Get The App

શંકાસ્પદ યુદ્ધવિરામ હોવા છતાં દુનિયાએ હાશકારો અનુભવ્યો

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
શંકાસ્પદ યુદ્ધવિરામ હોવા છતાં દુનિયાએ હાશકારો અનુભવ્યો 1 - image

- હોર્મુઝની ખાડી પરના ઇરાનના નિયંત્રણે બાજી પલટી નાખી હતી

- પ્રસંગપટ

- શેરબજારમાં ભારતીય રોકાણકારોની સંપત્તિમાં ૧૬.૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો 

- ડોનાલ્ડ ટ્રમ્પ - મોજતાબા ખામૈની

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી ઘડીએ યુદ્ધવિરામની જાહેરાત કરતાં વિશ્વે હાશકારોનો અનુભવ કર્યો છે. અલબત્ત, સૌના મોઢે એક જ વાત છે કે આ યુદ્ધનો અંત નથી, આ ટૂંકા ગાળાનો ઇન્ટરવલ છે. ઇરાન અને અમેરિકા બંને થાકે એવા નથી. બંને દેશો પોતાની મમત છોડવા તૈયાર નહોતા.ઈરાને યુદ્ધખોર અમેરિકાનો ગર્વ ઉતારી નાખ્યો છે, તો સાથે સાથે  અખાતી દેશો સાથેના સંબંધો પણ ખરાબ કરી નાખ્યા છે. ઈરાને પોતાના  મિત્ર કહેવાતા અખાતી દેશો પર પણ હુમલા કર્યા હતા.

ઇરાનનો સફાયો કરી નાખવાની ધમકી આપનાર ટ્રમ્પ ઇરાન પર અણુ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે તેવો માહોલ ઊભો થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ યુદ્ધવિરામ જાહેર કરીને યુદ્ધ સંકેલી લેવાનો પ્રયાસ કર્યો. વિશ્વના આર્થિક તંત્રને ગૂગળાવી નાખવાની તાકાત ધરાવનાર હોર્મુઝની ખાડીએ બાજી પલટી નાખી હતી. હોર્મુઝની ખાડી પર ઈરાનનું નિયંત્રણ છે. 

યુદ્ધવિરામમાં કોણે કોને સરન્ડર કર્યું તે મહત્ત્વનું નથી, પણ હકીકત એ છે કે આ બંને દેશ પાસે યુદ્ધવિરામની દિશા પકડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો .

યુદ્ધવિરામની આ સ્થિતિમાં ઇઝરાયલ એકલું પડી ગયું છે. યુદ્ધવિરામને ઘણી વાર 'યુદ્ધ મોકૂફી' અથવા 'દુશ્મનાવટનો અંત' કહેવામાં આવે છે - તે સંઘર્ષમાં સામેલ પક્ષો વચ્ચે લશ્કરી કાર્યવાહીને અટકાવવા અથવા સમાપ્ત કરવા માટેનો એક ઔપચારિક કરાર છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારો માટે તે એક અત્યંત જરૂરી અને ઘણીવાર નાજુક એવો હીલીંગ ટચ સમાન સાબિત થાય છે. જોકે ઘણીવાર તેનો ઉપયોગ વ્યૂહાત્મક પુર્નગઠન  માટે કરવામાં આવે છે. અલબત્ત, માનવ સમુદાયમાં શાંતિ, શાંતિ વાટાઘાટો અને નાગરિકો તેમજ રોજીંદી જરૂરીયાતની ચીજોને ફરી ઉપલબ્ધ કરવાનું કામ ત્વરીત શક્ય બનવાનું નથી. 

યુદ્ધવિરામ દરમિયાન સંઘર્ષરત વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી જીવનરક્ષક  સહાય પહોંચાડવામાં આસાની રહે છે. તે આવશ્યક સેવાઓ અને માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપના માટે માર્ગ મોકળો કરે છે. તે સક્રિય લડાઈને અટકાવીનેે નાગરિકોને, ખાસ કરીને બાળકોને,  સતત ડરમાંથી રાહત આપે છે.  યુદ્ધવિરામમાં માનસિક આઘાતમાંથી મુક્તિ મેળવવાની શરૂઆત થાય છે. 

યુદ્ધવિરામ એક સંવેદનશીલ સમયગાળો છે. અમેરિકા જેવો દેશ વારંવાર પોતાના નિર્ણયોમાં ગુલાંટ મારવા ટેવાયેલો છે.  ટ્રમ્પની નીતિને પરખવી બહુ મુશ્કેલ છે. 

યુદ્ધ નિષ્ણાતો કહે છે કે ઇરાને અમેરિકાને થકવી નાખ્યું હતું. અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધવિરામને સ્વીકૃતિ આપવી કઠિન છે. ઇરાન કહે છે કે ટ્રમ્પની વાતો પર ભરોસો રખાય એમ નથી. ન્યાયી શાંતિ માટે સતત દબાણ જાળવી રાખવું જરૂરી છે. 

યુદ્ધવિરામના પડઘા સૌથી પહેલા ભારતના શેરબજાર પર પડયા હતા. ડામાડોળ થયેલા શેરબજારે યુદ્ધવિરામના પહેલા દિવસે મોટો કૂદકો મારીને  સિંગલ-ડે ઉછાળો નોંધાવ્યો હતો. દિવસ દરમિયાનની આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૬.૨ લાખ કરોડનો વધારો થયો હતો, જે માર્કેટ કેપિટલાઇઝેશનમાં એક દિવસનો સૌથી મોટો વધારો છે.

બ્રોકર્સ અને વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, બંને અગ્રણી સૂચકાંકોમાં પ્રારંભિક ઉછાળા પછી, યુએસ-ચીન વેપાર કરારના સમાચારથી બજારના સેન્ટિમેન્ટમાં વધારો થયો હતો. બુધવારના સત્રના અંતે, સેન્સેક્સ ૨,૯૪૬ પોઈન્ટ અથવા ૩.૯૫% વધીને ૭૭,૫૬૨ પોઈન્ટ પર હતો, જ્યારે નિફ્ટી ૮૭૩ પોઈન્ટ અથવા ૩.૭૮% વધીને ૨૩,૯૯૭ પોઈન્ટ પર બંધ થયો હતો. 

બંધ સ્તરે, સેન્સેક્સ સાત મહિનાથી વધુની ઊંચી સપાટીએ હતો. દિવસની તેજીએ ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન વધારીને રૂ. ૪૪૫.૫૧ લાખ કરોડ કર્યું છે, જે ફરી એકવાર ૫ાંચ ટ્રિલિયન ડોલર માર્કેટ કેપના આંકને વટાવી ગયું છે.આશા રાખીએ કે યુદ્ધવિરામ લાંબો ચાલે અને  લોકોનેા હાશકારો કાયમ રહે.