- સરકારે અનેક સવલતો ઊભી કરવાની જરૂર છે
- પ્રસંગપટ
- વ્યકિત રીલેક્સ થવા પ્રવાસે જાય છે પરંતુ તેને પ્રવાસનો થાક લાગવા લાગે છે
રજાના દિવસોમાં બહાર ફરવા જવાની માનસિકતામાં વધારો થઇ રહ્યો છે.રોજીંદા કામોથી દૂર અને ફેમિલી સાથે બેસીને એન્જોય કરવાની તક દરેક ઝડપી લેવા મથતા હોય છે. લોકો રજાઓનું પ્લાનીંગ એડવાન્સમાં કરતા થયા છે. ટુર ઓપરેટરો પણ વિવિધ પ્લાન સાથે તૈયાર બેઠા હોય છે. ગૂ્ર બુકીંગ, ફેમિલી પોતાની જાતે ૨૫-૩૦ લોકોનું ટ્રાવેલ, હોટલ બુકીંગ વગેરે કરે છે. જેનું જેવું બજેટ એવું પ્લાનીંગ જોવા મળે છે.
ટાઉન લેવલે સંઘની પ્રથા છે જેમાં પરવડે તેવા ચાર્જ હોય છે. મધ્યમ વર્ગના દરેક લોકોને પ્રવાસ કરાવાય છે. જેમાં ચારધામ જેવી ૧૫-૨૦ દિવસની ધાર્મિક યાત્રાઓ પણ હોય છે. જેમાં મદિરો નજીક જાહેરાત કરીને પ્રવાસ ઇચ્છુક લોકોને આમંત્રવામાં આવે છે. કુંભમેળામાં મોટા ટુર ઓપરેટરાના બદલે નાના ટ્રાવેલ એજન્ટો વધુ લોકોને સ્નાન કરાવવા લઇ ગયા હતા. હરદ્વાર જેવી પવિત્ર જગા પર તો કથાનું આયોજન કરાય છે અને દરેક શ્રધ્ધાળુને પ્રવાસ કરાવાય છે.
ટ્રાવેલ એજન્ટ મોટો હોય કે નાનો પરંતુ તે કેવી સવલતો આપે છે તે જોવામાં આવે છે. તેની સવલતો અને નિયમિતતાનું આયોજન જોઇને તેની લોકપ્રિયતામાં વધારો થતો હોય છે અને લોકો તેમની ટુરમાં જવાનું વધુ પસંદ કરે છે. તેમ છતાં ફેમિલી સાથે ગૂ્રપમાં પ્રવાસ કરવાની મજા અનેક ગણી છે તે વાત સાથે સૌ સંમત થાય છે.
કેટલાક કાર કે બાઇક પર ગૂ્રપમાં પ્રવાસ કરે છે તો કેટલાક સાઇકલીંગ કરે છે તો કેટલાર પદયાત્રાના સંઘને પસંદ કરે છે.
હવે રજાઓના પ્રવાસની મજા ભીડ ભાડ વાળી સ્થિતિએ કંટાળા જનક બનાવી દીધી છે. પરંતુ રોડ પરનો ટ્રાફિક, હોટલ બુકીંગની ઝંજાળ, સારી હોટલોમાં જમવા માટેની લાઇનોમાં ઉભા રહેવું વગેરેના કારણે રજાનો એન્જોય કરવા નીકળેલા લોકો કંટાળીને એમ કહેતા થઇ જાય છે કે રજાની મજા બગાડી, તેના કરતાં ઘેર બેઠા હોત તો મજા આવત.
દરેક જાણે છે કે રજાના દિવસોમાં દરેક ધાર્મિક સ્થળો કે હવા ખાવાના સ્થળો પર પાર્કિગંથી માંડીને, હોટલના રૂમોથી માંડીને, સારૂં જમવાનું મેળવવા સુધીના સ્થળો પર ધક્કામુક્કી જોવા મળે છે. તેમ છતાં રજા એન્જોય કરવા લોકો બહાર જવાનું સ્થળ પસંદ કરવા પ્લાનીંગ કરતા હોય છે. પોતે ક્યા સ્થળે ગયા હતા તેની દરેક રસપૂર્વક ચર્ચા કરે છે પરંતુ ત્યાં તેને કેવી હાડમારીનો સામનો કરવો પડયો વાત ભાગ્યેજ કરે છે.
ચાર પાંચ દિવસની રજા એક સાથે આવતી હોય ત્યારે તેનું પ્લાનીંગ છ મહિના પહેલાં કરવામાં આવતું હોય છે. કુટુંબના સભ્યો કે ફ્રેન્ડ સર્કલને રજા લેવાનું કહેવાય છે. કેટલાક લોકો ટુર ઓપરેટરોની સાથે જવાનું પસંદ કરવાના બદલે પોતાની જાતેજ બધું આયોજન કરતા હોય છે. આવા એડવાન્સ આયોજન વિના પ્રવાસ કરવો મુશ્કેલ બની જાય છે.
પ્રવાસના આયોજન પાછળનો મૂળ હેતુ રોજીંદા કામોમાંથી મુક્ત થઇને આરામ કરવાનો હોય છે. લોકો એવો પ્રવાસ પસંદ કરે છે કે જ્યાં તે આરામથી રહી શકે. તેમનું ફેમિલી પણ રોજીંદા રસોડાંના કામકાજમાંથી થોડા દિવસ માટે મુક્તિ ઝંખતું હોય છે પરંતુ રજાઓના પ્રવાસનો આનંદ હવે પહેલાં જેવો રહ્યો નથી. લોકો લાંબા કે ટૂંકા પ્રવાસથી કંટાળતા થયા છે તેનું મુખ્ય કારણ ભીડભાડમાં વધારો થયો છે.
સત્તાવાળાઓ ટુરીઝમના પગલે ગામડાની અને ટાઉન લેવલ આર્થિક ક્ષમતા વધારવા માંગે છે પરંતુ ત્યાં આવતા પ્રવાસીઓને પાયાની સવલતો પૂરી પાડવાનું વિચારતા નથી.
વ્યકિત રીલેક્સ થવા રજાઓના સમયમાં પ્રવાસે જાય છે પરંતુ તેનો આશય સફળ થતો નથી અને તેને પ્રવાસનો પણ થાક લાગવા લાગે છે. વ્યકિત પ્રફૂલ્લિત થઇને પરત આવીને વધુ સારી ક્ષમતા સાથે કામ કરી શકે પરંતુ તે થાકીને આવે છે. કેટલાકને રજા બગડયાનો એહસાસ થાય છે. દરેક પ્રવાસ સ્થળે સરકારે પાર્કીંગ, રહેવાની સવલતો, સલામતીની વ્યવસ્થા વગેરે ઊભા કરવાની જરૂર છે.


