- ઓઇલની આયાત ઘટાડવાનો નવતર પ્રયાસ
- પ્રસંગપટ
- બ્રાઝિલમાં 1970ના દાયકાથી ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે : અનેક દેશોમાં નવી પોલિસી
દેશનું આર્થિક તંત્ર ઓઇલ પર આધારીત બની ગયું છે. ઓઇલ હવે ભારતના આર્થિક તંત્રનું કરોડરજ્જૂ બની ગયું છે. અખાતી યુધ્ધના પગલે ઓઇલ સપ્લાયના ધાંધીયા અને વઘતા ભાવોના પગલે ભારતનું અર્થતંત્ર વારંવાર ગૂંગળામણ અનુભવતું હતું.
ભારતે ઇલેકટ્રીક વ્હીકલના વપરાશને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં લીધા છે. લોકો પણ ઇવી વ્હીકલ ખરીદતા થયા છે. જેના કારણે પેટ્રેાલ-ડિઝલનો વપરાશ ઘટશે.
જોકે પેટ્રેાલ ડિઝલનો સીધો વપરાશ ઘટાડવાના એક ભાગ રૂપે ઇથેનોલના વપરાશ શરૂ કરવા વિચારાયું છે. જેને ફ્લેક્સ ફ્યૂઅલ વ્હીકલ (FFVs) કહે છે.એટલેકે ઇથેનોલ પર ચાલતા વ્હીકલ.
મારૂતિએ તાજેતરમાં ફ્લેક્સ ફ્યૂઅલ વ્હીકલ તરીકે વેગન આરનું મોડલ તૈયાર કર્યું છે. એવીજ રીતે હીરોએ પણ ફ્લેકસ ફ્યૂઅલ હેઠળ એચએફ ડિલ્ક્સ અને સ્પેલન્ડર પ્લસ બજારમાં મુક્યા છે. ટાટા મોટર્સ પણ આગામી વર્ષની શરૂઆતમાં ફ્લેક્સ ફ્યૂઅલ વ્હીકલ બજારમાં મુકશે.
આ વ્હીકલ ઇથેનોલ પર ચાલશે. જે લાંબે ગાળે ઓઇલની આયાત ઘટાડી શકે છે. ભારત કોઇ પણ હિસાબે ઓઇલની આયાત ઘટાડવા માંગે છે. ફ્લેક્સ ફ્યૂઅલ સિસ્ટમ વહારે આવી શકે છે. ફ્લેક્સ ફ્યુઅલ આધારીત પહેલું વ્હીકલ મારૂતિ અને હિરો મોટર કોર્પોરેશને બનાવ્યું છે.
વિશ્વ પ્રર્યાવરણ દિવસે ભારતે ઈ૮૫ (એટલે ૮૦થી ૮૫ ટકા ઇથેનાલ મિશ્રીત પેટ્રોલ ) ફ્યૂઅલની શરૂઆત કરીને ફ્લેક્સ ફ્યૂઅલ મોબિલીટી પર ભાર મુક્યો હોવાનું દેખાઇ આવે છે. ઇન્ડિયન ઓઇલ,બીપીસીએલ અને એચપીસીએલ પણ દિલ્હી-એનસીઆર, મુંબઇ, પૂણે અને નાગપુરમાં તબક્કાવાર ઈ૮૫ મળી રહે તેવી વ્યવસ્થા કરશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું છે કે શરૂઆતના તબક્કામાં દિલ્હી-એનસીઆર, મુંબઇ અને પૂણે તેમજ નાગપુરમાં ફ્લેક્સ ફ્યૂઅલ વ્હીકલના ઉપયોગમાં લઇ શકાય એવું E85 પચાસ જેટલા પેટ્રોલ પંપો પર મળી રહે તેવું કરાઇ રહ્યું છે.
વિશ્વ પર્યાવરણ દિવસ પર E85 બજાર માં મુકીને સરકારે વિશ્વનું તેમજ પર્યાવરણ પ્રેમીઓનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે. ભારત ઇથેનોલનો વપરાશ વધારીને ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ઈ૮૫માં ૮૦થી ૮૫ ટકા ઇથેનોલ અને ૧૫થી ૨૦ ટકા પેટ્રોલ હોય છે.
પેટ્રોલ અને ડિઝલ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા મથતા ભારતે તે દિશામાં E85 દ્વારા કદમ માંડયા છે. જેના કારણે બાયો ફ્યૂઅલ ઇકો સિસ્ટમને મજબૂત બનાવી શકાશે. કિસાનો અને ઉદ્યોગોને સસ્તું ઇંધણ પણ મળી શકશે.
ઈ૮૫ ની શરૂઆત કરાઇ ત્યારે ઓઇલની આયાત ઘટાડી શકનાર આ પ્રયોગના સાક્ષી બનવા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓઇલ માર્કેટીંગ કંપનીઓ માટે પણ આ નવી દિશાના એક ભાગ સમાન હતું.
સૌથી મોટી વાત તો એ છે કે E85 ની શરૂઆત સાથે દેશના કાર ઉત્પાદકોએ પોતાના ફ્લેક્સ ફ્યૂઅલ આધારીત નવા મોડલો મૂકવાની શરૂઆત કરી દીધી છે.
ઇથેનોલના વરારશ માટે ભારત છેલ્લા ઘણા સમયથી સંશોધન કરતું હતું. બ્રાઝિલમાં ૧૯૭૦ના દાયકાથી ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.
ભારતના માર્કેટમાં ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજીના પ્રોત્સાહન માટે કોઇ ઇકો સિસ્ટમ હજુ ઉભી થઇ નથી. મારૂતિના સીઇઓએ કહ્યું હતું કે કારના માર્કેટમાં અમે પ્રમુખ સ્થાને છીયે અને ભારતમાં વર્ષે દહાડે જ્યારે ૪૭ લાખ જેટલા વાહનો વેચીએ છીયે ત્યારે અમારી પણ ફરજ બને છેકે અમે નવા સંશોધનોને પ્રોત્સાહન આપીયે. હીરો મેાટર કોર્પોેરેશન પણ નવી ફેલ્કસ ફ્યૂઅલ ટેકનોલોજી અપનાવવા આગળ આવ્યું છે. આગામી વર્ષે અન્ય કંપનીઓ પણ સ્પર્ધામાં ઉતરશે તે નક્કી છે.
ભારતના લોકો પર્યાવરણ પ્રેમી છે. ઇલેકટ્રીક વ્હીકલ પણ લોકોએ અપનાવ્યા છે એમ ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજી આધારીત વ્હીકલ પણ અપનાવશે. ઇલેકટ્રીક ફોર વ્હીલર અપનાવનારા હજુ ચાર્જીંગની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. સરકારે નવા સંશોધનોની સાથે ચાર્જીંગ જેવી સુવિધાઓ પહેલાં ઉભી કરવાની જરૂર હતી.
ફ્લેક્સ ફ્યૂઅલ ટેકનોલોજી આવકાર્ય છે પરંતુ તેનો સપ્લાય પણ નિયમિત મળતો રહે તેવી સિસ્ટમ પણ ઉભી કરવી જોઇએ.


