પાકિસ્તાનના હેકર્સને હંફાવી રહેલી ભારતીય સાયબર સિક્યોરીટી ટીમ
- સાયબર વોરમાં પાકિસ્તાન પરાસ્ત
- પ્રસંગપટ
- સાયબર એેટેક સાયલન્ટ હોય છે અને જો તેને અટકાવી ન શકાય તો તે મોટી ખાનાખરાબી સર્જી શકે છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધના હોકાટા-પડકારા સંભળાઈ રહ્યા છે ત્યારે જે ત્રાસવાદી સંગઠનોના જોરે પાકિસ્તાન કૂદી રહ્યું હતું તે સઘળાં દૂમ દબાવીને છૂ થઈ ગયાં છે. ભારતના સૈન્યે ભારતમાં છૂપાઈને ત્રાસવાદી પ્રવૃત્તિને ટેકો આપતા સ્લીપર સેલ્સનું પગેરું ચાંપીને તેમનો સફાયો શરૂ કરી દીધો છે. ભારતે જોકે હાલ પાકિસ્તાન સાથે સીધું યુદ્ધ કરવાને બદલે તેની સાથેના વેપાર સહિતના સંબંધો પર ચોકડી મારી દીધી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો ટકી રહ્યા હતા તેનું એક મોટું કારણ બન્ને દેશો વચ્ચે થતો વેપાર વિનિમય રહ્યો છે. હવે પાકિસ્તાન સાથે માલસામાનની લેવડદેવડ બંધ કરીને ભારતે ત્રાસવાદને ટેકો આપનારા આ દેશનું નાક દબાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં વહેતી નદીઓનાં જળ પર જે રીતે ભારતે લગામ દેવાનું શરૂ કર્યું છે તેનાથી દુશ્મન દેશમાં ઉથલપાથલ થઈ જવાની છે.
આ બધાની વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે ખુલ્લઆમ સાયબર વોર શરૂ થઇ ગઈ છે. બંને દેશના હેકર્સ દુશ્મન દેશની પ્રજાના રોજીંદા જીવન પર માઠી અસર કરવા માગે છે. ગયા અઠવાડિયે ઇન્ડિયા સાયબર ફોર્સ નામના ભારતીય હેકર્સના જૂથે પાકિસ્તાનની ગવર્નમેન્ટ અને સિંધ પોલીસની વેબસાઇટ હેક કરી હતી.
ભારતીય હેકર્સના જૂથે પાકિસ્તાનની પ્રાઇવેટ કંપનીઓ જેવી કે યુરો ઓઇલ, વેડા કોલ એજન્સી વગેરેની વેબ સાઇટો હેક કરીને તેમને ડરાવી મૂક્યા હતા. અહેવાલો અનુસાર પાકિસ્તાનના હેકર્સ જૂથ ટીમ અન્સેન પીકે દ્વારા ભારતની આર્મી કોલેજ ઓફ નર્સિંગની વેબસાઇટ હેક કરવામાં આવી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પણ સાયબર વોર સમાંતરે સતત ચાલતી રહી છે. રશિયાના હેકર્સ યુક્રેનિઅન હેકર્સ કરતાં વધુ સ્માર્ટ સાબિત થયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સાયબર વોરમાં ભારતીય હેકર્સ વ્યૂહાત્મક રીતે પાકિસ્તાનની સાઇટો હેક કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાનના હેકર્સ ટેકનોલોજીના મુદ્દે અજ્ઞાાની સાબિત થઇ રહ્યા છે.
પાકિસ્તાનના હેકર્સ ભારતની કોઇ વેબસાઇટ હેક કર્યા પછી તેના પર પાકિસ્તાની આર્મીનો સંદેશો લખીને ચૂપ થઇ જાય છે. આ હેકર્સ પાકિસ્તાની સંદેશો લખવાને મોટી જીત સમજે છે, પણ ભારતના હેકર્સ પાકિસ્તાનની વેબસાઇટોને કાયમ માટે ઠપ્પ કરી દે તેવા માલવેર મોકલે છે. ભારતીય હકર્સની ટીમે બલૂચિસ્તાન યુનિવર્સિટીની વેબસાઇટ હેક કરી ત્યારે હજારો વિદ્યાર્થી અટવાઇ ગયા હતા. પાકિસ્તાનની સરકારની મદદ લેવાને બદલે બલૂચિસ્તાન યુનિવર્સિટીએ ભારતીય હેકર્સના સંપર્કમાં રહીને સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી રહી હતી.
હવેનાં યુદ્ધોમાં સાયબર વોરની એન્ટ્રી થશે એવો ભય પાકિસ્તાન સાથેની આ વોરમાં સાચો પડી રહ્યો છે. ભારતે સાયબર સેના ઊભી કરવા માટે એજન્સીઓ તૈયાર રાખી છે. ભારતે પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમને એકથી વધુ વાર હેક કરી છે. બંને દેશના હેકર્સ કોડ અને કમાન્ડ મેળવવા જાળ બિછાવીને બેઠા હોય છે. ભારતના અધિકારીઓએ તાજેતરમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનના હેકર્સની ટીમે ભારતની મહત્ત્વના વેબસાઇટો પર હુમલા કર્યા છે. આ હુમલા જોકે અસરહીન કરી દેવામાં આવ્યા છે. આ હુમલાઓ એક્ઝેટલી ક્યાંથી થયા હતા તે પણ જાણી શકાયું છે.
દરમ્યાન ભારતના સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ દ્વારા 'રિપોર્ટ એન્ડ અપડેટ રીગાર્ડીંગ પહેલગામ ટેરર એટેક' નામની પીડીએફ ફાઇલ ઓનલાઇન સરક્યુલેટ કરી છે. પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા સાયબર હુમલાખોરોએ ભારતની સરકાર અને ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ કરી રહ્યા છે.
સાયબર અટેક સાયલન્ટ હોય છે અને જો તેને અટકાવી ના શકાય તો તે મોટી ખાનાખરાબી સર્જી શકે છે. પાકિસ્તાનના હેકર્સને ચીનની મદદ લઇ રહ્યું હોવાના અહેવાલો પણ છે. અલબત્ત, ભારતીય સાયબર સિક્યોરિટી નિષ્ણાતોએ તેમને હંફાવી દીધા છે.