Get The App

હવામાન અને ટેરિફની અસરને કારણે ભારતીય ચા ઉદ્યોગ દિશા વિહીન

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
હવામાન અને ટેરિફની અસરને કારણે ભારતીય ચા ઉદ્યોગ દિશા વિહીન 1 - image

પ્રસંગપટ

સ્થાનિક માગ અને સરકારી ટેકો સ્થિરતા આપી રહેલાં પરિબળા

ઉચ્ચ ગુણવત્તાની ચાની નિકાસ અમેરિકામાં ઘટવાના સંજોગો છે ત્યારે સ્થાનિક માગ પર બજારની નજર

વિશ્વમાં ચાની ભૂકીના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમાંકે છે. નોંધનીય છે કે દેશમાં ઉત્પાદિત ચામાંથી આશરે ૮૦ ટકા હિસ્સો આંતરિક વપરાશમાં જ પૂરો થઈ જાય છે. આ જ કારણ છે કે વિશ્વમાં જ્યારે પણ નિકાસને સંબંધિત ભાવના વલણને લીધે વોલેટિલિટી વધે છે ત્યારે આંતરિક વપરાશને લીધે એની અસર ઓછી વર્તાય છે. ગત થોડા સમયથી હવામાનની પ્રતિકૂળતાઓને લીધે તથા વેપાર નીતિઓમાં થઈ રહેલા ફેરફારોને લીધે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પરિણામે, ભાવ વધ્યા છે અને દેશમાં નવી દિશાઓ શોધવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. 

વર્ષ ૨૦૨૨માં દેશમાં ઉત્પાદન આશરે ૧,૩૬૬ મિલ્યન કિલો હતું, જે વર્ષ ૨૦૨૩માં ૧,૩૯૪ મિલ્યન ટન રહ્યું પરંતુ ૨૦૨૪માં એ વાષક ધોરણે ૭.૮ ટકાના દરે ઘટાડો થતાં આંકડો ૧,૨૮૪.૮ મિલ્યન કિલો પર પહોંચ્યો હતો. 

ચાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા રાજ્ય આસામમાં વધુપડતી ગરમી અને વધુપડતા વરસાદની પ્રતિકૂળતાને લીધે પાકમાં ઘટાડો થયો છે. ભારતમાં ઈશાન અને દક્ષિણ પ્રદેશમાં કુલ ૬.૧૯ લાખ હેક્ટરમાં ચા ઉગાડાય છે, જ્યારે એકલા આસામમાં લગભગ ૩ લાખ હેક્ટરમાં ઉત્પાદન કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં ઉત્પાદનનું ક્ષેત્ર પણ એટલું જ રહ્યું છે. એમાં હવે આસામ અને ઉત્તર બંગાળ જેવા દેશોમાં નાના ખેડૂતો મોટા પ્રમાણમાં લીલાં પાંદડાંનો પુરવઠો કરે છે. 

આપણે જોયું કે ૨૦૨૪માં ઉત્પાદન ઘટયું હોવાથી ભાવ ઉંચકાયા હતા, પરંતુ માલનો ભરાવો થવાને લીધે અને પાકની નવી આવક થવાને કારણે ૨૦૨૫ની શરૂઆતમાં ઉત્તર ભારતનાં લીલામ કેન્દ્રોમાં  ભાવ ઘટયા. આ જ કારણ છે કે હવે વેપારી સંસ્થાઓ ભાવને ટકાવી રાખવા માટે અમુક પગલાં લેવાની માગણી કરી રહ્યાં છે. 

અહીં જણાવવું રહ્યું કે ૨૦૨૪માં પાક ઘટયો હોવા છતાં નિકાસ વધીને આશરે ૨૫૫ મિલ્યન કિલો રહી હતી, જે એક દાયકામાં મોટું પ્રમાણ હતું. પશ્ચિમ એશિયા અને ઈજિપ્ત તથા યુકે જેવી બજારોમાંથી માગ વધી અને નિકાસ વધી. 

હવે અમેરિકાએ લાદેલી ટેરિફને લીધે મોટો પ્રશ્ન નિર્માણ થયો છે. અમેરિકાએ ૨૦૨૪માં ૧૭ મિલ્યન કિલો ભારતીય ચા ખરીદી હતી. આ મહિનાની શરૂઆતમાં વેપારી સંગઠનોએ ચેતવણી આપી છે કે અમેરિકાએ લાદેલી ૫૦ ટકા ડયૂટીને લીધે ત્યાં ચાની નિકાસ ઘટવાની શક્યતા છે. અમેરિકામાં ઘણા મોટા પ્રમાણમાં નિકાસ થતી હોવાને લીધે હવે એનું પ્રમાણ ઘટવાથી આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધી શકે છે. 

ભારતીય ચાનો સંબંધ છે ત્યાં સુધી હવામાનની પ્રતિકૂળતાઓ મોટી અસર કરે છે. એને લીધે ઉત્પાદનની સાથે સાથે માલની ગુણવત્તા પણ ઘટે છે. બીજી બાજુ, કામગારોના અને ખાતરના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. લીલામમાં ભાવશોધ થાય છે, પરંતુ ક્યારેક માલનો ભરાવો થતાં ભાવ ઘટે છે અને પરિણામે મોટા પ્રમાણમાં જથ્થો વેચાયા વગર પડયો રહે છે. આની અસર ઉત્પાદકોને મળનારાં નાણાં પર પડે છે. 

નિકાસ ઘટે તોપણ દેશની અંદર જ મોટો હિસ્સો વપરાઈ જવાને લીધે ઉત્પાદક કારખાનાં ચાલતાં રહે છે અને ભાવ વધારે ઘટતા નથી. 

હાલનાં વર્ષોમાં ભારતની અંદર પણ પ્રીમિયમ બ્રાન્ડ્સ અને ગુણવત્તાનો વપરાશ વધ્યો છે, જે ઉદ્યોગને સદ્ધર ટેકો આપનારું પરિબળ સાબિત થયું છે. અહીં સીટીસી પ્રીમિયમ લૂઝ લીફ અને રેડી ટુ ડ્રિંક સ્વરૂપમાં ચાનો વપરાશ વધ્યો છે. દાજલિંગ, હાઇ ગ્રોન નીલગિરિ અને સ્પેશિયાલિટી આસામ એ બધી ચાને ઉંચો ભાવ મળે છે. 

ભારતીય ચા ઉદ્યોગ માટે આગામી ૧૨ મહિનાનો સમય મહત્ત્વપૂર્ણ રહેશે. ઉત્તર ભારતમાં આ વખતે ઘણો વરસાદ થયો છે અને એની અસર ઉત્પાદન પર થયા વગર નહીં રહે. અમેરિકાની ટેરિફ અને પશ્ચિમ એશિયાની બજારોમાં પ્રવર્તમાન કરન્સીને લગતાં પરિબળોપણ વેપારવૃદ્ધિ પર પ્રતિકૂળ અસર કરનારાં પુરવાર થઈ શકે છે. 

આમ, આ ઉદ્યોગ અત્યારે નાજુક સ્થિતિમાં છે. સ્થાનિક માગ અને સરકારી ટેકાના કારણે એમાં સ્થિરતા રહી છે, જે પ્રોત્સાહક કહેવાય. ઉચ્ચ ગુણવત્તાની ચાની નિકાસ અમેરિકામાં ઘટવાના સંજોગો છે ત્યારે સ્થાનિક માગ વધી વધીને કેટલી વધશે એ એક સવાલ છે. આવામાં ઉદ્યોગે જ દરેક પરિબળને ધ્યાનમાં રાખીને એના હલ માટે નવાં નવાં સર્જનાત્મક પગલાં ભરવાનાં રહેશે.