- કોકા-કોલા, પેપ્સી અને કેમ્પા કોલા
- પ્રસંગપટ
- 1970-80ના દાયકામાં અમેરિકામાં કોકા-કોલા અને પેપ્સી વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળતી હતી
૧૯૭૦-૮૦ના દાયકામાં અમેરિકામાં કોકા-કોલા અને પેપ્સી વચ્ચે જે તીવ્ર સ્પર્ધા જોવા મળતી હતી તે હવે ૨૦૨૫માં ભારતના સોફ્ટ ડ્રિન્કના માર્કેટમાં જોવા મળી રહી છે. ભારતમાં કોકા-કોલા અને પેપ્સી બન્ને કંપનીઓએ મૂળિયાં તો ઊંડાં નાખ્યાં, પણ હવે તેમની સામે પડકાર ઊભો થયો છે. આ પડકાર એકબીજાને કારણે નહીં, પણ રિલાયન્સની કેમ્પા કોલાને કારણે પેદા થયો છે. કિંમતની વ્યૂહરચનાના મામલામાં રિલાયન્સની કેમ્પા કોલા આ બન્ને જૂના જોગીઓને વધારે હંફાવવાનું પ્લાનિંગ કરી રહી છે.
ગરમીની શરૂઆત તીવ્રતા સાથે થઈ ચૂકી છે. ઓડિસામાં પારો ૪૨ ડિગ્રી પર, તો અમદાવાદમાં ૪૩ ડિગ્રી સેલ્સિયસને વટાવી રહ્યો છે. ઉનાળો બેઠો તે સાથે જ ગરમીનો આતંક શરૂ થઈ ગયો છે. તેની સાથે દેખીતી રીતે જ ઠંડા પીણાની ડિમાન્ડમાં પણ ક્રમશઃ વધારો થયો છે.
આપણે ત્યાં તો ઉનાળો પૂરજોશમાં જામે તે પહેલાં જ ઠંડા પીણાં વેચતી કંપનીઓ સામસામી બાંયો ચઢાવી રહી છે. ઠંડા પીણાંની વોરમાં દરેક કંપની વ્યૂહરચના, વિતરણ વ્યવસ્થા અને ચિત્તાકર્ષક જાહેરાતોના મામલામાં એકબીજા કરતાં આગળ નીકળી જવાની ભરપૂર કોશિશ કરી રહી છે. કોકા-કોલા અને પેપ્સીની કમબખ્તી એ છે કે તેણે ભારતની માતબર કંપની રિલાયન્સની કેમ્પા કોલા સાથે હરીફાઈ કરવાની છે. રિલાયન્સની માર્કેટીંગની ખાસિયતથી સૌ પરિચિત છે.
એક વાર ગ્રાહકોને સસ્તા ભાવે પ્રોડક્ટ આપીને ટેવ પાડી દેવી ને પછી તેના દામ વધારી દેવા. રિલાયન્સ જીઓના કેસમાં આમ જ બન્યું હતું. જનતા જિઓના સસ્તા ઇન્ટરનેટ ડેટાથી જેવી ટેવાઈ ગઈ કે તેના ભાવ ધીમે ધીમે વધતા ગયા.
રિલાયન્સ સધ્ધર ગુ્રપ હોવાના કારણે તે કિંમતમાં ઘટાડો કરીને પ્રતિસ્પર્ધીને હંફાવી શકે છે. પ્રાઇસ વોર એટલે માત્ર પ્રોડક્ટનો ભાવ ઓછો કરી નાખવો તેમ નહીં. આ ઘટાડેલા ભાવને લાંબા સમયથી યથાવત્ રાખવો પણ એટલો જ આવશ્યક છે. વળી, ઓછા અને તુલનાત્મક ભાવનો વ્યૂહાત્મક પ્રચાર કરવો પડે છે.
ભારતમાં કોકા-કોલા અને પેપ્સી બંને સોફ્ટ ડિન્ક્સ વર્ષોથી લોકપ્રિય છે, પરંતુ રિલાયન્સે કેમ્પા કોલા સાથે ઠંડા પીણાના માર્કેટમાં એન્ટ્રી કરી ત્યારથી આ બન્નેની ઊંઘ હરામ થઇ ગઇ છે. કેમ્પા કોલાનું ભલે આ નવું વર્ઝન હોય, પરંતુ તેનો સ્વાદ કોકા-કોલા અને પેપ્સીને બિલકુલ ટક્કર આપે તેવો છે.
ભારતમાં કોકા-કોલા બહુ જાણીતું નામ છે. પેપ્સી પણ ખૂબ મજબૂત કસ્ટમર બેઝ ધરાવે છે. કોકા-કોલા એક સમયે ઠંડા પીણાનું માર્કેટ લીડર કહેવાતું હતું. પેપ્સીએ ભારતમાં એન્ટ્રી મારીને કોકા-કોલાના વેચાણમાં ભાગ પડાવ્યો હતો. કેમ્પા કોલા લોકલ બ્રાન્ડ છે, પરંતુ માર્કેટિંગમાં કિંગ ગણાતી રિલાયન્સ કંપનીની તે પ્રોેડક્ટ છે. ૧૯૭૦ના દાયકામાં કેમ્પા કોલા પણ પોપ્યુલર બ્રાન્ડ્સની યાદીમાં આવતી હતી, પરંતુ પછી તે બજારમાંથી ભૂંસાતી ચાલી હતી. ૨૦૨૨માં રિલાયન્સે તે ખરીદીને તેને નવું જીવન આપ્યું એમ કહી શકાય.
કેમ્પા કોલા રિલાયન્સની બ્રાન્ડ બનીને ઠંડા પીણાના માર્કેટમાં નવેસરથી છવાઇ રહી છે. સ્પર્ધામાં ઊભા રહી શકે તેવા તેના ભાવ અને માર્કેર્ટિંગની સ્માર્ટ વ્યૂહરચનાનેા તેને લાભ મળવા લાગ્યો છે. ઠંડા પીણાની વોરમાં ભડકો ત્યારે થયો જ્યારે રિલાયન્સે કેમ્પા કોલાની નાની બોટલનો ભાવ ફક્ત ૧૦ રૂપિયા કરીને બજારમાં વેચવાનું શરૂ કર્યું. કોકા-કોલા અને પેપ્સી બંનેએ જખ મારીને પોતાના ભાવ ઘટાડવા પડયા હતા.
રિલાયન્સની કેમ્પાને ભાવ ઓછો રાખવો પોષાય એમ છે, પરંતુ કોકા-કોલા અને પેપ્સીને તો નફામાં રીતસર માર પડે છે. સસ્તી હોવાને કારણે લોકો કેમ્પા કોલાની ઢગલાબંધ બોટલો પોતાના ઘરે ફ્રિજમાં રાખવા થઈ ગયા.
શરૂઆતમાં કેમ્પા બજારમાં ન ધૂસે તેવા પ્રયાસો કોકા-કોલા અને પેપ્સી બંનેએ કર્યા હતા તેવો આક્ષેપ થયો હતો. આજે એવી સ્થિતિ આવીને ઊભી છે કે કોકા-કોલા અને પેપ્સીના માર્કેટીંગ મેનેજરો રોજ સવારે ઉઠીને પહેલાં એ જુએ છે કે કેમ્પાએ પાછો ભાવ ઘટાડયો તો નથીને? ડીલરોને કોઇ નવી સ્કીમ તો નથી આપીને? કેમ્પા કોલાના ભાવ લાંબા સમય સુધી નીચલી સપાટીએ રાખવાની આર્થિક તાકાત તેના માલિકો પાસે છે. સામે પક્ષે કોકા-કોલા અને પેપ્સી પોતાના તગડા નફામાં ઘટાડો સહન કરી શકે તેમ નથી. આગે આગે દેખિયે, હોતા હૈ ક્યા...


