Get The App

કામાંધ વગદાર લોકોના ઘરે કામ કરતી મહિલાઓની સ્થિતિ દયનીય હોઈ શકે છે

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
કામાંધ વગદાર લોકોના ઘરે કામ કરતી મહિલાઓની સ્થિતિ દયનીય હોઈ શકે છે 1 - image


- ભૂતપૂર્વ સાંસદ પ્રજ્જવલને બળાત્કારના કેસમાં આજીવન કેદ

- પ્રસંગપટ

- કેસથી બચવા માટે પ્રજ્જવલ જર્મની ભાગી ગયો હતો. તેનાં વગદાર માતાપિતાને પણ સજા થવી જોઈએ તેવી માંગ

પોતાને ત્યાં કામ કરવા આવતી ફીમેલ વર્કરની આર્થિક મજબૂરીનો ગેરફાયદો ઉઠાવતા લોકોની કમી નથી. સામે પક્ષે, એવા અસંખ્ય પરિવારો છે, જ્યાં પોતાને ત્યાં કામ કરતા રસોઇયા, ડ્રાઇવરો, માળી, કચરા-પોતાં કરનારા વગેરે સાથે લોકો માયાળુ વર્તન રાખતા હોય છે અને લાંબા સમય કામ કર્યા પછી તેઓ ઘરના સભ્ય જેવા બની જાય છે. વારે તહેવારે તેમને જીવનજરૂરી ચીજો આપીને ખુશ કરવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યે અનેક કિસ્સા એવા છે જ્યાં મહિલા કર્મચારી કે ઘરે કામ કરવા આવતી મહિલા વર્કરને પર  ઘરના પુરૂષો મેલી નજરે જોતા હોય છે. તક મળે તો તેમનો ઉપભોગ કરે છે. અરે, બળાત્કાર જેવું જઘન્ય કૃત્ય કરતાં પણ અચકાતા નથી.

મોટાં ઘરોના પુરુષ સભ્યો નિરંકુશ બનીને વર્તતા હોય તેવા અનેક ઉદાહરણો છે. ઘરની ચાર દીવાલ વચ્ચે કામ કરતી મહિલા વર્કરની લાચારીનો લાભ લેવા તેમની આંખો સળવળતી હોય છે. તેઓ એવા કામાંધ બની જાય છે કે તેઓ પોતાનું સ્ટેટસ,  કુટુંબની માન-મર્યાદા બધું જ ભૂલી જાય છે. આક્રમક થઈ જતા આવા લંપટ પુરુષોનો મહિલા વર્કર વિરોધ કરી શકતી નથી. પૈસાદાર માલિક કાં તો પૈસાના જોરે એને ચુપ કરી દે છે અથવા એની વગ સામે તે મૌન થઈ જાય છે. આવી સ્થિતિમાં પછી કાં તો એ નોકરી છોડી દે છે અથવા તો, જો હિંમત એકઠી કરી શકે તો, એ પાલીસ ફરિયાદ કરવા તરફ આગળ વધે છે.

એવાય અનેક કેસ છે કે જ્યાં ફરિયાદી મહિલા વર્કરનું મોં બંધ કરવા અને ફરિયાદ પાછી ખેંચવા માટે પૈસા ચૂકવે છે. ધન પોતાની સાથે એક પ્રકારની નિરંકુશતા લેતું આવે છે. રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ ખુદને એક જુદા જ સ્તર પર જુએ છે. કંગના રનૌતની સૌથી પહેલી ફિલ્મ 'ગેંગસ્ટર'માં અભિનય કરનાર શાઈની આહુજાનો કેસ ખૂબ ચર્ચાયો હતો. એની વિરુદ્ધ એને ત્યાં કામ કરવા આવતી ૨૦ વર્ષની યુવતી પર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉગતા કલાકારે જાતે જ પોતાની કારકિર્દી પણ કુહાડો માર્યો હતો. જુન ૨૦૦૯માં તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને જામીન આપતી વખતે મુબઇમાં નહીં રહેવાનો આદેશ આપ્યો કર્યો  હતો. કેસમાં એવો ટર્ન આવ્યો હતો કે ફરિયાદી યુવતીએ છેલ્લે કહ્યું હતું કે મને નોકરી અપાવનાર મહિલાએ કંપલેઇન્ટ કરવા કહ્યું હતું જે ખોટી છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાનો પૌત્ર અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્નાને પોતાના ઘરે કામ કરતી ૪૭ વર્ષની મહિલા પર વારંવાર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઇ છે. પ્રજાના રક્ષક કહેવાતા લોકો જ ભાન ભૂલતા હોય છે.

એક સમયે પ્રજ્જવલને દેવગૌડા ફેમિલી મુખ્યપ્રધાન બનાવવા મથતું હતું. પ્રજ્જવલ સામે આવા જ બીજા ત્રણ કેસ ચાલી રહ્યા છે. આ બધા કેસીસથી બચવા એ જર્મની ભાગી ગયો હતો. ૨૦૨૪ના લોકસભા જંગમાં પ્રજ્જવલે કરેલી કામાંધ હરકતોનો વિડીયો ખાસ્સો વાઇરલ થયો હતો. 

પ્રજ્જવલે પોતાના કુટુંબની રાજકીય વગનો ઉપયોગ કર્યો હતો. જોકે કેસની તપાસ કરતી પોલીસે રાજકીય પ્રેશરની અવગણના કરી હતી અને પીડિતાને ન્યાય અપાવ્યો હતો. મહાનગરોના રેસિડેન્શિયલ કોમ્પલેક્સીસમાં ઝાડુ-પોંછાનું કામ કરતી મહિલાઓ ફ્લેટના પુરૂષોના સ્વભાવથી પરિચિત હોય છે. કેટલીય મહિલાઓ ઘરમાં મહિલા હાજર ન હોય તો કોઇ કામ કરવા જતી નથી.  પ્રજ્જવલના કેસમાં ૧૮૦ પાનાંની ચાર્જશીટ સાથે નજરે જોનારા ૨૬ સાક્ષીઓ પણ રજૂ કરાયા હતા. ૪૭ વર્ષની  ફીમેલ મેઇડ પર પહેલી વાર બળાત્કાર પ્રજ્જવલે ફેમિલીના ફાર્મ હાઉસ પર કર્યો હતો. પીડીત મહિલા કોર્ટમાં હાજર રહી ન શકે એટલે તેના પિતા અને  કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન એચ.ડી. રેવન્ના અને માતા ભવાનીએ તેનું અપહરણ પણ કરાવ્યું હતું. લોકોની માગણી છે કે પ્રજ્જવલની સાથે તેને છાવરનારાં તેનાં માતા-પિતાને પણ સજા કરવી જોઇએ. 

રાજકીય વગ ધરાવતા લોકો મહિલા વર્કર પર રોફ છાંટતા હોય છે. તેમને સરકારી નાકરી અપાવવાની લાલચ પણ આપતા હોય છે. કેટલીય મહિલાઓ આવી લાલચને વશ થઈ જતી હોય છે.

વચ્ચે મુંબઇમાં પોતાના ફ્લેટમાં કામ કરતા નોકર કે નોકરાણી  ઘરનો બાથરૂમનો ઉપયોગ ન કરી શકે તેવો અમુક લોકોએ આગ્રહ રાખતા વિવાદ થયો હતો. આવા નિર્ણયો લેનારા ફ્લેટમાલિકોનો જોકે નોકરોએ સાગમટે બહિષ્કાર કરીને ફ્લેટધારકોની સાન ઠેકાણે લાવી દીધી હતી. 

Tags :