ઓપરેશન સિંદૂરનો સપાટો 25 મિનિટના ખેલમાં સફાયો
- ભારત આ વર્ષે વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બનશે
- પ્રસંગપટ
- દેવાળીયા પાકિસ્તાનને ખબર છે કે ઓપરેશન સિંદૂરનો બીજો પ્રહાર વધુ આક્રમક હશે...
ભારતની આર્થિક અને લશ્કરી તાકાતનું દર્શન કરાવતી બે ઘટનાઓ એકસાથે બની છે. કોઇ પણ દેશ પાસે આર્થિક તાકાત હોવાની સાથે સમય આવ્યે દુશ્મનના દાંત ખાટા કરવાની તાકાત પણ હોવી જોઇએ. આર્થિક ક્ષેત્રે ભારત નવી સિદ્ધિઓ મેળવી રહ્યું છે. ૨૦૨૫માં જાપાનને એક બાજુ હડસેલીને ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઇ રહ્યું હોવાનું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું છે, જ્યારે બીજી તરફ ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદી અડ્ડાઓનો સફાયો કરીને વિશ્વને પોતાની તાકાતના દર્શન કરાવવાનો શાનદાર પ્રારંભ કરી દીધો છે.
આર્થિક અને લશ્કરી એમ બન્ને સ્તરે એકસાથે તાકાતનાં દર્શન કરાવીને ભારતને વિશ્વને ચોેંકાવી દીધું છે. ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ કરતાંય વધુ ઉત્સુકતા અને ઝનૂન સાથે ભારતની પ્રજાએ રાત જાગીને આપણા વાયુ સૈન્યે કરેલી એર સ્ટ્રાઇકનાં દ્રશ્યો ટીવી પર જોયાં હતાં. જાણે કે ૧૪૦ કરોડ જનતાના મનની ભભૂકતી ઝંખના મિસાઇલો પર સવાર થઈને પાક્સ્તિાન ઓક્યુપાઇડ કાશ્મીર તેમજ મેઇનલેન્ડ પાકિસ્તાનમાં ધમધમતાં ત્રાસવાદી તાલીમ અડ્ડાઓ પર ત્રાટકી હતી. ભારતે ૨૫ મિનિટમાં ત્રાસવાદીઓના આ અડ્ડાઓમાં ચાલતો ખેલ ખતમ કરી નાખ્યો હતો.
યુદ્ધનું લાઇવ ટેલિકાસ્ટ જોઇને લોકોની છાતી દેશદાઝની લાગણીથી ફૂલી ગઇ હતી. બીજી તરફ પાકિસ્તાનમાં ડરનો માહોલ છવાયેલો છે. સોશિયલ નેટવર્ક પર 'જય હિન્દ' અને 'ભારત માતા કી જય'નો મારો બુધવારની સવાર પડે તે પહેલાં જ શરૂ થઇ ગયો હતો.
પાકિસ્તાને શરૂ કરેલી પ્રોપેગન્ડા વોરનો પણ ફિયાસ્કો થઇ ગયો હતો. ભારતીય સૈન્યએ હુમલા પછી ખંડિયેર બની ગયેલી ઇમારતો બતાવતાં જૂઠ ફેલાવતા લોકોના મોં સીવાઈ ગયા હતા. પાકિસ્તાને ભારતના ફાઇટર વિમાનો તોેડી પાડવામાં આવ્યાં છે એવાં જૂઠ્ઠાણાં ચલાવવાની કોશિશ કરી. ભારતના કેટલાક યુટયુબરો અને ઇવન સમાચાર માધ્યમો આ પાકિસ્તાની પ્રોપેગન્ડાનો હાથો બન્યા હતાં.
ઓપરેશન સિદૂરે તેનેા લાલ રંગ બતાવી દીધો છે. ઓપરેશન સિંદૂરનેા સપાટો એવો જોરદાર છે કે પાકિસ્તાનના સત્તાવાળાઓ તેમની પ્રજાના આક્રોશનો ભોગ બની રહ્યા છે. ભારતે પાકિસ્તાન સાથેના વેપાર પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનને અનેક સ્તરે સાણસામાં લેવાનાં પગલાં બાદ ત્રાસવાદીઓના નવ અડ્ડા પર હુમલો કરીને ભારતે મૂછ પર તાવ દીધો છે.
ભારતના સત્તાધીશોે ખુલ્લેઆમ કહ્યું હતું કે પહેલગામના હુમલાનો બદલો લેવાશે. પાકિસ્તાનને મળતાં પાણી પર બ્રેક પછી વેપાર પણ બંધ કરવામાં આવ્યો છતાં પાકિસ્તાન અક્કલ નહોતી આવી. પાકિસ્તાનના શાસકો લોહીની નદીઓ વહેશે પ્રકારનાં નિવેદનો કરતા હતા. પાકિસ્તાનના શાસકોની તુમાખી અંતે તો ગાંડપણ સાબિત થઈ છે. ઓપરેશન સિંદૂરે એવો સપાટો બોલાવ્યો છે કે વિશ્વભરના ત્રાસવાદી વિરોધી દેશો પર સ્મિત ચમકી ગયું છે. પાકિસ્તાનને જે દેશો પર ભરોસો હતો તે બધા ચુપચાપ તમાશો જોઇ રહ્યા છે.
ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન તરત જ વળતો પ્રહાર કરશે એવી માન્યતા ઠગારી નીવડી હતી, કેમ કે ભારતે પોતાના ફાઇટર વિમાનોને સંભવિત હુમલા સામે હવામાં ઉડતાં રાખ્યાં હતાં. બુધવારે સાંજે મોક ડ્રિલની જાહેરાત કરાઇ હતી પરંતુ બુધવારની સવાર પડે તે પહેલાં જ મધરાતે ભારતીય લશ્કરે ખેલ પાડી દીધો હતો. હવે લોકોને સમજાયું છે કે આ મોક ડ્રિલની ઘોષણા ખરેખર તો પાકિસ્તાનને ગેરમાર્ગે દોરવા માટે હતી.
ભારતની આર્થિક તાકાતની વાત કરીએ તો, ભારત હાલ વિશ્વમાં પાંચમા નંબરના અર્થતંત્ર તરીકેનો દરજ્જો ભોગવી રહ્યું છે. વર્લ્ડ ઇકોનોમી ફોરમના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં કહેવાયું છે કે ૨૦૨૫ સુધીમાં ભારતનું જીડીપી ૪,૨૮૭.૦૧૭ અબજ રહેવાની ધારણા છે, જ્યારે જાપાનનો જીડીપી ૪,૧૮૬.૪૩૧ અબજ ડોલર રહેવાનો અંદાજ છે.
આમ, આપણી આર્થિક અને લશ્કરી એમ બન્ને સિદ્ધિઓ 'નયા ભારત'નો ચહેરો બતાવી રહી છે. પાકિસ્તાન વળતા પ્રહાર કરશે તો પોતાના સેંકડો નાગરિકો ગુમાવશે. પાકિસ્તાન મોટે ભાગે તો ચુપચાપ સહન કરીને બેસી રહેશે, કેમ કે આ દેવાળિયા દેશને બરાબર ખબર છે કે ઓપરેશન સિંદૂરનો બીજો પ્રહાર વધુ આક્રમક હશે.