- સ્થાનિક રોકાણકારોએ 7.88 લાખ કરોડ ઠાલવ્યા
- પ્રસંગપટ
- વૈશ્વિક રોકાણકારાનેે અમેરિકન કંપનીઓએ છેલ્લાં ચાર વર્ષમાં સારું એવું વળતર આપ્યું છે
એક સમય હતો કે જ્યારે વિદેશના રોકાણકારો શેરબજારમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચતા હતા ત્યારે બજાર પર તેની સીધી અસર થતી હતી. બજાર કડડભૂસ થવાના અનેક કારણોમાં મુખ્ય કારણ વિદેશી રોકાણકારોએ રોકાણ પાછું ખેંચવાની શરૂઆત કરી તે હોઇ શકે છે.
૨૦૨૬માં વિદેશી રોકાણકારોએ બે સેશનમાં ૭,૬૦૮ કરોડ રૂપિયા પાછા ખેંચતા શેરબજાર પર તેની અસર થવી જોઇતી હતી, પરંતુ એવું કશું જોવા નહોતું મળ્યું, કેમ કે ભારતમાં સ્થાનિક રોકાણકારોએ મૂડીરોકાણ ચાલુ રાખ્યું છે. ભારતના સ્થાનિક રોકાણકારોે ૭.૮૮ લાખ કરોડ રૂપિયા બજારમાં ઠાલવ્યા છે.
કેટલાક નિષ્ણાતો કહેતા હતા કે વિદેશી રોકાણકારો ભારતમાં પ્રવેશ કરશે અને શેરબજારમાં ઉછાળા જોવા મળી શકે છે. જોકે આવી વાતો ટેબલ સ્ટોરી સમાન સાબિત થઇ હતી. વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં પણ ભંડોળ પાછું ખેંચવાનું ચાલુ રાખ્યું હતું. વિદેશી રોકાણકારો ૨૦૨૫ કરતાં ૨૦૨૬માં વધુ રોકાણ કરવા વિચારશે, કેમ કે ભારતના અર્થતંત્રમાં સુધારો જોવાઇ રહ્યો છે એવી વાતો નિષ્ણાતો કરતા હતા, પરંતુ પહેલાં બે સેશનમાંજ વિદેશી રોકાણકારોે તેમની ચાલ સ્પષ્ટ કરી દીધી હતી.
રોકાણકારોએે ભારતનો ગ્રોથ નજરમાં રાખીને રોકાણ કરતા હોય છે, પરંતુ મહત્ત્વના એવા એઆઇ (આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સ) કે સેમિકન્ડકટર ક્ષેત્રોમાં ભારત હજુ બહુ કાઠંુ કાઢી શક્યું નથી, તેથી રોકાણકારો આ મામલામાં ભારત તરફ ખાસ વળ્યા નથી. વિદેશી રોકાણકારોએ ૨૦૨૫માં ઘણું નિરાશાજનક ચિત્ર બતાવ્યું છે. છેલ્લાં ૧૫ વર્ષમાં સૌથી વધુ નબળાઇ ૨૦૨૫માં બતાવી હોવાનું મનાય છે. ભારતના શેરબજારની ટોટલ માર્કેટ કેપને પણ ફટકો પડયો હતો. ટોટલ માર્કેટ કેપ ૧૭ ટકા નીચે ઉતરી ગઇ હતી.
વિદેશના રોકાણકારો શા માટે ભારતના શેર બજારમાંથી રોકાણો પાછા ખેંચી રહ્યા છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતનાં અન્ય ક્ષેત્રો વિદેશના રોકાણકારોમાં ભરોસો ઊભો કરી શક્યા છે. ભારતનું આર્થિક તંત્ર નબળું છે માત્ર એમ કહીને વિદેશી રોકાણકારો ભંંડોળ પાછું નથી ખેંચતા, પણ તેઓ અન્ય કારણોને પણ ધ્યાનમાં લે છે. આવકનો ગ્રોથ અન્ય શેર માર્કેટમાં વધારે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, રીલાયન્સ અને એનવિડીયા. રીલાયન્સના શેરનો ભાવ ૧૯.૭૭ ટકા વધ્યો છે, જ્યારે તેની નેટ ઇન્કમ ૧૦ ટકા વધી છે. બીજી તરફ, એનવિડીયાના શેરોએ ૨૭.૩૨ ટકા રીટર્ન આપ્યું છે અને તેની નેટ ઇન્કમમાં ૫૯.૧૮ ટકાનો ગ્રોથ નોંધાયો છે. તેના કારણે રોકાણકારો વધુ નેટ ઇન્કમ તરફ વળે છે.
એવી જ રીતે ડોલર સામે તૂટતો રૂપિયો પણ ખલનાયક બનીને સામે આવ્યો છે. ભારતનું શેરબજાર ભલે તેજી બતાવે, પણ નબળો રૂપિયો મજબૂત બજારનો સંકેત નથી આપતો તે હકીકત પણ વિદેશી રોકાણકારોની પીછેહઠ માટે જવાબદાર કહી શકાય.
૨૦૨૪-૨૫માં અમેરિકાના વ્યાજદર ઊંચા રહ્યા હતા. રોકાણકારોને તેમાં બહુ જોખમ નજરે નહોતું પડતું. પરિણામે ભારતમાં વિદેશી રોકાણનો ફ્લો મંદ પડતો ગયો હતો. રોકાણકારો સેમિકન્ડકટર, ક્લાઉડ કોમ્પ્યુટીંગ કંપનીમાં રોકાણ વધુ કરે છે. આ ક્ષેત્રોમાં ભારતનું પ્રભુત્વ હજુ વધ્યું નથી. ભારતનો ગ્રોથ મજબૂત છે તે સ્વીકાર્ય છે. ભારતમાં વપરાશકારો વધુ છે, કંપનીઓનું ઉત્પાદન પણ વધુ છે, ફાયનાન્શિયલ સર્વિસ પણ બહુ સારી છે, પરંતુ તે સ્થાનિક સ્તરે છે તેની ઉપજ વિદેશના બજારોમાં ના થઇ શકે. એફઆઇઆઇ સેકન્ડરી માર્કેટમાં રસ રાખે છે તેમજ વળતર આપતા આઇપીઓમાં રોકાણ કરે છે. ગ્રો, લેન્સ કાર્ટ વગેરેમાં વિદેશના રોકાણકારોને વધુ રસ હોય છે.
અમેરિકન કંપની માઇક્રોસોફ્ટે ૨૦ ટકા રીટર્ન આપ્યું છે, તો એનવિડીયાએ ૩૫ ટકા રીટર્ન આપ્યું છે. એવી જ રીતે એમેઝોન, મેટા,આલ્ફાબેેટ, ટેસ્લા વગેરેે રોકાણકારોને ઘરની કંપની જેવા લાગે છે. આને પક્ષપાત્ પણ કહી શકાય. અમેરિકનોનો રવૈયો પોતાના દેશની કંપનીઓમાં રોકાણ કરવાનો રહ્યો છે. વૈશ્વિક સ્તરના રોકાણકારો અમેરિકામાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે, કેમકે છેલ્લાં ચાર વર્ષમાં અમેરિકન કંપનીઓેએ વધુ વળતર આપ્યું છે. ડોલર મજબૂત બન્યો છે અને ફેડરેલ બેંકે કંપનીઓની અપેક્ષા પ્રમાણેનું કામ કર્યું છે. તેમ છતાં ભારતનાં નવાં સ્ટાર્ટઅપ્સને રોકાણકારોેએ બહુ મહત્ત્વ આપ્યું છે તે ભૂલવું ના જોઇએ.


