Get The App

નીતીશકુમાર રાજ્યસભામાં જશે: ભાજપનો ગુગલી બોલ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
નીતીશકુમાર રાજ્યસભામાં જશે: ભાજપનો ગુગલી બોલ 1 - image

- નવો ચહેરો મુખ્યપ્રધાન પદે આવશે: વિવિધ અટકળો

- પ્રસંગપટ

- ગુંડાગીરી કરવી આસાન છે, પણ નીતીશ જેવા રાજકીય દાવપેચ શીખવા અઘરા: તેજસ્વીને સલાહ 

નીતીશકુમારને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે કંઈ પ્રમોશન નથી, પણ નીતીશકુમારને મુખ્યપ્રધાન પદેેથી વ્યૂહાત્મક રીતે ખસેડવામાં આવ્યા છે. ગુરૂવારે જ્યારે તેમણે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું ત્યારે તેમની જગ્યાએ નવો ચહેરો મુખ્યપ્રધાન પદે આવશે તે નક્કી થઇ ગયું હતું. અટકળો અનેક છે. નીતીશના પુત્રને તક આપવા સુધીની વાતો ઉડી છે. રાજકારણમાં સત્તા પર બેઠેલા કોઇને ખસેડવા હોય અને સાથે સાથે તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષા અને રાજકીય મોભો પણ જાળવી રાખવો હોય એને  રાજ્યસભામાં મોકલી આપવામાં આવે છે. રાજકીય સમીકરણો અકબંધ રાખવા કેટલાક ને રાજ્યપાલ તરીકે નિમવામાં આવે છે. 

બિહારમાં સૌથી વધુ દશ વાર મુખ્યપ્રધાન પદે રહી ચૂકેલા નીતીશકુમારનું આરોગ્ય તેમને સાથ આપતું નથી.  તેઓ અનેક વાર વિધાનસભામાં ચોક્કસ જવાબો આપી શકતા નહોતા. કેટલીક વાર તે વિધાનસભામાં ઝોકું ખાઇ લેતા જોવા મળ્યા હતા. બિહારમાં નવા મુખ્યપ્રધાન નિમવાની હલચલ લાંબા સમયથી ચાલતી હતી. છેલ્લે ૨૦૨૫માં  જનતાદળ (યુ) અને ભાજપના જોડાણે બિહારમાં બહુમતી સાથેની ભવ્ય જીત મેળવી ત્યારથી નીતીશકુમારને બદલવાની વાત પડદા પાછળ શરૂ થઈ ગઈ હતી. 

નીતીશકુમારના નજીકના સંબંધીઓ કહેતા હતા કે તેઓ તો રોજની ૧૦ મિટીંગો કરે છે, તેમની બિમાર હોવાની વાતો વિપક્ષ ચગાવી રહ્યો છે. હકીકત એ હતી કે બિહારના ટોચના અધિકારીઓ મિટીંગોમાં હાજર રહીને તેમને સહાય કરતા હતા. 

ચાર મહિના પહેલાં દસમી વાર મુખ્યપ્રધાન તરીકે શપથ લેનાર નીતીશકુમારને હવે રાજ્યસભામાં લઇ જવામાં આવ્યા છે. બિહારની જનતાને નીતિશકુમારને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા તેના કરતાં મુખ્યપ્રધાન પદે હવે કોણ આવશેે તે જાણવામાં રહેલો છે. ૧૬ માર્ચે રાજ્યસભાની ચૂંટણી થશે ત્યાં સુધી તેઓ મુખ્યપ્રધાન પદે ચાલુ રહેશે. બિહારમાં ભાજપ સૌથી વધુ વિધાનસભ્યો ધરાવતો પક્ષ હોઇ તેમનો ઉમેદવાર પણ મુખ્યપ્રધાન બની શકે છે. 

ભાજપ બિહારને ઉત્તરપ્રદેશની જેમ અસામાજીક તત્ત્વોના પ્રભાવમાંથી મુક્ત બનાવવા માંગે છે. ઉત્તરપ્રદેશથી ભાગેલા ગુંડાઆએેેે બિહારમાં આશ્રય લીધો છે.  રાજ્યસભામાં બિહારની પાંચ બેઠકો છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન,બિહાર ભાજપના પ્રમુખ શિવેશકુમાર, એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકમોર્ચાના ઉપેન્દ્ર કુશવાહા, જનતાદળ (યુ)ના  નેતા અને કેન્દ્રીય પ્રધાન રામનાથ ઠાકુરનો સમાવેશ થાય છે. પાંચમી બેઠક નિતીશકુમારના નામે કરાઇ છે.

કેન્દ્રીય રાજકારણ નીતીશ માટે નવી વાત નથી. ભૂતકાળમાં તે લોકસભા અને રાજ્ય સભા એમ બંનેનો અનુભવ કરી ચૂક્યા છે. તેઓ રેલ્વેપ્રધાન પણ રહી ચૂક્યા છે. બિહારમાં બે જણા પાસે જ સત્તાની ચાવી રહી છે - એક લાલુપ્રસાદ યાદવ અને બીજા નીતીશકુમાર. દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે બિહારમાં તેમનો ટેકો લેવો પડતો હતો. તેમની પાસે રાજકીય દાવપેચનો ખજાનો હતો. 

જેમને કિંગ મેકર કહેવાતા હતા તે લાલુપ્રસાદ યાદવે તેમના સત્તા વાંચ્છુ પુત્ર તેજસ્વીને એકવાર કહ્યું હતું કે ગુંડાગીરી કરવી આસાન છે, પણ નીતીશ જેવા રાજકીય દાવપેચ શીખવા તું તેમની સાથે બેસવાનું રાખ. તેજસ્વી જોકે નીતીશપાસેથી રાજકારણ શીખવાના બદલે તેમને ઉથલાવવામાં વ્યસ્ત રહેતો હતા.ે આજકાલ એ ફરી સત્તા મેળવવામાટે ફાંફા મારે છે.

દિવંગત જ્યોર્જ ફર્નાન્ડીસ અને જયપ્રકાશ નારાયણ સાથે કામ કરીને પોતાની રાજકીય કારકિર્દી તૈયાર કરનાર નીતીશકુમાર બિહારના લોકપ્રિય નેતા છે. રાજ્યસભામાં જવા માટે ખુદ નીતીશ અને જનતાદળ (યુ)ના નેતાઓને સમજાવવાનું કામ બહુ અઘરૃં હતું. દેખીતું છે કે જે સત્તા અને મોભો મુખ્યપ્રધાન પાસે છે તે રાજ્યસભાના સભ્ય પાસે ન જ હોય. છેલ્લા મહિનાથી નીતીશને સમજાવવામાં આવતા હતા. નીતીશકુમારના રાજ્ય સભામાં જવાથી  બિહારનાં રાજકીય સમીકરણોમાં ભાજપનો પ્રભાવ વધશે. ભાજપના પ્રમુખ બિહારી છે. સંભવત: એક સમય એવો આવશે કે સાથી પક્ષ જનતા દળ(યુ)નું ભાજપમાં વિલીનીકરણ થઈ જશે.