- પ્રસંગપટ
- બહારથી આવનારાઓ ગૂંગળાઈને શહેર છોડે છે
- દિલ્હીનું પ્રદૂષણ સત્તાધીશોની અગ્નિ પરીક્ષાઃ હજુ ઉકેલ શોધવામાં નિષ્ફળ
- પ્રદૂષિત યમુના, વાયુ પ્રદૂષણ જેવા સળગતા મુદ્દાઓ દિલ્હીની ભાજપ સરકારના ગળે વીંટળાયા છે
દિલ્હીના પર્યાવરણનો મુદ્દો કેન્દ્ર સરકારે પોતાના હાથમાં લઇ લેવાની જરૂર છે. દિલ્હીમાં ભાજપની સરકારને કેન્દ્રનો ટેકો હોવા છતાં પર્યાવરણનો મુદ્દો રાક્ષસી બની ગયો છે. અરવિંદ કેજરીવાલના પક્ષે દિલ્હીમાં ભાજપ સરકારને પર્યાવરણની સમસ્યા તાસક પર ભેટ આપી હોય એમ લાગી રહ્યું છે. બળતું ઘર કૃષ્ણાર્પણ જેવો ઘાટ ભાજપ માટે થયો છે. પ્રદૂષિત યમુના, વાયુ પ્રદૂષણ જેવા સળગતા મુદ્દા દિલ્હીની ભાજપની સરકારના ગળે વીંટળાઇ ગયા છે.
દિલ્હીના વાયુ પ્રદૂષણનો મુદ્દો હવે દેશભરમાં ચર્ચાઇ રહ્યો છે. ઉકેલ શક્ય છે પરંતુ તે માટે લાંબો સમય લાગશે. જોકે વાયુ પ્રદૂષણનો મુદ્દો લાખો દિલ્હીવાસીઓના આરોગ્યને જોખમમાં મુકી રહ્યો છે. હવે ઠંડી વધશેે એટલે વાયુ પ્રદૂષણ ખલનાયક બનીને પ્રભાવી બનશે તે હકીકત છે.
વાયુ પ્રદૂષણ રોકવું આસાન નથી હોતું, કેમ કે વાહનોની વધેલી સંખ્યા, લોકોની અવરજવરમાં થયેલો વધારો, વાહનોમાં-ઓફિસોમાં ચાલતાં એસી, બાંધકામોને કારણે ઉડતી ધૂળ, ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર વગેરે પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે.
દિલ્હીની પ્રજાનો ટેકેા રાજ્ય સરકાર માગે છે, પરંતુ સરકાર પોતે વાહનોનો ઓછો ઉપયોગ કરીને કે ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તેવા કોઇ પગલાં લેતું નથી. દિલ્હીના વાયુ પ્રદૂષણની સમસ્યા આજકાલની નથી, પરંતુ છેલ્લા ૮-૧૦ વર્ષમાં તે વધુ તીવ્ર બની છે.
આધુનિક દવાઓ લોકોને લાંબુ અને સ્વસ્થ જીવન આપી રહી છે, પરંતુ વાયુ પ્રદૂષણ જીવનનાં વર્ષો છીનવી રહ્યું છે. દિલ્હીના વાયુ પ્રદૂષણના કારણે ત્યાંની જનતાના જીવનના ૮ વર્ષ કપાઇ રહ્યાં છે. એક અભ્યાસ અનુસાર, ભારતમાં પ્રદૂષણના કારણે લોકોની ઉંમરમાંથી સાડાત્રણ વર્ષ કપાઇ જાય છે, જ્યારે દિલ્હીવાસીઓના જીવનરેખામાંથી ૮ વર્ષ કપાઈ જવાનાં છે.
વાયુ પ્રદૂષણ બાળકો માટે વિશેષ જોખમી હોય છે, કેમ કે શરીરના વજનના પ્રમાણમાં તેઓ વધુ હવા શ્વાસમાં લેતા હોય છે.પ્રદૂષિત હવા તેમના શરીરતંત્રના જુદા જુદા હિસ્સાઓ પર ગંભીર નકારાત્મક અસર કરે છે.
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દિલ્હીની હવા વધુ પ્રદૂષિત થઈ છે. દિવાળી વખતે સુપ્રીમ કોર્ટે ગ્રીન ક્રેકર તરીકે ઓળખાતા ફટાકડા ફોડવાની છૂટ આપ્યા બાદ બીજા દિવસે સવારે દિલ્હીના લોકોએ નોંધ્યું હતું કે સવારે ધૂમ્મસની માત્રા વધી ગઈ હતી.
ઉત્તર ભારતમાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ હોય છે અને ધૂમ્મસ પણ વધુ જોવા મળે છે. શિયાળા દરમ્યાન પાડોશી રાજ્યોમાં કૃષિ ઉત્પાદનોનો કચરો બાળવા જેવા મુદ્દાને કારણે પ્રદૂષણની માત્રામાં વધારો થાય છે. પંજાબ અને હરિયાણાના કિસાનોને સમજાવવાના પ્રયાસો ફ્લોપ ગયા હતા.
વાયુ પ્રદૂષણમાં થયેલા વધારા માટે જવાબદાર ઉદ્યોગો દ્વારા ફેલાતી ગંદકી પર નિયંત્રણ રાખી શકાતું નથી.
વાયુ પ્રદૂષણનો મામલો રાજ્ય પર છોડી શકાય નહીં. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડકેસ(છઊૈં) ગયા મંગળ-બધુવાર દિવસમાં થોડો સુધર્યો હતો, પરંતુ ગુરૂવારે સવારથી તે જોખમી બની ગયો હતો. શુક્રવારે તો પરિસ્થિતિ ઔર વણસી હતી. સ્થાનિક લોકો હવાના પ્રદૂષણની રોજીંદી સમસ્યાથી ટેવાઇ ગયા હોય એમ લાગે છે, પરંતુ બહારથી આવનારા લોકો રાજધાનીમાં ગંગળામણનો અનુભવ કરે છે અને વહેલી તકે શહેર છોેડી દે છે.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે ૩૮ જેટલા મોનીટરીંગ સ્ટેશનોને હવાની સ્થિતિ ખૂબ નબળી ગણાવી રહ્યા છે. દિલ્હીનાં મુખ્યપ્રધાન ચિંતિત છે અને સૌને કહે છે કે દિલ્હીની સળગતી સમસ્યાનો ઉકેલ સૂચવો. દિલ્હીની સરકાર અનેક પગલાં લઇ ચૂકી છે, પરંતુ સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે.
દિલ્હીની જનતા સહકાર આપી રહી છે, પરંતુ દિલ્હીની સરકાર કડક પગલાં લેતા અચકાઇ રહી હોવાનું દેખાઇ રહ્યું છે. પ્રદૂષિત હવામાનનો હુમલો દિલ્હીને બાનમાં લઇ રહ્યો છે એમ કહી શકાય.


