- ભારતના રાજકારણમાં નંબર ટુ ઇઝ ઓલવેઝ ડેન્જરસ
- પ્રસંગપટ
- ચઢ્ઢાની જેમ અનેકને હટાવાયાં જેમ કે પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્વાસ, શાઝિયા ઇલમી, યોગેન્દ્ર યાદવ, આશુતોષ, અલકા લાંબા...
રાઘવ ચઢ્ઢા આજકાલ ટોકિંગ પોઇન્ટ બની ગયા છે. આમ આદમી પાર્ટી તરફથી ચઢ્ઢા પર અનેક આક્ષેપો થયા છે, તો સામે છેડે રાઘવ ચઢ્ઢાએ પણ દરેક આક્ષેપના જવાબ આપ્યા છે. અહીં એક હકીકત તરફ કોઇનું ધ્યાન નથી ગયું અને તે છે નંબર ટુ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. ભારતના રાજકારણમાં નંબર ટુને ઉભો થવા ન દેવો તે હોંશિયારી ગણાય છે. કોઇ નંબર ટુ હોય તો પણ તેને પ્રજાની નજરથી દૂર રખાય છે. પ્રાદેશિક પક્ષોના ટોચના નેતાઓ નંબર ટુને દૂર રાખવા સતત પ્રયાસ કરતા હોય છે.
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ નંબર ટુને દૂર કરવાની ખાસિયત ધરાવે છે. અણ્ણા હજારેના દિલ્હી ખાતેના લોકપાલ આંદોલનના તખ્તા પરથી શરૂ થયેલી પાર્ટીના ફાઉન્ડરો પૈકી એક પછી એક ક્યાંતો પક્ષને છોડી ગયા છે અથવા તો કેજરીવાલે તેમને સિફતપૂર્વક હટાવી દીધા છે. કેજરીવાલનો છેલ્લેા શિકાર રાઘવ ચઢ્ઢા હતા.
રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ડિલીવરી બોયની સમસ્યાઓ, એરપોર્ટ પર કોફીના ભાવો, ઇન્ટરનેટ ડેટાનો વેડફાટ વગેરે મુદ્દા ઉઠાવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, જેના કારણે કેજરીવાલ કરતાં રાઘવ ચઢ્ઢાનું નામ સમાચાર માધ્યમોમાં વધુ છવાયેલું રહેતું હતું. તેથી તેમને દૂર કરવાની ચાલ પડદા પાછળ શરૂ થઇ ગઇ હતી.
આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા નવીન જયહિંદે કહ્યું હતું કે રાઘવ ચઢ્ઢા કેજરીવાલનો ખાસ માણસ હતો તેતો ઠીક, પણ દિલ્હી અને પંજાબમાંથી દમ મારીને મેળવેલો પૈસો ચઢ્ઢા પાસે રહેતો હતો. પક્ષે ભેગો કરેલો પૈસો દુબઇ લઇ જવાના બદલે ચઢ્ઢા તેને લંડન લઇ ગયા ત્યારથી વિવાદ શરૂ થયો હતો. ટૂંકમાં, રાઘવ ચઢ્ઢા કેજરીવાલના વિશ્વાસુ અને પૈસાનો વહીવટ કરનાર વ્યક્તિ તરીકે પક્ષમાં ઓળખાતા હતા.
કેજરીવાલ સાથેના મતભેદના કારણે તેમને એક ખૂણામાં ધકેલીને એકલા પાડી દેવાયા છે. બીજી તરફ, ચઢ્ઢાની લોકપ્રિયતા તોડવા તેમને રાજ્યસભામાંથી આમ આદમી પાર્ટીના ડેપ્યુટી લીડરની પોસ્ટ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં આમ આદમી પાર્ટીએ એવું ચલાવ્યું હતું કે રાજ્યસભામાં અમારા નેતાને બોલવા નથી દેવાતા. જોકે આવી દલીલ લાંબી ના ચાલતા એમ કહેવાયું કે પક્ષના સભ્યોએ વડાપ્રધાન મોદી વિરૂધ્ધ બોલવાનું હતું પણ ચઢ્ઢા વડાપ્રધાન મોદીથી ડરતા હતા એમ લાગતું હતું.
એટલું ચોક્કસ છે કે કેજરીવાલની ઉપરવટ જઇને આગળ વધવા મથતા અનેક મહત્ત્વાકાંક્ષીઓને તેમણે ઠેકાણે પાડી દીધા છે. ૨૦૧૨માં કેજરીવાલે આમ આદમી પાર્ટી ઊભી કરી ત્યારે તે સમયે કેજરીવાલ જેને ગુરૂ કહેતા હતા તે હઝારેએ રાજકીય પક્ષમાં જોડાવાની ના પાડી હતી. શરૂઆતમાં હઝારેને માન અપાતું હતું, પછી તેમને પણ હટાવી દેવાયા હતા. એવી જ રીતે પ્રશાંત ભૂષણ , યોગેન્દ્ર યાદવ અને કુમાર વિશ્વાસ જેવા અનેક લોકોએ પોતાનો પક્ષ સમજીને આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે તેમની પાંખો કાપી નાખવામાં આવી હતી.
સ્વાતિ માલીવાલ પક્ષને વફાદાર હતાં. મે-૨૦૨૪માં તેમણે કેટલીક સ્પષ્ટતાઓ માંગતા મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસ પર કેજરીવાલના અંગત એવા વૈભવકુમારે એમને ફટકાર્યાં હતાં. એવીજ રીતે કૈલાશ ગેહલોટે પણ પક્ષ છોડયો હતો.
આપના ફાઉન્ડર પૈકીના એક શાઝિયા ઇલમીએ મે-૨૦૧૪માં એમ કહીને પક્ષ છોડયો હતો કે પક્ષ તેના મૂળ સિધ્ધાંતો વિરૂધ્ધ કામ કરી રહ્યો છે. તે પછી તેઓ ભાજપમાં જોડાયાં હતાં. અન્ય એક ફાઉન્ડર સભ્ય યોગેન્દ્ર યાદવને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ દૂર કરાયા હતા. તે પછી તેમણે પોતાનો પક્ષ સ્વરાજ ઇન્ડિયા ઊભો કર્યો હતો. આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશના કારણે સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણ પક્ષમાં જોડાયા હતા, પરંતુ યોગેન્દ્ર યાદવ સાથે તેમની પણ હકાલપટ્ટી થઇ હતી. બહુ બોલકા એવા પત્રકાર આશુતોષ પણ કેજરીવાલને તેમના પક્ષ પ્રમુખ થવાના અભરખાને જોઇને દૂર કરાયા હતા. કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર કપિલ મિશ્રાને પણ દરવાજો બતાવી દેવાયો હતો.આપનાં મુંબઇ ખાતેના નેતા અંજલિ દાલમિયાને પક્ષની કામગીરી શંકાસ્પદ લાગતા પક્ષ છોડયો હતો.
કુમાર વિશ્વાસે પક્ષની કાર્ય પ્રણાલી સામે અવાજ ઉઠાવતા તેમને રાજીનામું આપવું પડયું હતું. તેઓ નંબર ટુ બનવા સક્ષમ હતા તે જાણીને તેમને ઉગતાજ દબાવી દેવાયા હતા. અલકા લાંબાએ પક્ષ છોડીને કોંગ્રેસમા જતાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી નથી પણ ખાસ આદમી પાર્ટી છે. ટૂંકમાં, કેજરીવાલ નંબર ટુ ને જોખમી ગણતા આવ્યા છે.


