Get The App

મધ્ય પ્રદેશમાંથી રોજની 28 છોકરીઓ ગાયબ થઈ જાય છે

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
મધ્ય પ્રદેશમાંથી રોજની 28 છોકરીઓ ગાયબ થઈ જાય છે 1 - image


- એમપીમાં છેલ્લા ત્રણ વર્ષમાં 31,000 મહિલાઓ ગુમ થઇ

- પ્રસંગપટ

- વેશ્યા વ્યવસાયમાં ધેકલી દેતી, ધર્મ પરિવર્તન કરાવતી  ટોળકીઓ માનવ તસ્કરીના ગંભીર અપરાધો કરે છે

દેશમાં મહિલાઓ અને બાળકો ગુમ થવાના સૌથી વધુ કિસ્સા મધ્યપ્રદેશમાં નોંધાયા છે. મધ્યપ્રદેશમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૩૧,૦૦૦ કરતાં વધારે મહિલાઓ ગુમ થઇ હોવાના અહેવાલો આંચકાજનક છે. આમાંથી ૨૮,૯૫૭ સ્ત્રીઓ અને ૨૯૪૪ છોકરીઓ છે, જે ૨૦૨૧થી ૨૦૧૪ વચ્ચે લાપતા થઈ છે. મધ્યપ્રદેશની વિધાનસભામાં આ આંકડા આપવામાં આવ્યા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડના આ આંકડા તાજેતરમાં સંસદમાં પણ રજૂ કરાયા હતા. કોઇ રાજ્યમાં મહિલાઓ આટલી મોટી સંખ્યામાં ગુમ નથી થતી.

સત્તાવાર ડેટા કહે છે કે રોજની ૨૮ છોકરીઓ અને ત્રણ છોકરાઓ રાજ્યમાંથી ગુમ થાય છે. આ અતિ ગંભીર બાબત છે. તેમ છતાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ ૭૨૪ ફરિયાદો જ નોંઘાઇ છે. મહાકાલેશ્વર મંદિરે ઉજ્જૈનને ભારતભરમાં પ્રસિદ્ધ કર્યું છે. આ ઉજ્જૈનમાં છેલ્લા ૩૪ મહિનાઓમાં ૬૭૬ મહિલાઓ ગુમ થઇ છે, પરંતુ કોઇ ફરિયાદ નોંધવામાં નથી આવી. ઇન્દોરમાં ૨૩૮૪ છોકરીઓ ગુમ થયાના કેસ નોંધાયા છે, જે મધ્યપ્રદેશના તમામ જીલ્લાઓમાં સૌથી વધુ સંખ્યા છે. ઇન્દોરમાં મહિને ૪૭૯ મહિલાઓ ગુમ થાય છે, પરંતુ માત્ર ૧૬ કેસ નોંધાય છે. એક આરટીઆઇ અનુસાર ૨૦૨૨ના વર્ષમાં રોજનાં ૩૨ બાળકો ગુમ થતાં હતાં, જેમાં ૨૪ છોકરીઓ હતી. 

દેશમાં મહિલાઓ  અને છોકરીઓ ગુમ થવાના આંકડા તપાસ માંગી લે એવા છે. જેમ કે, ૨૦૧૯થી ૨૦૨૧ સુધીમાં ૮૨,૦૮૪ છોકરીઓ ગુમ થઇ હતી. મિસિંગ વુમન નામથી એક રિપોર્ટ સંસદમાં મુકવામાં આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પ. બંગાળ જેવા રાજ્યોમાંથી ગુમ થતી છોકરીઓના અહેવાલો હતા. આ બધામાં મધ્યપ્રદેશની સંખ્યા સૌથી મોટી હતી.

મધ્યપ્રદેશના સત્તાવાળાઓ ૩૬,૧૦૪ મહિલાઓને શોધવામાં નિષ્ફળ ગયા હતા. એક અહેવાલમાં જણાવ્યું હતું કે ઇન્ટર-કાસ્ટ મેરેજથી ત્રસ્ત મહિલાઓ ભાગી જાય છે, જ્યારે અપંગ છોકરીઓને મા બાપ છોડી દેતા હોય છે. મેમરી લોસ વગેરેથી ગુમ થતી મહિલાઓ ઓછી સંખ્યામાં છે, પરંતુ ગુનેગારોની ટોળકીમાં ફસાયેલી  કે વેશ્યાગીરીમાં ખેંચી જતી ટોળકી દ્વારા માનવ તસ્કરીનો ભોગ મહિલાઓ મોટા પ્રમાણમાં છે. કેટલીક અતિ ગરીબ મહિલાઓ નિયમિત ખાવા-પીવાની લાલચનો ભોગ બનતી હોય છે. કેટલીક ધર્મ પરિવર્તનન કરાવનારાઓની પકડમાં આવી જાય છે.

કેટલીક વાર ઘર છોડીને ભાગેલી મહિલા પાછા ફરતાં ડરે છે, કેમ કે કુટુંબીજનો તેનો સ્વીકાર કરવાના બદલે ફટકારતા હોય છે. 

દેશમાં પુરૂષો કરતાં સ્ત્રીઓની સંખ્યા થોડી ઓછી છે, તેથી યુવતીઓનું અપહરણ કરીને તેમને દૂરનાં રાજ્યોનાં ગામડામાંં  પરણાવી દેવામાં કિસ્સા પણ ખૂબ બને છે. તેમના કુટુંબીજનો દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા કરે છે અને પછી નસીબને દોષ  દીધા કરે છે. બીજી તરફ, અપહરણ કરીને અન્યત્ર પરણાવી દેવાયેલી યુવતીની પરત ફરવાની તૈયાર હોતી નથી, કેમ કે તેનો તેને ખબર હોય છે કે પોતે 'કલંકિત' થઈ ગઈ હોવાથી બીજો કોઈ પુરુષ એનો સ્વીકાર નહીં કરે. 

નાની ઉંમરની છોકરીઓને કાં તો કોઈની સાથે પરણાવી દેવાય છે, નહીં તો વેશ્યાગીરીના ધંધામાં ધકેલી દેવાય છે. યુવતીને ઊંચકીને લઇ જઇને તેનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવી દેતી ટોળકીઓ પણ સક્રિય  છે. 

મધ્યપ્રદેશના અંતરિયાળ ગામોમાં નાની છોકરીઓ અને યુવતીઓની સલામતીના પ્રશ્ને કડક પગલાં લેવાનો સમય પાકી ગયો છે. શિક્ષણનો અભાવ પણ મહિલાઓના ગુમ થવા પાછળનું મહત્ત્વનું કારણ છે. અભણ છોકરીઓ  પરિસ્થિતિની સામનો કરી શકતી નથી. અરે, અમુક છોકરીઓને તો પોતાના વતનના સરનામાની પણ ખબર હોતી નથી. 

મધ્યપ્રદેશની સરકારે વિશેષ પગલાં લઇને ગુમ થતી મહિલાઓને બચાવવાની જરૂર છે. તેમનું અપહરણ કરતી ટોળકી પર નજર રાખીને આખું નેટવર્ક પકડવાની જરૂર છે.

મહીલાઓ ગુમ થવાનાં કારણો ઘણાં છે. આ સમસ્યા અતિ ગંભીર છે.

Prasangpat

Google NewsGoogle News