For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રંગ વગર જીવનમાં ઉમંગ નથી હોતો : રંગીન લોકો જ રંગાય છે

Updated: Mar 8th, 2023


- આજે ધૂળેટી; ફૂલ ડોલોત્સવનો શુભ દિન

- પ્રસંગપટ

- વારે ઘડીએ રંગ બદલતા માણસથી ચેતતા રહેવું તે રંગોનું પર્વ શીખવે છે

આજે ધુળેટી; આ દિવસનો તત્વાર્થ એવો છે કે આપણે પણ આપણાં લોભ, મોહ, રાગ, મત્સરને બાળીને ભસ્મ કરવાનાં છે. હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી તથા ફૂલડોલોત્સવનો શુભ દિન. શ્રી કૃષ્ણ મંદિરોમાં, દ્વારિકા, ડાકોર, શ્રીનાથજી તથા ઈસ્કોન અને વિવિધ હવેલીઓમાં શ્રીજીને વિવિધ ભોગ ધરવામાં આવે છે. નવાં વસ્ત્રો, વાઘા, અલંકારો પહેરાવાય છે તથા નૂતન ધજા પણ અર્પણ કરવામાં આવે છે. વ્રજ, બરસાના અને મથુરામાં રંગોત્સવ રંગેચંગે ઉજવવામાં આવે છે. નંદલાલા ગોપીઓને પોતાના પ્રેમના રંગમાં રંગે જ છે પરંતુ સાથેસાથ રંગ ભરેલી પીચકારીથી તેમનાં વસ્ત્રો પણ ભીનાં કરે છે. રાધિકાજી પણ રંગમાં રંગાઈને શ્રીકૃષ્ણ તત્વને પામવા ઘેલાં બને છે. સુંદર રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ રાધાજી શ્રીકૃષ્ણને વિનવે છે ઃ મત મારો શ્યામ પીચકારી, મોરી રંગ દી ચુનરિયા સારી રે...

ધુળેટીના પ્રેમભીનાં પર્વને સહુ ઉમંગથી ઉજવે છે. એક ગીતમાં ભલે કહ્યું છે, ''પરંતુ અહીં સાચા શ્યામ તો સ્વયં ઘનશ્યામ છે તેમનો રંગ ભલે શ્યામ હોય, પરંતુ તેમનો પ્રેમનો ભાવ અમર છે. તેમની લાગણીઓમાં ભીંજાવું કોને ન ગમે ? સમગ્ર ગ્રામજનો, નગરજનો હોળી-ધૂળેટીનું પર્વ ભારે ઉત્સાહથી ઉજવે છે. કાનુડો પણ રસ્તે જતી પનીહારીઓને પજવે છે, છેડે છે, છેડતી કરે છે. ગોપીઓ પણ કન્હૈયા પાછળ ઘેલી બને છે. રંગમાં રંગાયેલી ગોપીઓ અને કાનો અંતે રાસ રમે છે. ગોવાળીઓનાં મુખ પર પણ અબીલ-ગુલાલ દેખાય છે. શ્યામના પ્રેમના રંગમાં રંગાયેલ નર-નારીઓની આંખો ભીની થઈ જાય છે. સમગ્ર દિન, સાંજ સુધી વ્રજવાસીઓ વૈકુંઠ મળ્યાનો અહેસાસ અનુભવે છે. બરસાનામાં પણ રંગભલો ઉત્સવ ધામધુમપૂર્વક ઉજવાય છે. નગરમાં આનંદ તથા ઉત્સાહનો માહોલ છે. એકબીજા પર ગુલાલ છાંટવામાં તથા પીચકારીથી રંગવામાં લોકો પણ ભાન ભુલી જાય છે.''

મથુરાનો માહોલ પણ કંઈક આવો જ છે. હોળીની જ્વાળાઓ મોડે સુધી પ્રજ્વલિત હોય છે. વહેલી સવારથી જ રંગનો ઉત્સવ ઉજવવા લોકો આતુર હોય છે. અન્યોન્યને રંગતા લોકોની સાથે ઢોલ, શરણાઈ, દુંદુભી પણ વાગે છે. સમગ્ર વાતાવરણમાં રંગનું તથા પ્રેમનું સામ્રાજ્ય ફેલાય છે. કાનાની બાંસુરીના નાદમાં લોકો ભાવવિભોર બનેલા જોવા મળે છે.

નંદલાલ અને હોળી અન્યોન્ય એકબીજા સાથે જોડાયેલાં છે. રંગનો ઉત્સવ માણવા લોકોનાં ટોળૉ ઉમટે છે. સમગ્ર નગરમાં પ્રેમ, આદર, માન અને મિત્રતાનો માહોલ વાતાવરણને તરબતર કરી દે છે.

રંગ વગર જીવનમાં ઉમંગ નથી હોતો. ઉમંગ ત્યારે જ આવે જ્યારે જીવનમાં રંગ હોય. રંગ વગરની બેરંગ જિંદગી દોહયલી અને વસમી હોય છે. જો તમને રંગવા કોઈ આતુર હોય તો તમે નસીબદાર માણસ છો. કેમ કે રંગીન માણસને જ રંગવા લોકો પસંદ કરે છે. રંગમાં આવવું એ માણસનું મૂળભૂત તત્વ છે અને એટલે જ કુદરતે આપણી આસપાસ રંગોની લ્હાણી કરી છે. જ્યાં જ્યાં નજર ફેંકો ત્યાં રંગ જ દેખાય છે. માણસની પહેલી નજર રંગ ઉપર જ પડતી હોય છે. રંગો સાથે જ માણસનો સુંદર પનારો પડયો છે. વિજ્ઞાાન કહે છે કે અલગ અલગ રંગ નીરખવાથી માણસનો મૂડ બદલાતો હોય છે. મનગમતી વ્યક્તિ કે મનગમતી વસ્તુ મળવાથી માણસ જે રંગમાં આવે છે એનું નામ છે તરંગ-ઉમંગ. આ સમયે માણસના તેવર બદલાઈ જતા હોય છે.

ભક્ત પ્રહલાદે એના જીવનને ભક્તિના રંગે રંગ્યું હતું. અતુટ શ્રદ્ધા સાથેના એના ભક્તિના રંગે ભગવાનને પણ ઝૂકવું પડયું. મનડું રંગાયા વગર ભક્તિ ફળતી નથી. તનડું રંગો પણ મનડુંના રંગો તો તમે જીવનના અસલી રંગથી વંચિત રહી જાવ છો. ભાઈ તે તો રંગ રાખ્યો આવું સાંભળનાર વ્યક્તિ તાળીઓના ગડગડાટથી રંગાઈ જતો હોય છે. એના ગાલે ગૌરાન્વિત લાલીમા પથરાઈ જતી હોય છે. જીવન જીવવાનો પણ એક રંગ હોવો જોઈએ.

Gujarat