Get The App

છત્તીસગઢનાં અંતરીયાળ ગામોમાં નક્સલવાદના સફાયાની ઝૂંબેશ શરૂ

Updated: Oct 8th, 2024

GS TEAM


Google News
Google News
છત્તીસગઢનાં અંતરીયાળ ગામોમાં નક્સલવાદના સફાયાની ઝૂંબેશ શરૂ 1 - image


- 2024માં 171 નક્ષલવાદીઓ માર્યા ગયા

- પ્રસંગપટ

- મોબાઇલ ટાવરો ઊભાં થયાં બાદ નક્સલવાદીઓ સામે જોખમ વધ્યું : વિરોધી તત્ત્વો સાથેના મેસેજ પકડાવા લાગ્યા 

નક્સલવાદ અને ત્રાસવાદ બંનેનો સફાયો કરતાં ભારતની સરકારોને આંખે પાણી આવી ગયા છે. ભારતના નિર્દેાષ નાગરિકોને નિશાન બનાવીને દેશની સરકારો પર દાઝ ઉતારતા નક્સલવાદીઓ અને ત્રાસવાદીઓનેા મૂળ હેતુ ડર ફેલાવવાનો અને દેશવિરોધી તત્ત્વો સાથે હાથ મિલાવીને પોતાનું નાનું રજવાડું ઊભું કરવાનો હોય છે. નક્સલવાદને ટેકો આપતા કેટલાક શહેરી બુદ્ધિજીવીઓને અર્બન નક્સલ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ત્રાસવાદને ટેકો આપતાં સ્લીપર યુનિટો તરીકે ઓળખાય છે. આવા લોકો ભાગ્યે જ પકડાતા હોય છે. દેશવિરોધી નાગરિકોની સાથે રહીને આવા લોકો ઇચ્છે ત્યારે દેશની શાંતિ ને ડામાડોળ કરી શકે છે.

આદિવાસી અને સરહદી વિસ્તારોમાં ગરીબ લોકોને ગેરમાર્ગે દોરીને દેશવિરોધી વંટોળ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં નક્સલવાદીઓ અનેક વાર સફળ થયા છે.  ગયા અઠવાડિયે છત્તીસગઢના બસ્તર પ્રદેશમાં ૩૦ નક્સલવાદીઓનો એન્કાઉન્ટરમાં સફાયો કરીને પોલીસે બહુ મોટી સફળતા મેળવી છે. ૨૦૨૪ની શરૂઆતથી સરકારે નક્સલવાદીઓનો સફાયો કરવાની શરૂઆત કરી હતી અને વર્ર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૭૧ નક્સલીઓનો સફાયો કર્યો છે. સત્તાવાળાઓએ નક્સલવાદ સાથે સંકળાયેલાઓ લોકોને સરંડર થવાની અનેક તક આપી હતી.  કેટલાંક જૂથો પોલીસ સમક્ષ સરંડર પણ થયાં છે. આ લોકો દેશના સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઇ ગયા છે. સામે પક્ષે કેટલાક હાથમાં બંદૂક લઇ, પોતાની ટુકડીઓ બનાવીને જંગલોમાં રખડયા કરે છે. 

નારાયણપુરા-દંતેવાડા સરહદ પર સલામતી દળો સાથેની અથડામણમાં ૩૦ નક્સલવાદીઓ માર્યા ગયા તે વિસ્તાર માડ તરીકે ઓળખાય છે. સત્તાવાળાઓએ નક્સલવાદીઓ પર ઉપરાછાપરી હુમલા કરીને તેમની કમર તોડી નાખી હતી. નક્સલવાદીઓને આંતરીયાળ ગામડામાં રહેતા લોકોની મળતી મદદ બંધ થઇ જતા તેમણે ગાઢ જંગલોમાં છૂપાઇ રહેવું પડતું હતું. આંતરીયાળ વિસ્તારોમાં મોબાઇલ ટાવરો ઊભા થયા બાદ નક્સલવાદીઓ સામે જોખમ વધ્યું હતું. તેમના  મેસેજ પકડાવા લાગ્યા હતા અને તેમના છૂપાવાના અડ્ડા પણ સલામતી દળોની નજરમાં આવી ગયા હતા. તેમના કેટેલાક મેસેજ દેશવિરોધી તત્ત્વો સાથે સંકળાયેલા જોવા મળતા હતા. સત્તાવાળાઓ પાસે નક્સલવાદ સાથે સંકળાયેલા જૂથોની માહિતી આવતાં જ તેમના સફાયો કરવાનો નિર્ણય લેવાયો હતો.

નક્સલવાદીઓ પાસે જંગલોમાં પહોંચતા આધુનિક શસ્ત્રો પણ ચર્ચાનો મુદ્દો બનતાં આવ્યાં છે. આધુનિક શસ્ત્રો ચલાવવાની ટ્રેનિંગ તેમને કોણ આપે છે અને તે ક્યા માર્ગે જંગલોમાં પહોંચે છે તે સવાલનો જવાબ લોકો સત્તાવાળાઓ પાસે માંગતા હતા. અનેક વાર નક્સલવાદીઓેએ સલામતી દળોને ઘેરીને તેમને મારી નાખ્યા છે. જ્યારે  નક્સલવાદીઓએ સલામતી દળો પર હુમલા માટે રોકેટ લોન્ચર્સનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે પૂરવાર થઈ ગયું કે આ લોકોએ દેશવિરોધી તત્ત્વો પાસેથી ઘાતક શસ્ત્રો મેળવ્યાં છે અને તેનો ઉપયોગ ભારતના જવાનો સામે કરી રહ્યા છે. જ્યારે પણ નક્સલવાદ સામે સત્તાવાળાઓ કડક પગલાં લેતા હતા ત્યારે કેટલાક તત્ત્વો સરકારનાં પગલાંની ટીકા કરતાં હતાં. 

૧૯૬૦ના દાયકાથી ભારતના આદિવાસી વિસ્તારો નક્સલવાદથી પીડાઇ રહ્યા છે. માઓવાદ અને નક્સલવાદ વગેરે એક માળાના મણકા સમાન છે. તેમનો મૂળ હેતુ ભારતમાં  ભાગલાવાદી તત્ત્વોને ટેકો આપવાનું છે. ૧૯૬૯માં કેટલાક રાજકીય પક્ષો ખાસ કરીને મોઆવાદની વિચારસરણી ધરાવતા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા - માર્કસિસ્ટ-લેનિનિસ્ટ (CPI-ML)ના વોર ગ્રુપ તરીકે નક્સલવાદીઓને ઓળખવામાં આવતા હતા.  આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડીસા અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં નક્સલવાદનો પ્રભાવ ક્યારે વધી ગયો તેનું ભાન સત્તાવાળાઓને વર્ષો પછી થયું હતું. જાહેરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતાં નક્સલવાદી તત્વોએ હજારો નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. સલામતી દળોને છૂટો દોર આપ્યા બાદ નક્સલવાદીઓ ભાગતા ફરે છે. ભારતમાં દેશવિરોધી તત્ત્વો સાથે જ્યારે નક્સલવાદી જેવાં તોફાની તત્વો હાથ મિલાવીને બેઠા હોય ત્યારે તેમના સફાયાને આવકારવો જોઇએ.

Tags :