ચોખાના નિકાસ અંકુશો ભારતે હળવા કરતાં વિશ્વ બજારમાં તેજીના વળતા પાણી
- પ્રસંગપટ
- આ વર્ષે ડાંગર-ચોખાના વાવેતરનો વિસ્તાર વધી ૪૧૫ લાખ હેકટર્સ
- ભારતની હરીફાઇ ફરી વધતાં વિશ્વ બજારમાં ચોખા નિકાસ કરતા દેશોએ ઓફરભાવ ઘટાડી દીધાના અહેવાલ
દેશમાં ચોખા બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો તાજેતરમાં ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. ભારત સરકારે ચોખાની નિકાસ પરના વિવિધ અંકુશો હળવા કરતાં તેના પ્રત્યાઘાતો ઘરઆંગણે તથા દરિયાપારના બજારોમાં તાત્કાલિક દેખાતા થયા છે. ભારત સરકારના આ નિર્ણયના પગલે વિશ્વ બજારમા ચોખાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતના ચોખાની સપ્લાય જે વિશ્વ બજારમાં રુંધાઈ હતી તે હવે ફરી શરૂ થશે એવી ગણતરી વચ્ચે વિશ્વ બજારમાંમ ચોખાના ભાવમાં પીછેહટ જોવા મળી હોવાનું દરિયાપારના બજારોના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે સરકારના નિકાસ અંકુશો હળવા કરવાના નિર્ણયના પગલે ઘરઆંગણે ચોખાના ભાવમાં સ્થિરતા તથા અમુક અંશે મક્કમતા આવ્યાની ચર્ચા અનાજ બજારમાં સંભળાઈ રહી હતી. નોન-બાસમતી વ્હાઈટ રાઈસની નિકાસ પરના અંકુશો ભારત સરકારે તાજેતરમાં હળવા કર્યા હતા. ભારતના આવા નિર્ણયના પગલે વિશ્વ બજારમાં હવે થાઈલેન્ડ, વિયેતનામ તથા પાકિસ્તાનના ચોખા સામે ભારતના ચોખાની હરિફાઈ ફરી શરૂ થશે અને આવા માહોલમાં આ વિવિધ દેશોના નિકાસકારોએ વિશ્વ બજારમાં ચોખાના ઓફર ભાવો ઘટાડવાની શરૂઆત કરી દીધાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. સરકારે તાજેતરમાં નોન-બાસમતી ચોખાની નિકાસ પરના અંકુશો દૂર કરવા ઉપરાંત પારબોઈલ્ડ ચોખાની નિકાસ ડયુટી ઘટાડી ૧૦ ટકા કર્યાના સમાચાર પણ આવ્યા હતા. આ પૂર્વે ભારતના નિકાસ અંકુશોના પગલે વિશ્વ બજારમાં ચોખાના ભાવ ઉંચકાઈ ૧૪થી ૧૫ વર્ષની ટોચે પહોંચ્યા હતા પરંતુ હવે વૈશ્વીક તેજીના વળતા પાણી જોવા મળ્યા છે. ભારતે નોન-બાસમતી ચોખાની નિકાસ માટે જો કે ટનદીઠ ૪૯૦ ડોલરની મિનિમમ એક્સપોર્ટ ભાવની શરત પણ લાદી હોવાનું ચોખા નિકાસકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, ભારતમાં આ વર્ષે ડાંગર-ચોખાના વાવેતરનો વિસ્તાર વધી ૪૧૪થી ૪૧૫ લાખ હેકટર્સનો નોંધાયો છે. ઉત્તર-પ્રદેશ, મધ્ય-પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ વિ. રાજ્યોમાં ડાંગર-ચોખાના વાવેતરના વિસ્તારમાં વૃદ્ધી નોંધાઈ છે. દેશમાં ૨૦૨૩-૨૪ના પાક વર્ષમાં ચોખાનું એકંદરે કુલ ઉત્પાદન વધી ૧૩૮૦ લાખ ટન આસપાસ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં જથ્થાબંધ બજારોમાં તાજેતરમાં ચોખાના ભાવમાં પીછેહટ જોવા મળી હતી પરંતુ હવે ભાવ ફરી સુધારા તરફી થવાની શક્યતા જણાઈ રહી છે.
દરમિયાન, કેન્દ્ર સરકારે આંધ્ર-પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા વિ. રાજ્યોને નેશનલ કો-ઓપરેટીવ કન્ઝયુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એન્ગેજ કરી ખેડૂતો પાસેથી ડાંગર-ચોખાની ખેડૂતો પાસેથી મિનિમમ સપોર્ટ ભાવોએ (ટેકાના ભાવોએ) ખરીદી ઓકટોબરથી શરૂ થયેલી માર્કેટિંગ મોસમમાં કરવા માટે વિનંતી કર્યાના વાવડ મળ્યા છે. આ પાંચ રાજ્યોમાંથી સરકારે ૨૦૨૩-૨૪ની ખરીફ મોસમમાં ટેકાના ભાવોએ આશરે ૨૦૧થી ૨૦૨ લાખ ટન ચોખાની ખરીદી કરી હોવાનું કેન્દ્ર સરકારના કૃષી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં ફૂડ મિનિસ્ટ્રીએ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તથા સંબંધીત રાજ્યોને પત્ર પાઠવી એવું જણાવ્યું છે કે નેશનલ કો-ઓપરેટીવ કન્ઝયુમર્સ ફેડરેશન ડાંગરની ટેકાના ભાવોએ ખરીદી-પ્રાપ્તી કરવા વધારાની પ્રોકયુરમેન્ટ એજન્સી તરીકેની ભૂમિકા નિભાવવા તૈયાર છે. દરમિયાન, ખરીફ મોસમ ૨૦૨૩-૨૪માં આંધ્રમાંથી ૧૪ લાખ ૪૦ હજાર ટન ચોખાની સરકારી ખરીદી નોેંધાઈ છે જ્યારે છત્તીસગઢમાંથી આવી ખરીદી ૮૩ લાખ ટન અને મધ્ય-પ્રદેશમાંથી ૨૮ લાખ ૩૦ હજાર ટન અને ઉત્તર-પ્રદેશમાંથી ૩૬ લાખ ટન તથા ઓરિસ્સામાંથી ૩૯ લાખ ૫૦ હજાર ટન ચોખાની ખરીદી નોંધાઈ છે. ચોખાની આવી ખરીદીમાં ધી પ્રાઈમરી એગ્રીકલ્ચર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ તથા સેલ્ફ-હેલ્પ ગુ્રપો સક્રિય રહ્યા છે ત્યારે હવે એનસીસીએફનું નામ પણ આ દિશામાં આગળ આવતાં અનાજ-બજાર તથા કૃષી વિશ્વમાં ખાસ્સી ચર્ચા પણ જન્મી છે. દરમિયાન, તેલંગણાથી મળતા સમાચાર મુજબ ત્યાં રાજ્ય સરકારે સુપર ફાઈન પ્રીમિયમ વેરાયટીના ચોખા માટે ક્વિન્ટલદીઠ રૂ.૫૦૦નું બોનસ ખેડૂતોને આપવાનું નક્કી કર્યાના નિર્દેશો હતા. તેલંગણામાં ચોખાની સરકારી ખરીદી ઓકટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ છે જે જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા ત્યાંના સરકારી સૂત્રોએ દર્શાવી હતી. ત્યાં સરકારે ચોખાની ખરીદી માટે આશરે ૭૦૦૦ કેન્દ્રો ઊભા કર્યા છે તથા ચોખાની ખરીદીનો ટારગેટ ત્યાં સરકારે આશરે ૯૦થી ૯૧ લાખ ટનનો નક્કી કર્યાના વાવડ મળ્યા હતા.