- રાજકીય પીઠબળ ઇચ્છતા પરિવારના ત્રણ કુટુંબીઓ ચૂંટાયા
- પ્રસંગપટ
- 2019માં ગૃહમંત્રાલયે માર્ટિન ગ્રુપ પર કૌભાંડોના આરોપો લગાવ્યા હતા, ગ્રુપની 409 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી
- સેન્ટિયાગો માટનના (ડાબેથી) જમાઇ આધવ અર્જુન, પત્ની લીમારોઝ અને પુત્ર જોશ ચાર્લ્સ
જેમને ભારતના 'લોટરી કિંગ'ની ઉપમા આપવામાં આવી છે, તે સેન્ટિયાગો માટન એક સમયે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષો પર પ્રભાવ ઊભો કરતા હતા. એમની કંપની 'માટન ગ્રુપ'ની ઓફિસો કોઈમ્બતુર અને તમિલનાડુમાં આવેલી છે. ઈલેક્ટોરલ બોન્ડ વિવાદમાં ફસાતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઝપટે ચઢી જતાં તેમની ઉપયોગિતા ઓછી થઈ ગઈ, જેના કારણે માટન ગ્રુપની પકડ રાજકીય પક્ષો પરથી ઓછી થઈ ગઈ હતી. રાજકીય પક્ષોના પીઠબળ વિના પોતાનો બિઝનેસ ચાલશે નહીં તેમ સમજીને, તાજેતરનાં પાંચ રાજ્યોના વિધાનસભા જંગમાં સેન્ટિયાગો માટનના કુટુંબના ત્રણ સભ્યો વિવિધ રાજકીય પ્લેટફોર્મ પરથી ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને ત્રણેય ચૂંટણી જીતી ગયા હતા.
લોટરી કિંગ સેન્ટિયાગો માટન પોતે એક પણ બેઠક પરથી લડયા નથી, પરંતુ તેમના કુટુંબના ત્રણ સભ્યોને એક ફોન કરીને ટિકિટ પણ અપાવી અને તેમને જીતાડી આપ્યા છે. લોટરી કિંગનું આખું નેટવર્ક પ્રચારમાં લાગ્યું હતું અને વિજય નિશ્ચિત કરી નાખ્યો હતો. આ જીતને લોટરી કિંગના પ્રભાવની જીત કહેવાય છે. ચૂંટણી જીતેલા પરિવારના સભ્યોમાં તેમનાં પત્ની લીમારોઝ માટન (જે અન્નાડીએમકેની ટિકિટ પર લાલગુડી બેઠક પરથી જીત્યાંછે), જમાઈ આદવ અર્જુન, (જે તમિલનાડુની નવીનક્કોર પોલિટિકલ પાર્ટી ટીવીકેની બેઠક પરથી વિજયી થયા છે), જ્યારે પુત્ર જોશ ચાર્લ્સ માટન (એ પુડુચેરીની કામરાજ નગર બેઠક પરથી જીત્યો છે) નો સમાવેશ થાય છે. તેમણે પોતાનો પક્ષ ઊભો કર્યો છે, જેનું નામ 'લચિયા જનનાયક કચ્છી' છે અને તે એનડીએના સાથી પક્ષ (એલજેકે) તરીકે જોડાયેલો છે.
૧૯૮૮માં કોઈમ્બતુર ખાતે સેન્ટિયાગો માટને 'માટન લોટરી એજન્સી'ના નામે ઓફિસ શરૂ કરી હતી. માટન ગ્રુપે લોટરી, પ્રોપર્ટી ડેવલપમેન્ટ, હોસ્પિટાલિટી, શિક્ષણ સંસ્થા વગેરે વ્યવસાયોને ગ્રુપમાં સામેલ કર્યા હતા, પરંતુ તેમનો મૂળ બિઝનેસ લોટરીનો હતો. શરૂઆતમાં તેમની બે આંકડાની લોટરી ધૂમ મચાવતી હતી.
૨૦૧૯માં માટન ગ્રુપે ૧૩૬૮ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. ચૂંટણી પંચના ડેટા અનુસાર, સૌથી વધુ રકમના બોન્ડ માટન ગ્રુપે જ ખરીદ્યા હતા.
માટન ચેરિટેબલ ટ્રસ્ટે તમિલનાડુમાં 'ગાજા' ચક્રવાત વખતે મુખ્યમંત્રી રાહત ફંડમાં પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા અને રાહત સામગ્રી પેટે ૨.૯૪ કરોડ ફાળવ્યા હતા. ૨૦૧૯માં આસામ ચીફ મિનિસ્ટર ફંડમાં પણ એક કરોડનો ચેક આપ્યો હતો. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઈન્ડિયા દ્વારા ભારતના વિવિધ ભાગોમાંથી ૧૦૦૦ વિદ્યાર્થીઓને આમંત્રીને આયોજિત સેટેલાઈટ પ્રોગ્રામ કર્યો હતો, જેની નોંધ 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ'માં લેવાઈ હતી. કોવિડ કાળમાં ગ્રુપે ૩ કરોડનું ડોનેશન આપ્યું હતું. માટન ગ્રુપે આવા અનેક નાનાં-મોટાં ડોનેશન આપ્યાં છે. જોકે ૨૦૦૭માં જ્યારે ગ્રુપે કેરળમાં ૨૦ મિલિયન ડોલરનું દાન આપ્યું, ત્યારે તત્કાલીન સીપીઆઈ(એમ) સરકારે તે દાન એવું કહીને પરત કર્યું હતું કે આ રકમ ગેરકાયદે ચલાવાતી લોટરીમાંથી કમાયેલી આવક છે, માટે અમને તે ન ખપે.
૨૦૧૯માં ગૃહ મંત્રાલયે માટન ગ્રુપ પર કૌભાંડોના આરોપો લગાવ્યા હતા. ગ્રુપની ૪૦૯ કરોડની સંપત્તિ પણ જપ્ત કરાઈ હતી. ૨૦૨૨માં ચેન્નાઈની ક્રાઈમ બ્રાન્ચે ૭ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ શોધી કાઢી હતી. સેન્ટિયાગો માટન જાણતા હતા કે તેમના બિઝનેસમાં રાજકીય પીઠબળ હોવું જરૂરી છે. તેમણે નાના-મોટા સૌને 'હપ્તા' આપવાનું ચાલુ રાખ્યું હતું. ઈલેક્ટોરલ બોન્ડનો તેમણે ભરપૂર ઉપયોગ કરીને રાજકીય સત્તાધીશો પાસેથી 'ઈમ્યુનિટી' મેળવી લીધી હતી.
સૌથી વધુ રકમના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર સેન્ટિયાગો માટને દરેક રાજકીય પક્ષને ખુશ રાખવાનો પ્રયાસ કર્યો હતો. રાજકીય પક્ષોને ખુશ રાખીને તેઓ પોતાનો 'બે નંબરનો' બિઝનેસ રાજકીય દખલ વિના ચલાવવા માંગતા હતા. જ્યારે ઈલેક્ટોરલ બોન્ડને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા, ત્યારે રાજકીય વગ ઊભી કરવા માટે તેમની પાસે કોઈ વિકલ્પ બાકી રહ્યો નહોતો. છેલ્લે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાનો જંગ જાહેર થયો, ત્યારે તરત જ તેમણે રાજકીય તખ્તા પર સક્રિય થવાનો નિર્ણય કરી લીધો. પોતાની વગના આધારે તેઓ આસાનીથી ટિકિટ મેળવી શક્યા હતા અને પોતાના કુટુંબીઓને જીતાડી પણ શક્યા. રાજકીય પીઠબળ ઈચ્છતા લોટરી કિંગના પરિવારના સભ્યો અન્નાડીએમકે, ટીવીકે અને એનડીએના સાથી પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે તે પણ નસીબની જ બલિહારી છે.


