- શેફાલી જરીવાલાના મોતનું એક સંભવિત કારણ એન્ટિ-એજીંગ દવાઓ
- પ્રસંગપટ
- શરીરનું વજન ઉતારવું અને સ્લિમ રહેવું - આ બંનેમાં ફર્ક છે, પણ બંનેમાં શરીર પરથી ચરબીના થર ઉતારવા જરૂરી છે
આપણે ત્યાં કહેવત છે કે પુરૂષનો પગાર અને સ્ત્રીની ઉંમર ન પૂછાય, કેમ કે પુરૂષ સાચો પગાર કહેતો નથી અને સ્ત્રી સાચી ઉંમર કહેતી નથી. આમેય આધુનિક બ્યુટી ટ્રીટમેન્ટને કારણે સ્ત્રીની ઉંમરનો ક્યાસ કાઢવો મુશ્કેલ બનતો જાય છે. ઉંમર ઓછી દેખાય તે માટેની ટ્રીટમેન્ટ અને દવાઓ પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ લે છે. કેટલીય સ્ત્રીઓ એન્ટિ-એજીંગ ટ્રીટમેન્ટના રવાડે ચઢીને પોતાના કુદરતી સૌદર્યને મારી નાખે છે અને પછી મૂળ સૌંદર્યને હાંસલ કરવા ફાંફા મારે છે.
યુવાન સ્ત્રીઓ પોતાના સૌંદર્યને ચમકાવવા બ્યુટી ટ્રીટમેન્ટનો સહારો લે તે સમજી શકાય છે, પરંતુ હવે તો પ્રૌઢ અને વૃદ્ધ મહિલાઓ પણ બ્યુટી પાર્લરમાં જાય છે અને જાતજાતની ટ્રીટમેન્ટ કરાવે છે.
અભિનેત્રી શેફાલી જરીવાલાના મોતનું એક સંભવિત કારણ એન્ટિ-એજીંગ દવાઓ હોવાથી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. બોલિવુડનાં સૂત્રો કહે છે કે ૪૨ વર્ષની શેફાલી એન્ટિ-એજીંગ ટ્રીટમેન્ટના રવાડે ચઢી હતી. માત્ર શેફાલી નહીં, પણ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રિલેવન્ટ રહેવા મથતી કેટલીય સ્ત્રીઓ એન્ટિ-એજીંગ ટ્રીટમેન્ટના રવાડે ચડી ગઈ છે. જેમને ગ્લેમર વર્લ્ડ સાથે કશી લેવાદેવા નથી તેવી અસંખ્ય સ્ત્રીઓ પણ આ ટ્રીટમેન્ટ કરાવે છે. એટલે તો ભારતમાં બ્યુટી પ્રોડક્ટ્સનું બજાર ૨.૫ અબજ ડોલરનું છે, જે ૨૦૩૩ સુધીમાં ૪ અબજ ડોલર થઈ જશે તેવી ધારણા છે. વૈશ્વિક એન્ટિ- એજીંગ માર્કેટ ૭૫.૭ અબજ ડોલરનું છે.
એન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટમાં ઘણી બાબતો સામેલ થાય છે - ચહેરા પર કે ગળા પરની કરચલીઓ દૂર કરવી, આંખો નીચેના કાળા ડાઘ દૂર કરવા, હોઠ વધારે ભરાવદાર બનાવવા, જૉ-લાઇન ઠીક કરાવવી વગેરે. એક સમય હતો કે જ્યારે ઘરમાં કોઇ શુભ પ્રસંગ હોય અથવા કોઇ લગ્નમાં જવાનું હોય ત્યારે જ બ્યુટિશીયનને યાદ કરવામાં આવતી. આજે તો દર આઠ-પંદર દિવસે બ્યુટી પાર્લરની મુલાકાત લેવાય છે. યુવાન દેખાવાનો પ્રયાસ સ્વાભાવિક રીતે જ ૪૦ વર્ષ વટાવી ગયેલી યુવતીઓ વધુ કરે છે. અપરિણીત યુવતીઓ પણ એન્ટિ-એજીંગ ટ્રીટમેન્ટ લેતી હોય છે. લેસર ટ્રીટમેન્ટ ખાસ્સી પોપ્યુલર બની છે.
લગ્ન વખતે યુવતીઓ અને તેની બહેનપણીઓ અપ્સરાની જેમ તૈયાર થવા માટે જે ખર્ચ કરે છે તેનો આંકડો લાખોમાં પહોંચે છે. તેથી જ હવે બ્યુટી પાર્લરો અથવા બ્યુટી સલૂનો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે. સલૂનમાં જવું કે નહીં, એન્ટિ-એજીંગ ટ્રીટમેન્ટ કરાવવી કે નહીં, તે અંગત પસંદગીનો વિષય છે, પણ બ્યુટી પ્રોડક્ટ્સ વેચતી કંપનીઓના દાવા પાયા વિનાના હોવા છતાં તેઓ કરોડોની કમાણી કરે છે. તેઓ કહેશે કે અમારી પાસે એવું ક્રીમ છે કે જે સમયનો કાંટો ઊંધો ફેરવે છે અને આ ક્રીમ વાપરનારી વ્યક્તિ પાંચ વર્ષ નાની દેખાય છે. કેટલીક કંપનીઓ એવો દાવો કરે છે કે અમારી ટેબ્લેટ્સ ગળવાથી ઉપયોગ કરવાથી તમને ઓછો થાક લાગશે ને તમે સતત ફ્રેશ રહેશો.
માર્કેટિંગ ગિમિક તરીકે એવા ડાયટ પ્લાન પણ બતાવવામાં આવે છે કે જેના થકી સ્લિમ-બ્યુટીફુલ બની શકાય. શેફાલી જરીવાલાના મૃત્યુનું એક કારણ તેનો ડાયટ પ્લાન પણ હોઇ શકે છે. કહે છે કે શેફાલી સ્લિમ રહેવા માટે અવૈજ્ઞાાનિક કહી શકાય તે રીતે ઉપવાસ કરતી હતી.
સોશિયલ નેટવર્ક પર તમારું વજન ઉતારી આપનારા અને સ્લિમ રહેવા માટેની દવાઓનું સૂચન કરનારાઓનો રાફડો ફાટયો છે. મહિલાઓની સૌંદર્ય જાળવી રાખવાની ઝંખના કંઈ આજકાલની નથી. સ્ત્રીઓની આ વૃત્તિ પ્રાચીન સમયમાં પણ હતી. હવે તેનું હાડોહાડ વેપારીકરણ થઈ ગયું છે એટલું જ.
શરીરનું વજન ઉતારવું અને સ્લિમ-એન્ડ-ટ્રિમ રહેવું - આ બંનેમાં ફર્ક છે. અલબત્ત, બંનેમાં ભારેખમ શરીર પરથી ચરબીના થર ઉતારવાનું જરૂરી હોય છે. સ્ત્રીઓની જેમ પુરૂષો પણ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતા થયા છે. ગોળમટોળ અભિનેતા રામ કપૂરે તાજેતરમાં ખાસ્સું વજન ઉતાર્યું છે. તેઓ ઓઝિમ્પિક નામની દવા લે છે તેનો વિવાદ પણ ચાલે છે. ઓઝિમ્પિક સામાન્યપણે ટાઇપ-ટુ ડાયાબિટીસના દર્દીઓને અપાય છે.


