Get The App

ટ્રમ્પ ટર્મ-1 અને ટર્મ-2 : પહેલામાં પાકિસ્તાન પ્રત્યે નફરત, બીજામાં પ્રેમ

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ ટર્મ-1 અને ટર્મ-2 : પહેલામાં પાકિસ્તાન પ્રત્યે નફરત, બીજામાં પ્રેમ 1 - image


- ડોનાલ્ડ ટ્રમ્પ દિશાવિહીન લાગી રહ્યા છે

- પાકિસ્તાનને રેઢું મુકાય તો તે સીધું જ ચીનના ખોળામાં બેસી શકે છે. ટ્રમ્પ આ સ્થિતિ પર અંકુશ રાખવા માગે છે

- પ્રસંગપટ

અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ટર્મ ટ્રમ્પ ૧.૦ (જાન્યુઆરી-૨૦, ૨૦૧૭ થી  જાન્યુઆરી-૨૦,૨૦૨૧) અને હાલમાં ચાલતી બીજી ટર્મ ટ્રમ્પ ૨.૦ તરીકે ઓળખાય છે. પહેલી ટર્મ દરમ્યાન તેઓ પાકિસ્તાનનો સખત વિરોધ કરતા હતા, પણ બીજી ટર્મમાં પાકિસ્તાનને પ્રેમ કરી રહ્યા છે. સંભવત: ખુદ પાકિસ્તાનના શાસકોને આશ્ચર્ય થાય છે કે આ માણસ રાતોરાત કેવી રીતે આપણી  તરફેણમાં આવી ગયો છે.

૨૦૧૮માં ટ્રમ્પે પાકિસ્તાન વિશે કહ્યું હતું કે પાકિસ્તાનને છેલ્લાં ૧૫ વર્ષમાં ૩૩ અબજ ડોલરની સહાય કરીને અમેરિકાન સરકારોએ  મૂર્ખામીનું  પ્રદર્શન કર્યું છે.  આપણે આવી જંગી સહાય કરી હોવા છતાંય પાકિસ્તાને તો આપણી સામે ત્રાસવાદ સામે પગલાં લેવાનું નર્યું જુઠ્ઠાણું જ ચલાવ્યે રાખ્યું હતું અને ત્રાસવાદીઓને ટેકો આપ્યો હતો. અફઘાનિસ્તાન વોર વખતે  આપણને (અમેરિકાને) પાકિસ્તાને થોડીઘણી સહાય કરી હતી, પણ તે સિવાય આ દેશ આપણા કોઇ કામમાં આવ્યું નથી.

આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૮માં ટ્વિટર પર લખી હતી. તે જ વર્ષે ઓગસ્ટમાં તેમણે પાકિસ્તાનને મળનારી ૩૦૦ મિલિયન ડોલરની સહાય રદ કરી હતી, અને પછી અન્ય ૫૦૦ મિલિયન ડોલરની સહાય એવું કારણ દર્શાવીને રદ કરી હતી કેે અફઘાન સરહદે પનપી પહેલા  ત્રાસવાદીએાનો સફાયો કરવા માટે પાકિસ્તાને કશું જ કર્યું નથી. 

નવેમ્બર ૨૦૧૮માં ટ્રમ્પે પાકિસ્તાન પર આક્ષેપ કર્યો હતો કે ઓસામા બિન લાદેનને સંતાડી રાખવામાં પાકિસ્તાને સહાય કરી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાની મિલિટરી એકેડમીની નજીક જ લાદેનને ગુપ્ત આશ્રયસ્થાન આપવામાં આવ્યું છે તે પાકિસ્તાનમાં લાગતાવળગતા સૌ જાણતા હતા. અંતે પાકિસ્તાનને મળનારી લશ્કરી સહાય પર કાપ મૂકી દેવામાં આવ્યો હતો. 

મજા જુઓ. ૨૦૨૫માં શરુ થયેલી નવી ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાને ગળે વળગાડવાનું શરૂ કર્યું હોય એમ લાગે છે. ૨૦૨૫માં તેમનો પાકિસ્તાનપ્રેમ વારંવાર સપાટી પર આવી જાય  છે. અમેરિકાએ તાજેતરમાં ૧૨ દેશોના નાગરિકો માટે અમેરિકા-પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, પણ આ સૂચિમાં પાકિસ્તાનનું નામ નથી તે વિશ્વ માટે આઘાતજનક છે. 

સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ એક બાજુ પાકિસ્તાન-પ્રેરિત ત્રાસવાદની ટીકા કરે છે અને પડદા પાછળ તેની પીઠ થાબડે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જ્યારે  એમ કહ્યું કે અમેરિકામાં પ્રવેશીને અમેરિકન નાગરિકો માટે ભયજનક બનતા વિદેશીઓને પ્રવેશવા નહીં દેવાય તેવું પ્રોમીસ ટ્રમ્પે પાળી બતાવ્યું છે ત્યારે સૌએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

ત્રાસવાદ સામે લડવાનો દાવો કરનારી વિશ્વની મહાસત્તા ખુદ પાકિસ્તાનને અનુકૂળ નિર્ણયો લે ત્યારે ત્રાસવાદને સહારો આપતા પાકિસ્તાન અને એના જેવા અન્ય દેશો માટે તો ભાવતું હતું અને વૈદે કહ્યું જેેવો ઘાટ સર્જાર્ય છે.  

માર્ચમાં ટ્રમ્પનું વહિવટીતંત્ર કહેતું હતું કે પાકિસ્તાન સહિતના ડઝન જેટલા દેશોના નાગરિકોના અમેરિકા-પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા થઈ રહી છે. એપ્રિલ ૨૦૧૯માં ટ્રમ્પના વહિવટી તંત્રે ઇમિગ્રેશન નેશનલિસ્ટ એક્ટ હેઠળ પાકિસ્તાનના નાગરિકોના પ્રવેશ પર ઇમિગ્રેશનના પ્રતિબંધ મૂક્યો સુધ્ધો હતો.

અમેરિકાના પ્રમુખના પાકિસ્તાન-પ્રેમ પાછળનું મુખ્ય કારણ ચીન છે. ચીનના અનેક પ્રોજેક્ટ પાકિસ્તાનમાં ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ માટે કામ કરતો ચીની સ્ટાફ પાકિસ્તાનમાં જ રહે છે. પાકિસ્તાનને નાખુશ કરવું તેથી જ ટ્રમ્પને પોસાય એમ નથી. ચીન પાસે દુનિયાનું સૌથી મોટું સૈન્ય પણ છે અને ડિફેન્સ ટેકનોલોજી પણ છે.   પાકિસ્તાનને રેઢું મુકાય તોતે સીધું જ ચીનના ખોળામાં બેસી શકે છે.

પાકિસ્તાન તરફી અને વિરોધી નિર્ણયોના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ દિશાવિહીન લાગી રહ્યા છે. ટ્રમ્પ એડિમિનિસ્ટ્રેશનમાંથી છુટા પડયા બાદ  ટેસ્લા કાર ફેમ ઇલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સામસામી આક્ષેપબાજી ચાલી રહી છે. કહે છેને કે એક સમયના સાથી છૂટા પડે પછી મૌન રાખે ત્યાં સુધી ઠીક છે, પરંતુ જાહેરમાં લૂગડાં ધોવાનું શરૂ કરે ત્યારે અનેક રહસ્યો બહાર આવી જાય છે.

ટ્રમ્પનો પાકિસ્તાન માટે ઊભરાઈ આવેલો પ્રેમ પાકિસ્તાનમાં ધમધમી રહેલા ત્રાસવાદ તરફ આંખ આડા કાન કરવા સમાન છે.

Tags :