- ગોવામાં ક્રિસમસની સિઝનમાં ત્રણ કરોડ જેટલા ટુરિસ્ટો આવશે
- પ્રસંગપટ
- નાઇટક્લબમાં મ્યુઝિકનો ઘોંઘાટ એટલો તીવ્ર્ર હોય છે કે 'ભાગો' કે 'બચાઓ'ની બૂમો દબાઈ જાય
દારૂ, જુગાર, ડ્રગ્સ, નાઇટક્લબ્સ અને ઐયાશી માટે જાણીતું ગોવા માનવ સર્જિત ભૂલનો ભોગ બન્યું છે. રાત્રે સોળે કળાએ ખીલી ઉઠતાં ગોવાની એક નાઇટક્લબમાં આગ લાગી ત્યારે ડાન્સ ફ્લોર પર ૧૦૦ લોકો મ્યુઝિકના તાલે ઝૂમતા હતા. નાઇટક્લબમાં મ્યુઝિકનો ઘોંઘાટ એટલો તીવ્ર્ર હોય છે કે 'ભાગો...' કે 'બચાઓ...'ની કોઇ બૂમો સંભળાઇ નહીં હોય. કેવી રીતે આગ લાગી તેનો સ્પષ્ટ ખુલાસેા કરાયો નથી, પણ ગોવાની સરકાર આ દુર્ઘટના પર લીંપણ કરી રહી છે, કેમ કે ડિસેમ્બર એ ગોવા માટે સૌથી વધારે કમાણી કરતો મહિનો છે.
ગોવામાં સાકડી ગલીઓમાં ડાન્સ બાર, ક્લબ્સ વગેરે ચાલતા હોય છે. ગોવાની રાજધાની પણજીથી ૨૫ કિલોમીટરના અંતરે આવેલી 'બર્ચ બાય રોમીઓ લેન' નામની આ ક્લબના માલિકની ધરપકડ કરાઇ છે. દુર્ઘટના શનિવારે રાતે પોણાબારે થઈ. શનિવારે આમેય આ પ્રકારના સ્થળોએ ખૂબ ભીડ રહેતી હોય છે. આ નાઇટક્લબ એટલી સાંકડી ગલીમાં બનાવવામાં આવી છે કે ફાયરબ્રિગેડનાં વાહનો ત્યાં જઇ શકે એમ નહોતાં. ઘટનાસ્થળથી છેક ૪૦૦ મીટર દૂર ફાયરબ્રિગેડનાં વાહનો ઊભાં રાખવાં પડયાં હતાં.
નાઇટક્લબનો માહોલ એવો ઘોંઘાટિયો હોય છે કે બહાર તો શું, બાજુમાં શું ચાલી રહ્યું છે તેની પણ જલદી ખબર ન પડે. આગ લાગતાં કેટલાક બહાર ભાગી ગયા ને બચી ગયા. અંદરના ભાગમાં ફસાઈ ગયેલા લોકો ગૂંગળાઇ મર્યા. ૨૫માંથી ૨૦ મૃતકો નાઇટક્લબનો સ્ટાફ હોવાનું જાણવા મળ્યું છે. બાકીના પાંચમાંથી ચાર મૃતકો દિલ્હીના એક જ પરિવારના સભ્યો હતા. કુલ ૨૫ મૃતકોમાં ૨૨ ુપુરુષો અને ત્રણ સ્ત્રીઓ છે. પચાસેક લોકો હજુ હોસ્પિટલમાં છે. તે લોકો નિવેદન આપશે ત્યારે સાચી વિગતોની ખબર પડશે.
મુંબઈમાં એક સમયે ડાન્સ બારની બોલબોલા હતી, જેમાં બારમાં કામ કરતી નર્તક કન્યાઓ ભડકીલો પોષાક અને લાઉડ મેકઅપ કરીને ડાન્સ ફ્લોર પર શરીર મટકાવીને, કામુક ચેનચાળા કરીને નાચતી. આજુબાજુ ટેબલ પર શરાબ પીતાં અને ખાણીપીણી કરતાં પુરુષો એમને તાક્યા કરતા, એમના પર પૈસા ફેંકતા. કોઈ ડાન્સ બાર તેમની સાવ નજીક જઈને ચેનચાળા કર્યા કરે, કોઈ તો વળી પુરુષોના ખોળામાં બેસી જાય. અમુક પુરુષો ખુદ તાનમાં આવીને બાર ડાન્સરો સાથે નાચવા માંડે. ગોવામાં જ્યાં દુર્ઘટના થઈ તે જગ્યા, અલબત્ત, આ પ્રકારનો ડાન્સ બાર નહીં, પણ ટિપિકલ નાઇટક્લબ છે, જ્યાં ડીજે અતિ ઊંચા વોલ્યુમે બોલિવુડનાં અને વિદેશી ગીતો વગાડતો હોય, ડાન્સ ફ્લોર પર સ્ત્રી-પુરુષો ઝૂમતાં હોય, અને એક તરફ ખાણીપીણી તેમજ શરાબની છાકમછોળ ચાલતી હોય.
ડાન્સબારની માફક નાઇટક્લબનો માહોલ પણ શોખીન માણસને બંધાણી બનાવી દે તેવો હોય છે. બોલિવુડની ફિલ્મોમાં અને ઓટીટી શોઝમાં નાઇટક્લબનાં ગ્લેમરસ દ્રશ્યો દેખાડવામાં આવે છે, પણ નાઇટક્લબની અસલિયત જોખમી અને સ્ફોટક હોઈ શકે છે.
આગની અનેક ઘટનાઓમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંધન જવાબદાર મનાયું છે. ગોવાની ક્લબને અપાયેલી પરમિશનના કાગળો તપાસાઇ રહ્યા છે. આવી ક્લબો ચલાનવારાઓ અને પોલીસ તંત્ર વચ્ચે સાંઠગાંઠ હોય તેમાં કશું છુપું નથી.
ગોવામાંં નાઇટ ક્લબ, પબ, બાર વગેરેનાં નામો જુદાં છે, પણ અહીં કામ લગભગ એકસરખું થતું હોય છે. નાચો, પીઓ, ડ્રગ્સ અજમાવો, સેકસ પીરસો અને ટુરિસ્ટનું મનોરંજન કરો. ગોવાના મુખ્ય પ્રધાને આગના સ્થળની મુલાકાત લીધા પછી નિવેદન આપ્યું કે અહીં ફાયર સેફ્ટીના પગલાં લેવાયાં નહોતાં.
ગોવાની આગ દુર્ઘટનાના સમાચાર જાણીને તરત આપણા મનમમાં ટયુશન ક્લાસ, હોસ્પિટલ, ગેમ ઝોન વગેરેમાં થયેલા આ જ પ્રકારના અન્ય અગ્નિકાંડની પીડાદાયક સ્મૃતિ ઉપસી આવે છે. જ્યારે આગની ઘટના બને છે ત્યારે ભ્રષ્ટાચારનો આખો ટ્રેક ખુલ્લો પડી જાય છે.
ગોવાની નાઇટક્લબની દુર્ઘટના માનવસર્જિત ભૂલ છે તે સ્વીકારવું રહ્યું. ગોવાની તમામ ક્લબમાં સલામતીનું, ખાસ કરીને ફાયર સેફ્ટીનું પાક્કું ઓડિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગોવાનું અર્થતંત્ર ટુરીસ્ટો પર આધારીત છે. અહીં ક્રિસમસ દરમ્યાન ત્રણ કરોડ જેટલા ટુરીસ્ટો આવશે. હોટલો અત્યારથી જ ફુલ થઇ ગઇ છે. ગોવા આવતો પ્રવાસી સરેરાશ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ ખર્ચતો હોય છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીના નવ મહિનામાં ગોવામાં ટુરિસ્ટ આધારીત રેવન્યુ ૪૬૧૪.૭૭ કરોડ રૂપિયા હતી.


