Get The App

અબોલ જીવો માટે બોલકાઓનો જંગ એક તરફ શ્રદ્ધા, બીજી તરફ આરોગ્ય

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
અબોલ જીવો માટે બોલકાઓનો જંગ એક તરફ શ્રદ્ધા, બીજી તરફ આરોગ્ય 1 - image

- મુંબઇમાં કબૂતરને ચણ નાખવાનો વિવાદ

- પ્રસંગપટ

- શહેરીકરણનો પવન ફૂંકાયા પછી લોકોને કૂતરાં સામે વાંધો છે, ગાયો સામે વાંધો છે, વાનરો સામે વાંધો છે

જ્યાં માંસ-મટન જાહેરમાં વેચાતા હોય અને જ્યાં મરઘાં બતકાં જાહેરમાં કપાતા જોવા મળતા હોય એવા મુંબઇમાં કબૂતરોને ચણ નાખવા પરના પ્રતિબંધથી વિવાદ ઉભો થયો છે. વિવાદની શોધમાં ફરતા મહારાષ્ટ્રના રાજકારણીઓ પાસે વધુ એક શસ્ત્ર આવી ગયું છે. હિન્દી ભાષાના વિરોધના વિવાદથી થાકેલું રાજકારણ અહિંસક કબૂતરના મુદ્દે મારામારી પર ઉતરી આવ્યું છે.

શહેરીકરણનો પવન ફૂંકાયા પછી શહેરના લોકોને કૂતરાં સામે વાંધો છે, ગાયો સામે વાંધો છે, વાનરો સામે વાંધો છે. માણસને જેમની સામે વાંધો હોય છે તેને હટાવવા અને બદનામ કરવા મથે છે. ક્યાંક કોર્ટ જેવું શસ્ત્ર વાપરીને ભગાડી દે છે. રખડતા કૂતરા પૈકીના બે ટકા જેટલા લોકોને કરડવા દોડે છે. બાકીના શાંત હોય છે. તેમને ખવડાવનારા સેવાભાવીઓ સામે અને ડોગ લવર્સ સાથે અનેક વાર મારમારીની ઘટના નેંાધાયેલી છે. રખડતી ગાયોનું કારણ વાજબી હોવાથી દરેકે તેને ટેકો આપ્યો હતો. રખડતા કૂતરાનું ખસીકરણ કરીને માનવજાતે તેમની વસ્તી ઘટાડી છે જ્યારે ગાયોને પાંજરામાં પુરાવીને સંતોષ મેળવ્યો છે. હવે તેમને કબૂતર પસંદ નથી.

વગદાર લોકો પ્રાણીઓ દ્વારા થતી હેરાનગતિ સામે પડયા છે. પક્ષી પ્રેમીઓ કહે છે કે સાવ જ નિર્દેાષ કહી શકાય કબૂતર સામે કોઇ વાંધો ના મળતાં તેની વિષ્ટાને આગળ ધરીને વાંધો ઉઠાવાયો છે. દેશ આઝાદ થયો  તે પહેલાંથી કબૂતરો મુંબઇમાં હતા. તેમને ચણ નાખવાની વ્યવસ્થા પણ હતી. મુંબઇમાં હેરીટેજ કબૂતરખાના પણ છે. કોર્ટે ચણ નાખવા પર સ્ટે નાખ્યો છે એવી વાતોને ખુદ કોર્ટે જ ખંડન કરીને કહ્યું છે કે અમે આવો કોઇ સ્ટેજ નથી આપ્યો.

કબૂતર જેવું સાવ નિર્દોષ પક્ષી સદીઓથી માનવજીવન સાથે રહેતું આવ્યું છે. તે માઇગ્રેશન સાથે સંકળાયેલું પક્ષી નથી પરંતુ માળામાં રહે છે. શહેરમાં તેમને માળા બાંધવાની જગ્યા નથી મળતી કેમકે દરેક ઘરોમાં કબૂતર પ્રવેશી ના શકે જાળી ફીટ કરાવેલી હોય છે. તેથી તે કોઇ અવાવરૂ જગ્યા પર ઇંડા મુકી છે અને તેનું સેવન કરે છે.

કબૂતર ઘરમાં માળો બાંધવા ના પ્રવેશી શકે એટલે લોકો વિશિષ્ઠ પ્રકારની ઝીણી જાળી ફીટ કરાવે છે.  હવે મામલો કબૂતરોની વિષ્ઠા પર ચગ્યો છે. કબૂતરોની વિષ્ટાના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થઇ શકે છે તે પ્રકારના કેટલાક અહેવાલોએ કબૂતર વિરોધીઓમાં નવી પાંખો ફૂટી છે.

ભારતમાં ગ્રહોના નડતરના ઉકેલ માટે કબૂતરને ચણ ખાસ કરીને મગ આપવાનું કહેવાય છે. કેટલાક લોકો નદીમાં માછલીઓને ઘઉંના લોટની ગોળી ખવડાવે છે તો કેટલાકને કાળા કૂતરા કે કાળી ગાયને રોટલી આપવાનું કહેવાય છે. મોટા શહેરોમાં લોકો કાળા રંગના કૂતરા અને કાળા રંગની ગાયને શોધતા જોવા મળે છે.

કેટલાક પ્રાણીઓ માનવ જીવનની સાથે વણાયેલા છે. કાગડા, કબૂતર, ચકલી, પોપટ, સમડી, ગાય, બકરાં, મરઘાં વગેરેને ખાવાની અને તેમના માવજતની સવલત વગેરે માનવજાત કરી આપે છે. ગુમ થયેલી ચકલીઓ માટે માનવ ચિંતા કરી રહ્યો છે કેમકે તેનામાં કરૂણા રહેલી છે. કાગડાની સંખ્યા ઘટી છે. 

શહેરોમાં જાહેર માર્ગ પર ગાયો નથી દેખાતી પરંતુ લોકોને આ ગાય માતા બહુ પસંદ છે.  ઘર આંગણે ગાયો આવતી બંધ થતાં આજે પણ શ્રદ્ધાળુ લોકો અગિયારસના દિવસે ગૌશાળામાં જઇને તેમને ઘાસ ખવડાવે છે. 

સિક્કાની બીજી બાજુ પર પણ નજર રાખવા જેવી છે.  જ્યાં રોજના હજારો કબૂતરો ચણ માટે આવતા હોય તે નજીકની ઇમારતોની પાળી પર પોતાનું આશ્રય સ્થાન બનાવે છે. તે ભાગ તેમની વિષ્ટાથી ગંધાઇ ઉઠે છે. તેમના પીંછા પણ ગંદકી ફેલાવે છે. જેના કારણે લોકોને શ્વાસની સમસ્યા ઉભી થાય છે. કબૂતરખાનામાં ચણ ખાતા હજારો કબૂતર એક સાથે ઉડે છે ત્યારે તેમના પીંછા ખરતા હોય છે જે આરોગ્ય સામે જોખમી બની શકે છે.

માનવ આરોગ્ય પણ બહુ મહત્વનું હોય છે. કબૂતરોની વસ્તી વધી રહી છે એમ સામે  ચણ નાખનારા શ્રદ્ધાળુ લોકો પણ વધી રહ્યા છે. જ્યાં માનવ વસ્તી ઓછી હોય ત્યાં કબૂતરખાના ઉભા કરી શકાય. અનેક શહેરોના જાહેર રસ્તાના ટા્રફિક પોઇન્ટ પર કબૂતરોના ચણની વ્યવસ્થા હોય છે. લોકો તેમને પ્રેમથી ચણ નાખે છે અને પુણ્ય કર્યાનો આત્મ સંતોષ મેળવે છે.

મુંબઇમાં કબૂતરોની સમસ્યા પેચીદી છે પરંતુ કમનસીબી એ છે કે આ મુદ્દો જાણે અજાણે રાજકીય અખાડામાં પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના ઉસ્તાદ રાજકારણીઓ આ મુદ્દાનો લાભ  ઉઠાવીને તેમની ખીચડી પકવી રહ્યા છે. 

ખરેખર અબોલ જીવો માટે બોલકાઓ રણે ચડતાં મહારાષ્ટ્રમાં વિવાદનું નવું મેદાન તૈયાર થયું છે.