- સોમવારે ઓમ બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા
- ચર્ચા દરમિયાન ઓમ બિરલાને પણ પોતાના બચાવમાં રજૂઆત કરવાનો હક મળશે
- પ્રસંગપટ
બજેટ સત્રના બીજા તબક્કાની લોકસભાની બેઠક ૯ માર્ચ, સોમવારથી શરૂ થશે ત્યારે ભાગ્યે જ જોવા મળતાં દ્રશ્યો જોવા મળશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવાને બદલે સામે, અન્ય સભ્યોની સાથે બેઠેલા જોવા મળશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતમાં ગૃહના નિયમોનું કેવી રીતે પાલન થાય છે તે પર વિશ્વની નજર હોય છે. અધ્યક્ષ ઓમ બિરલા સ્પષ્ટપણે પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો આરોપ વિરોધ પક્ષોએ કરીને તેમને અધ્યક્ષ પદેથી દૂર કરવાનો ઠરાવ પસાર કર્યો છે. આ મુદ્દો ચર્ચા માટે હાથ પર લેવામાં આવશે.
સંસદીય કાયદાની પ્રણાલી હેઠળ ઠરાવ પર ચર્ચા હાથ ધરાશે ત્યારે ઓમ બિરલાને પણ પોતાના બચાવમાં રજૂઆત કરવાનો હક મળશે. બંધારણના નિષ્ણાતોના મતે ઠરાવ પર મતદાન કરવાનો વારો આવશે ત્યારે ઓમ બિરલાને પણ મતદાન કરવાનો અધિકાર પણ મળશે. ઠરાવ પર ગૃહમાં ચર્ચા થશે ત્યારે ઓમ બિરલાને ટ્રેઝરી બેંચ પર અગ્ર હરોળની જગ્યા ફાળવવામાં આવશે.
રાષ્ટ્રપતિના સંબોધન પછી આભાર વ્યક્ત કરવા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને ગૃહમાં બોલવા દેવાયા નહોતા. આ ઉપરાંત, સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદોના મામલે ઓમ બિરલાને તેમના હોદ્દા પરથી ખસેડવા ૧૧૮ વિપક્ષી સાંસદેાએ ઠરાવ પસાર કર્યો હતો.
કોંગ્રેસના સભ્ય અને ચીફ વ્હીપ કે. સુરેશે સમાજવાદી પાર્ટી અને કેટલાક વિપક્ષો વતી લોકસભાની ઓફિસમાં ઠરાવ બાબતે નોટીસ આપી હતી. જોકે આ નોટીસમાં તૃણમૂલ કોંગ્રસના સાંસદાએે સહી કરી નહોતી.
સંસદીય કાયદામાં અધ્યક્ષને દુર કરવા સંબંધિત ચર્ચાના સમયે અધ્યક્ષને બેસવા માટે ક્યાં જગ્યા ફાળવવી તેનો ઉલ્લેખ નથી. વળી, જો ઓટોમેટેડ સિસ્ટમથી મતદાન થશે તો તેમાં ઓમ બિરલા મત નહીં આપી શકે, પરંતુ તેમને મત રજીસ્ટર કરવા માટે સ્લિપ આપવામાં આવશે. માત્ર લોકસભાના સભ્યો જ તેમની વિરૂધ્ધ કે તરફેણમાં વોટીંગ કરી શકશે.
બંધારણની કલમ ૯૬ અનુસાર ગૃહના અધ્યક્ષ કે નાયબ અધ્યક્ષ સામે જ્યારે તેમને દુર કરવાના ઠરાવ પસાર કરવાની ચર્ચા ચાલતી હોય ત્યાં સુધી એ અધ્યક્ષની ખુરશી પર બેસી શકે નહીં. બંધારણીય નિષ્ણાતોના મતે સામાન્ય રીતે ગૃહની કુલ સંખ્યાના આધારે બહુમતી વોટની સંખ્યા નક્કી કરાતી હોય છે. એેટલે કે ખાલી પડેલી જગ્યા સિવાયના સભ્યોની સંખ્યા ગણવામાં આવશે.
સંસદીય કાયદા અનુસાર આવી કોઇ નોટીસ આપવાની હોય તો તે લોકસભાના સેક્રેટરીને આપવાની હોય છે, નહીં કે ડેપ્યુટી સ્પીકર કે અન્ય કોઇ હોદ્દા પર બેઠેલી વ્યક્તિને. નોટિસનું બહુ મહત્ત્વ છે. ચોક્કસ આક્ષેપો ધરાવતી નોટિસ જ આપી શકાય છે. જે ઠરાવ તૈયાર કરાય તેમાં કોઇ પણ પ્રકારનું બદનક્ષીભર્યું લખાણ ન હોવું જોઇએ.
સૂચિત ઠરાવની ભાષા કેવી છે તે સામાન્ય રીતે ડેપ્યુટી સ્પીકર નક્કી કરતા હોય છે, પરંતુ વર્તમાન લોકસભામાં ડેપ્યુટી સ્પીકર ના હોવાથી ઠરાવની લેન્ગવેજની ચકાસણી ચેરપર્સનની પેનલના સિનિયર અધિકારીઓ કરશે. બદનક્ષીવાળી ભાષા છે કે નહીં તેની પાક્કી ચકાસણી થયા પછી જ ઠરાવ ગૃહમાં મોકલાય છે. તે ૧૪ દિવસની અંદર મોકલવો પડે એમ પણ કાયદો કહે છે.
ત્યાર બાદ તેને ગૃહમાં પરમિશન માટે મોકલાય છે. આ વિધિને ગ્રાન્ટ્સ પરમિશન કહે છે. સંસદીય કાયદા અનુસાર ગૃહમાં ઠરાવ લવાય ત્યારે સભ્યોની પરમિશન માંગવામાં આવે છે. જો ઠરાવની તરફેણમાં ૫૦ ટકા સભ્યો ઊભા થાય તો અધ્યક્ષ તેને પરમિશન આપે છે. ત્યાર બાદ દસ દિવસમાં તેને ચર્ચા માટે હાથ પર લઇ શકાય છે.
જોકે ઓમ બિરલાને દૂર કરવાના ઠરાવ પરની ચર્ચા સોમવારે ૯મી તારીખે જ કરવામાં આવશે. અધ્યક્ષને દૂર કરવાની પ્રોસેસ લાંબી પણ છે અને તેમને જવાબ આપવાની તક આપનારી પણ છે.
બંધારણીય નિષ્ણાતો જ નહીં, લગભગ સૌ કોઈ જાણે છે કે અધ્યક્ષ ઓમ બિરલાને કશું થવાનું નથી. તેઓ ફરી પાછા અધ્યક્ષની ખુરશી પર જોવા મળશે, કેમ કે લોકસભામાં સત્તાધારી પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી છે.
ભૂતકાળમાં લોકસભાના ત્રણ અધ્યક્ષ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી - જી.વી. માવલંકર (૧૯૫૪), હુકમ સિંહ (૧૯૬૬) અને બલરામ જાખડ(૧૯૮૭). જોકે આ ત્રણેય દરખાસ્ત ઉડી ગઇ હતી.


