઇલના મુદ્દે બહારના દેશો પર આધારીત રહેવું પડયું છે. અખાતી યુદ્ધ થાય કે ઓઇલ સપ્લાય ઓછો થાય ત્યારે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઉછાળો આવતો હતો. સરકાર વારંવાર ખુલાસો કરતી હતી કે અમે શું કરીએ, વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવોમાં વધારો થયો છે. મોદી સરકારની સદનસીબી એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓઇલના ભાવ ૬૦-૬૧ ડોલર પ્રતિ બેરલની વચ્ચે ફરતા રહે છે, જેના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ખાસ ફેરફાર નથી પડયો અને મોંઘવારી પણ કાબુમાં રહી છે.
આંતરરાષ્ટ્રીય તેલબજાર હાલ ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. વેનેઝુએલાના વિશાળ તેલભંડાર પર અમેરિકા દ્વારા નિયંત્રણ મેળવવું તે આનું સૌથી મોટું કારણ છે. વેનેઝુએલામાં આશરે ૩૦૩ અબજ બેરલ તેલ ભંડાર છે, જે વિશ્વના કુલ ભંડારના આશરે ૧૭% છે. આ વોલ્યુમ સાઉદી અરેબિયા કરતાંય વધારે છે.
અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું છે. જો ભારત આમ નહીં કરે, તો તેણે વધુ ટેરિફનો સામનો કરવો પડશે.
ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૮૫%થી વધુ જથ્થો આયાત કરે છે. અહેવાલ મુજબ, ભારત હાલમાં લગભગ ૪૦ દેશોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે. આ વિશાળ નેટવર્કમાં વેનેઝુએલાની એક સમયની મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં હવે તીવ્ર ઘટાડો થયો છે. ૨૦૨૨ પહેલા, ભારતે ફક્ત ૨૭ દેશો પાસેથી તેલ ખરીદ્યું હતું. આ વિસ્તરણ રશિયા-યુક્રેન યુદ્ધ જેવા ભૂરાજકીય અવરોધોને દૂર કરવા અને કોઈપણ એક ક્ષેત્ર પર વધુ પડતી નિર્ભરતા ટાળવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. તાજેતરમાં આર્જેન્ટિનાએ પણ ભારતને ક્રૂડ તેલ સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.
ભારતની ક્રૂડ તેલની આયાતમાં કિંમતના ફાયદા અને લોજિસ્ટિકલ વિચારણાઓના આધારે વધઘટ થાય છે. ભારતના મુખ્ય સપ્લાયર્સમાં અમેરિકા, રશિયા, સાઉદી એરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઇરાકનો સમાવેશ થાય છે. રશિયા હાલમાં ભારતના તેલ સપ્લાયર્સની યાદીમાં ટોચ પર છે. ૨૦૨૫માં, રશિયા ભારતના કુલ ક્રૂડ તેલ આયાતમાં ૩૫% થી ૩૬% હિસ્સો ધરાવતો હતો. પશ્ચિમી પ્રતિબંધો પછી રશિયા દ્વારા આપવામાં આવેલી નોંધપાત્ર છૂટછાટોને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ૨૦૨૫ના અંત સુધીમાં, નવા પ્રતિબંધોના દબાણને કારણે પુરવઠામાં થોડો ઘટાડો થયો છે.
ઇરાક ભારતનો બીજો સૌથી મોટો સપ્લાયર છે, જેનો હિસ્સો ૨૦% થી ૨૩% જેટલો છે. આ પછી સાઉદી અરેબિયા ૧૬%થી ૧૮% સાથે અને સંયુક્ત આરબ અમીરાત આશરે ૮%થી ૧૦% આયાત સાથે આવે છે.
એક સમયે ભારતનું મુખ્ય સપ્લાયર ગણાતું વેનેઝુએલા હવે ભારતના તેલ બાસ્કેટમાં નોંધપાત્ર રીતે બહુ ઓછી ભૂમિકા ભજવે છે. નવેમ્બર ૨૦૨૫ સુધીમાં, વેનેઝુએલાનો હિસ્સો ફક્ત ૦.૩%થી ૦.૬% હતો. ૨૦૧૩માં વેનેઝુએલાના હિસ્સો ૧૨.૪%, ૨૦૧૯માં ૫.૯% અને ૨૦૨૦માં ૩.૬% હિસ્સો હતો. યુએસે મૂકેલા પ્રતિબંધો, ચુકવણીની મુશ્કેલીઓ અને ટેરિફ ધમકીઓને કારણે આ ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો હતો. આ જ કારણ છે કે ભારતીય રિફાઇનરીઓએ મે, ૨૦૨૫ પછી વેનેઝુએલા પાસેથી ખરીદી કરવાનું લગભગ બંધ કરી દીધું હતું.


