- પ્રસંગપટ
- કોકો બજારમાં હજી પણ સરપ્લસ સપ્લાયની સ્થિતિ
- 2025ના આરંભમાં કોકોના ભાવમાં મોટી તેજી આવ્યા પછી ભાવ ગબડયા હતાઃ જો કે હવે બજાર ફરી ઊંચી જતી ચકચાર
દેશમાં ડિસેમ્બરના આગમન વચ્ચે હવે વિવિધ બજારો તથા વેપારી વર્ગની નજર ટૂંકમાં આવી રહેલા નાતાલના તહેવારો પર રહી છે. આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન વિવિધ મિઠાઈનો વપરાશ ઘટયો હતો તથા સામે વિવિધ સૂકામેવાઓ તથા ચોકલેટોનો વપરાશ ભેટ સોગાદોની આપલેમાં વધતો જોવા મળ્યો હતો. હવે નાતાલના તહેવોરામાં કેક તથા ચોકલેટોની માગમાં વધુ વૃદ્ધી થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ચોકલેટોના ઉત્પાદનમાં મુખ્યત્વે કાચા માલ તરીકે કોકોનો ઉપયોગ થતો હોય છે તથા હવે આવી ચોકલેટોમાં વિવિધ સુકામેવાઓનો વપરાશ પણ વધ્યો હોવાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં કોકોના ભાવમાં તાજેતરમાં ખાસ્સી ઉછળકુદ જોવા મળી છે તથા તેના પગલે ચોકલેટોના ઉત્પાદન ખર્ચમાં પણ ચડઉતર થતી રહી છે. આવા માહોલમાં ચોકલેટોના ભાવ શું રાખવા તે વિશે ચોકલેટ ઉત્પાદકો પણ મુંઝવણ અનુભવતા જોવા મળ્યા છે. વિશ્વ બજારમાં તાજેતરમાં કોકોના ભાવ તૂટી નીચામાં એક તબક્કે બે વર્ષના તળિયે ઉતરી ગયા હતા પરંતુ ત્યારબાદ કોકોના ભાવ આંચકા પચાવી નીચા મથાળેથી ફરી બાઉન્સ બેક થતાં પણ જોવા મળ્યા છે. અમેરિકામાં ન્યુયોર્ક બજારમાં કોકોના વાયદાના ભાવ ઘટતા અટકી તાજેતરમાં પ્રત્યાઘાતી વધી ટનના આશરે ૫૫૦૦થી ૫૬૦૦ ડોલર વચ્ચે ક્વોટ થતા જોવા મળ્યા છે જ્યારે બ્રિટનના બજારોમાં કોકોના ભાવ વધી તાજેતરમાં ટનના આશરે ૪૧૦૦ પાઉન્ડ આસપાસ બોલાતા થયાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા. વિશ્વ બજારમાં તાજેતરમાં કોકોના ભાવ ગબડી બે વર્ષના તળિયે ઉતરી ગયા પછી નીચા મથાળેથી તાજેતરમાં ટૂંકાગાળામાં ભાવમાં આશરે ૧૧થી ૧૨ ટકાનો પ્રત્યાઘાતી ઉછાળોે નોંધાયો હોવાનું ટોકલેટ ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. જો કે કોકો બજારના વૈશ્વિક એનાલીસ્ટોના જણાવ્યા મુજબ ભાવમાં તાજેતરમાં તળિયેથી નોંધાયેલો ઉછાળો માત્ર કરેકશનની ચાલ જ જણાય છે તથા બજારના ટ્રેન્ડમાં હજી પણ કોઈ વ્યાપક બદલાવ જણાઈ રહ્યો નથી એ જોતાં શું આ ભાવ ઉછાળો ઉભરા જેવો નિવડશે? એવો પ્રશ્ન પણ વિશ્વ બજારમાં ચર્ચાતો સંભળાયો છે.
વૈશ્વિક સ્તરે કોકોનું ઉત્પાદન મુખ્યત્વે આઈવરી કોસ્ટમાં થાય છે. આ આઈવરી કોસ્ટમાં બંદરો ખાતેથી નિકાસ માટે તાજેતરમાં કોકોનો પુરવઠો વધ્યાના વાવડ મળ્યા છે. આ જોતાં કોકો બજારમાં હજી પણ સરપ્લસ સપ્લાયની સ્થિતિ ચાલુ રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આઈવરી કોસ્ટના બંદરો ખાતે તાજેતરમાં આશરે એક લાખ ટન કોકોનો પુરવઠો આવ્યો હોવાના વાવડ મળ્યા હતા. ઈન્ટરનેશનલ કોકો ઓર્ગેનાઈઝેશનના આંકડામાં આ વાત જણાવાઈ છે. કોકોની વૈશ્વિક મોસમ ૨૦૨૪-૨૫ની તાજેતરમાં આશરે બે મહિના પૂર્વે પૂર્ણ થઈ છે તથા હવે ૨૦૨૫-૨૬ની નવી મોસમ શરૂ થઈ ગયાના વાવડ મળ્યા હતા. દરમિયાન આ ઓર્ગેનાઈઝેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૪-૨૫ની પુરી થયેલી કોકોની મોસમમાં સરપ્લસ સપ્લાય આશરે ૪૯થી ૫૦ હજાર ટન જેટલી નોંધાઈ છે. આ વિતેલી મોસમમાં વૈશ્વિક ધોરણે કોકોના પુરવઠામાં આશરે ૭થી ૮ ટકાની વૃદ્ધી થઈ છે જ્યારે તેની સામે કોકોના ગ્રાઈન્ડીંગની ટકાવારીમાં ઘટાડો કોકોની ઘટેલી માગનો સંકેત આપે છે.
જો કે કોકોનો સરપ્લસ સપ્લાય આશરે એક લાખ ટન આવશે એવી શક્યતા આ પૂર્વે બજારના જાણકારો બતાવી રહ્યા હતા પરંતુ તેના બદલે ઓર્ગેનાઈઝેશન દ્વારા આવી સરપ્લસ સપ્લાય ૪૯થી ૫૦ હજાર ટનની જાહેર કરાતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા તથા તેના પગલે બજારભાવ પણ તળિયેથી ફરી ઉંચકાઈ આવ્યા હતા. દરમિયાન પાછલા વર્ષે કોકોના વૈશ્વિક બજારમાં સરપ્લસના બદલે આશરે ૪ લાખ ૮૫થી ૯૦ હજાર ટનની સપ્લાય ડેફીસીટ જોવા મળી હતી જયારે આ વર્ષે ૨૦૨૪-૨૫ની મોસમમાં ડેફીસીટના બદલે સરપ્લસ સપ્લાય જોવા મળતાં તાજેતરમાં એક તબક્કે બજાર ભાવ ગબડી નીચામાં બે વર્ષના તળિયે ઉતરી ગયા હતા. જોકે ત્યારબાદ બજાર ભાવ ફરી ઉંચકાતા જોવા મળ્યા છે. ૨૦૨૪ના અંતભાગમાં તથા ૨૦૨૫ના આરંભમાં કોકો બજારમાં ખાસ્સી તેજી જોવા મળી હતી. આ વર્ષે ૨૦૨૫ના આરંભમાં કોકોના ભાવ વધી ઉંચામાં ટનના ૧૨ હજાર ડોલર સુધી પહોંચ્યા હતા. તાજેતરમાં ભાવ ૪થી ૫ હજાર ડોલર રહ્યા હતા. વેસ્ટ આફ્રિકામાં ઉત્પાદન ઘટતાં આ વર્ષના આરંભમાં બજાર ભાવ ખાસ્સા ઉંચા ગયા હતા. કોકોના કુલ ઉત્પાદનમાં વેસ્ટ આફ્રિકાનો હિસ્સો આશરે ૬૦થી ૭૦ ટકાનો રહ્યો છે.


