H-1B વિઝા પર પ્રતિબંધ પછી વિદેશના વિદ્યાર્થીઓ માટે ફતવો
- અમેરિકાને ચૂંટણી વખતે જ બેરોજગારી દેખાય છે
- જે યુનિવર્સિટીઓ ઓન લાઇન એજ્યુકેશન આપવાની છે તેના વિદ્યાર્થીઓને હવે અમેરિકામાં રહેવાની જરૂર નથી..
પ્રસંગપટ
બહારના દેશોમાંથી આવેલા લોકો હવે અમેરિકાને ખટકી રહ્યા છે. અમેરિકામાં બેરોજગારી પાછળનું એક કારણ બહારના દેશોના લોકો છે એવું પ્રતિત થતાં અમેરિકા રોજ કંઇ નવું ગતકડું કાઢીને વિદેશથી આવેલા લોકોને ભીંસમાં લીધા કરે છે અને તેમને તેમના વતન જવા પ્રેશર કરે છે.
ગયા મહિને અમેરિકાએ એચ-વન બી વિઝા પર બ્રેક મારી હતી અને હવે અમેરિકામાં ભણતા વિધ્યાર્થીઓને દેશ છોડવા નવું શસ્ત્ર તાંકવાનું શરૂ કર્યું છે. જેના કારણે અમેરિકામાં ભણતા વિધ્યાર્થીઓને પરત તેમના દેશમાં જવા માટે આદેશ અપાયો છે.
અમેરિકાએ એવો કાયદો કર્યો છે કે જે યુનિવર્સિટીઓ ઓન લાઇન એજ્યુકેશન આપવાની છે તેના વિધ્યાર્થીઓને હવે અમેરિકામાં રહેવાની જરૂર નથી. તે તેમના દેશમાં જઇને પણ ભણી શકે છે. અમેરિકાની યુનિવર્સીટીઓમાંથી પણ વિદેશથી આવેલા વિધ્યાર્થીઓની યાદી મંગાવાઇને દરેકને ખુલાશો કરવા માટે નોેટિસો અપાઇ છે.
જ્યારે કોઇ વિધ્યાર્થી અમેરિકા ભણવા જાય છે ત્યારે તે પાર્ટ ટાઇમ જોબ કરે છે અને સાથે ભણે છે. તેનો આશય જેમ તેમ કરીને અમેરિકામાં સેટ થવાનો હોય છે. ઉદાહરણ તરીકે કોઇ વિધ્યાર્થી એમેરિકા ભણવા જાય છે ત્યારે તેનો મોકલનાર એજન્ટ તેને પાર્ટ ટાઇમ નોકરી આપનારાઓ સાથે સંપર્ક કરાવી આપે છે. આ સિસ્ટમ આજની નથી ચાલતી પણ વર્ષોથી ચાલતી આવે છે અને હજારો વિદ્યાર્થીઓએે ત્યાંનો જોબ લેટર મેળવીને ત્યાંજ સ્થાયી થઇ ગયા હતા. જે લોકો કાયદેસર સેટ ના થઇ શક્યા એવા લોકો ગેરકાયદેસર રહેવા લાગ્યા હતા. અમેરિકામાં ચૂંટણીઓ આવતાંજ બેરોજગારીનો પ્રશ્ન ઉભો થાય છે. બેરોજગારી પાછળના મુખ્ય કારણો પૈકી એક વિદેશથી આવેલા લોકોના કારણે સ્થાનિક લોકોને નોકરીઓ મળતી નથી. હકીકત એ છે કે અમેરિકાના દરેક પ્રમુખો આ મુદ્દો જાહેરમાં ચર્ચી ચૂક્યા છે પરંતુ તેનો ઉકેલ લાવી શક્યા નથી.
અમેરિકામાં ઘૂસવાના માર્ગો પૈકી એક એજ્યુકેશન ક્ષેત્ર છે. અન્ય ક્ષેત્રોમાં નાટક,ગરબા, સાહિત્ય જેવાનો સમાવેશ થાય છે. આવા ગૃપોમાંના કેટલાક સભ્યો પોતાના વતન પાછા ફરવાના બદલે ત્યાંજ રોકાઇ જતા હતા. જેના કારણેે આખી કબુતરબાજીની સિસ્ટમ ઉભી થઇ હતી. એટલેકે વિવિધ કારણોસર અમેરિકા ગયેલાઓ ત્યાંજ અદ્રશ્ય થઇ જતા હતા. અમેરિકાના સત્તાવાળાઓની આંખોમાં ધૂળ નાખવામાં તે લોકો સફળ થતા હતા.
અમેરિકાના કાયદા એવા છે કે ગેરકાયદે વસવાટ કરનારાને નાગરિક તરીકેના કોઇ હક ના મળે. કોઇ તેમને સત્તાવાર રીતે નોકરી પણ ના આપી શકે તેમ છતાં અમેરિકામાં ઘૂસી જવાનો ક્રેઝ વધ્યા કરતો હતો. આવા ગેરકાયદે વસતા લોકોની સંખ્યા અમેરિકામાં લાખો પર પહોંચી છે. મેક્સિકો સરહદેથી પણ ઘૂસણખોરોના ધાડે ધાડાં આવતા હતા. એેટલેતો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો સરહદે દિવાલ ચણવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
ગેરકાયદે વસવાટ કરતા લોકો અડધા દરે નોકરી કરવા તૈયાર હોય છે. તેમની કોઇ ડિમાન્ડ નથી હોતી કે તેમને નોકરીના કોઇ હકો નથી આપવા પડતા. સ્થાનિક લોકોને સરકારે નક્કી કરેલા ભાવે રોજગારી આપવી પડે છે અને વધારાના કામના નાણા ચૂકવવા પડે છે. અમેરિકાના કારખાનેદારો અને છૂટક મજૂરી કરાવનારાઓને ગેરકાયદે વસવાટ કરનારાઓને નોકરી પર રાખવાની ફાવટ આવી ગઇ હતી. ઓછા પૈસા ચૂકવવાના અને બીલ વિનાનું પ્રોડક્શન કરવાનું મૂળ વાત પર પાછા ફરીએ તો જેમ અમેરિકામાં એચ-વન બી વિઝા પર પ્રતિબંધના નિર્ણય પર વિરોધ થયો હતો તેનાથી વધુ વિરોધ યુનિવર્સિટીઓના વિધ્યાર્થીઓને પરત મોકલવાના ફતવાનો થઇ રહ્યો છે.
ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટનો આ નિર્ણય છે. અમેરિકાના ટોચના વકિલો અને શિક્ષણ વિદ્દોએ તેનો વિરોધ કર્યો છે. અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સામે મોટી મુશ્કેલી ઉભી થઇ છે. કેટલાક બેંકોમાંથી લેાન લઇને ભણવા આવ્યા છે તો કેટલાક પાર્ટ ટાઇમ જોબ કરીને પોતાના કુટુંબે શિક્ષણ પાછળ કરેલા દેવાની ભરપાઇ કરવા ઇચ્છતા હતા તે બધાજ મુશ્કેલીમાં મુકાયા છે.
એફ-વન અને એમ-વન નોન ઇમિગ્રન્ટ વિઝા છે. તે એકેડેમિક અને વોકેશનલ કોર્સ કરનારા માટે છે. જેમને આ નવા ફતવાની અસર થશે. અમેરિકામાં દશ લાખ વિધ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે આવતા હોય છે.