Get The App

કિંમતી ધાતુઓની તેજી હવે પ્લેટીનમ તથા પેલેડીયમ તરફ વળતા ઝડપી ઉછાળા

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
કિંમતી ધાતુઓની તેજી હવે પ્લેટીનમ તથા પેલેડીયમ તરફ વળતા ઝડપી ઉછાળા 1 - image

- પ્રસંગપટ

- મંથલી ભાવ ઉછાળામાં 40 વર્ષનો રેકોર્ડ તૂટયો

- પ્લેટીનમમાં ભાવ ઉછળી દસ વર્ષની ટોચે સપ્લાય ડેફીસીટ વધી દસ લાખ ઔંશ થઈ ગઈ

દેશના તથા દરિયાપારના ઝવેરી બજારોમાં તાજેતરમાં સોના તથા ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવ્યા પછી પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ તીવ્ર ઉછાલો તાજેતરમાં જોવા મળ્યો છે. પ્લેટીનમના ભાવ જે આ પૂર્વે ઔંશના ૧૦૦૦ ડોલર આસપાસ રહેતા હતા તે ટૂંકાગાળામાં ઝડપી ઉછળી ઉંચામાં ૧૪૦૦ ડોલરની સપાટી  વટાવી ગયા હતા. પ્લેટીનમ પાછળ પેલેડીયમના ભાવ પણ ઉંચકાઈ ઔંશદીઠ ૧૧૦૦ ડોલર ઉપર જતા રહ્યા હતા.  અગાઉ વિશ્વ બજારમાં પ્લેટીનમ કરતા પેલેડીયમના ભાવ ઉંચા બોલાતા થયા હતા.  જોકે એ વખતે આ બન્ને કિંમંતી  ધાતુઓના ભાવ વચ્ચેનો તફાવત ઓછો રહેતો હતો  પરંતુ હવે આ બન્ને કિંમતી ધાતુઓના ભાવ વચ્ચેનો તફાવત પણ વધ્યો છે. સોનાના વૈશ્વિક ભાવ ઉછળી ઉંચામાં ઔંશના ૩૫૦૦ ડોલર તથા ચાંદીના ભાવ વધી ઉંચામાં ૩૭ ડોલર ઉપર ગયા હતા હતા અને હવે પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પણ ઉંચા જતા જોવા મળ્યા છે. તાજેતરમાં પેલેડીયમના ભાવ એક સપ્તાહમાં ૮થી ૯ ટકા વધી જતાં વૈશ્વિક ખેલાડીઓનું લક્ષ આ કિંમતી ધાતુ તરફ ખેંચાયું હતું. પ્લેટીનમ તથા પેલેડીયમ ધાતુઓનો વપરાશ વિશેષરૂપે ઓટો ઉદ્યોગમાં વધુ થાય છે. આ પૂર્વે પેલેડીયમનો વપરાશ કરતાં ઓટો ઉત્પાદકો  પેલેડીયમને  બાજુ પર મૂકી પ્લેટીનમ તરફ વળ્યા હતા.  પરંતુ હવે પ્લેટીનમના ભાવ ઉંચા જતાં તથા પ્લેટીનમ અને પેલેડીયમના ભાવ વચ્ચેનો તફાવત વધી જતાં હવે ઓટો ઉત્પાદકો પ્લેટીનમના બદલે ફરી પેલેડીયમ તરફ વળી રહ્યાના સંકેતો મળ્યા હતા. આના પગલે હવે આગળ ઉપર પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વચ્ચેનો તફાવત ફરી ઘટવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યાહતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવપ મે મહિનાના અંતભાગથી ગણતાં તાજેતરમાં આશરે ૩૮ ટકા વધી ગયા હતા તથા ભાવમાં આવી ઝડપી ગતીની તેજીએ છેલ્લા ૪૦ વર્ષનો રેકોર્ડ તોડયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.  આના પગલે પ્લેટીનમનું ઉત્પાદન કરતી માઈનિંગ કંપનીઓના શેરોના ભાવ પણ ઉછળતા જોવા મળ્યા હતા.  મે મહિનાના અંતભાગમાં પ્લેટીનમના ભાવ ઔંશના આશરે ૧૦૦૦ ડોલર આસપાસ રહ્યા હતા તે ઉછળી ટૂંકાગાળામાં તાજેતરમાં ૧૪૦૦ ડોલર ઉપર જતા રહ્યા હતા. 

બેન્ક ઓફ અમેરિકાના જણાવ્યા મુજબ વૈશ્વિક સોનાના ભાવ ૨૦૨૬ સુધીમાં વધુ ૨૦ ટકા ઉંચા જવાની શક્યતા છે. આના પગલે વિશ્વ બજારમાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પણ વધુ ઉંચા જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ જૂનમાં આશરે ૨૭ ટકા વધતાં ૪૦ વર્ષનો રેકોર્ડ આવી મંથલી તેજીના પગલે તૂટયો છે. અમુક ઈન્વેસ્ટરો ઉંચા ભાવોએ સોનું વેંચીને પ્લેટીનમ ખરીદતા પણ જોવા મળ્યા હતા. પ્લેટીનમના ભાવ તાજેતરમાં વધી ૧૦ વર્ષની ટોચે પહોંચ્યા હતા. વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ પ્લેટીનમમાં તાજેતરમાં માગ સામે સપ્લાયની  શોર્ટેજ જોવા મળી હતી. ધી વર્લ્ડ પ્લેટીનમ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના જણાવ્યા મુજબ સતત ત્રણ વર્ષથી પ્લેટીનમમાં સપ્લાયની શોર્ટેજ વધી છે તથા આ વર્ષે આવી સપ્લાય  ડેફીસીટ વધી ૧૦ લાખ ઔંશ થઈ ગયાના વાવડ મળ્યા હતા.  પ્લેટીનમના વૈશ્વિક વાયદા બજારમાં તાજેતરમાં તેજીવાળાઓની પોઝીશન વધી છે.

વૈશ્વિક સ્તરે પ્લેટીનમનો વપરાશ વધારવા પ્લેટીનમ ગીલ્ડ ઈન્ટરનેશન દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે. ચીનની માગ પ્લેટીનમમાં વધી છે. બ્રિટન તથા ઝુરીચમાં પડેલો પ્લેટીનમનો જથ્થો તાજેતરમાં અમેરિકા તરફ રવાના કરવામાં આવ્યો હતો. તથા આના પગલે અમેરિકામાં પ્લેટીનમનો સ્ટોક ઝડપી વધી ગયાનું સૂત્રો જણાવી રહ્યા હતા. સાઉથ આફ્રિકાની પ્લેટીનમની ખાણોમાં પૂરનું પાણી આવતાં ઉત્પાદનને અસર પડી છે. પેલેડીયમના ભાવ વધી ૭ મહિનાની ટોચે પહોંચ્યા હતા.