Get The App

આજા ફસાજા કંપની જેવા શેરબજારના ફીનફલ્યૂએન્સરો સામે તવાઇની જરૂર

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
આજા ફસાજા કંપની જેવા શેરબજારના ફીનફલ્યૂએન્સરો સામે તવાઇની જરૂર 1 - image

- રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવે છે

- પ્રસંગપટ

- શેરબજારને સમજવું બહુ અઘરૃં છે, ઘણા ઇન્ફલ્યૂએન્સરોનો બિઝનેસ લોકોને આંબલી-પીપળી બતાવીને ધૂતવાનો હોય છે

શેરબજારમાં નાણા રોકવાની ટીપ્સ આપનારાનો રાફડો ફાટયો છે. ઘેરબેઠા વધારાની આવક મેળવવાના સપનાં જોનારા તેમાં ફસાય છે અને બચત ગુમાવે છે. સોશ્યલ નેટવર્ક પર સતત આવા ઇન્ફલ્યૂએન્સરો ભટકાયા કરે છે અને લોકોને ફસાવ્યા કરે છે. હવે આવા ઇન્ફલ્યૂેન્સરોના વેશમાં સાયબર ક્રાઇમ કરનારા ઘૂસી ગયા છે. સાયબર ક્રાઇમ કરનારા વિવિધ મુદ્દે લોકોને ફસાવે છે તેમાં હવે શેરબજારમાં રોકાણની લાલચ પણ મોખરે છે. 

શેરબજારના ઇન્ફલ્યૂએન્સરો અનેકવાર પકડાયા છે. પરંતુ સેબી એડવાન્સમાં કોઇ કડક પગલાં ભરતી નથી. સેબી પાસે કોઇ વોચડોગ જેવી સિસ્ટમ નથી કે જેથી લોકો ધૂતારોની સ્કીમથી દૂર રહે. કેટલાક ઇન્ફલ્યૂએન્સરો શેરબજારમાં કોવી રીતે રોકાણ કરવું અને રોજના ઘેર બેઠા ૧૦,૦૦૦ રૂપિયા કમાવવાની ટ્રીક્સ સમજાવે છે. આવા લોકો કોઇ ફી લેતા નથી એટલે લોકોને વિશ્વાસ ઉભો થાય છે. 

શેરબજાર અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલું હોય છે. તે લજામણીના છોડ જેવું હોય છે. જેના પાંદડાને ટચ કરતાં સાથેજ તે સંકોચાઇ જાય છે, એમ શેરબજાર આંતરીક અને બાહ્ય પરિબળોની નેગેટીવ અસરો આગળ સંકોચાઇ જાય છે.

શેરબજારને સમજવું બહુ અધરૃં છે. તેને ઇન્ફલ્યૂએન્સરોનો બિઝનેસ લોકોને આંબલી-પીપળી બતાવીને ધૂતવાનું હોય છે. આવા લોકો સાથે સાયબર ક્રિમિનલ્સનું નેટવર્ક પણ જોડાયેલું હોઇ શકે છે. કોને રોકાણમાં બહુ રસ છે તે ઇન્ફલ્યૂએન્સરો પાસેથી આસાનીથી જાણી શકાય છે.

સેબીમાં રજીસ્ટર્ડ હોય એવા લોકોજ રોકાણ માટે ગાઇડ કરી શકે છે. તેમના માટે ખાસ આચાર સંહિતા બનાવાઇ છે. જોકે સોશ્યલ નેટવર્ક પર સલાહ આપાનારા પૈકી ૯૦ ટકા સેબી રજીસ્ટર્ડ નથી હોતા. આવા ૯૦ ટકા શેરબજારમાં રોકાણ કરનારા માટે જોખમ સમાન બની જાય છે.

તાજેતરમાં સેબીએ ફિનફલ્યૂએન્સર અવધૂત સાઠે અને એમની ટ્રેડીંગ એકેડેમી પર પ્રતિબંધ મુક્યો છે. તે માર્કેટ ટ્રેઇનર તરીકે જાણીતા હતા અને તે માત્ર નફો કરતા શેરોનો જ વહિવટ કરતા હતા. તેમની એકેડેમીએ એવી છાપ ઉભી કરી હતી કે તેમની ટીપ્સ પ્રમાણે ચાલનારા નફો કરે છે. સેબીએ તેમના પર પ્રતિબંધ મુકતા ઓર્ડરમાં લખ્યું છે કે તે અને તેમની કંપની શેરબજારમાં રોકાણની સલાહ આપતી રજીસ્ટર્ડ કંપની નથી. અહેવાલો અનુસાર સાઠે અને અવધૂત સાઠે ટ્રેડીંગ કંપનીએ કરોડો રૂપિયા કમાયા છે. તેમની સંપત્તિની તપાસ શરૂ કરાઇ છે.

મધ્ય મુંબઇની દાદર ચાલમાં જન્મેલા અવધૂત સાઠેેએ મુંબઇમાં એન્જીન્યરીંગની ડિગ્રી મેળવ્યા પછી સિંગાપુર જઇને આઇટી ક્ષેત્રમાં જોબ કરી હતી. ત્યાંથી ૨૦૦૭માં પરત આવ્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન પરોવ્યું હતું. ૨૦૦૮માં સાઠે ડ્રેડીંગ શરૂ કરીને ૧૭ સેન્ટરો શરૂ કર્યા હતા. તેમના અભ્યાસ ક્રમમાં ટેકનીકલ એનાલીસીસ, સાયકોલોજી, યેાગ અને મોટીવેશન જેવા વિષયો રહેતા હતા. દેશ વિદેશના લોકો શેરબજાર ટ્રેડીંગ શીખવા તેમાં જોડાતા હતા.

તેમની યુટયુબ ચેનલના ૧૦ લાખ જેટલા સબસ્ક્રાઇબરો હતા. તેમની વેબસાઇટ અનુસાર તેમના ત્રણ મહિનાના ટ્રેનીંગ ક્લાસની ફી ૨૧,૦૦૦થી ૧.૭ લાખ જેટલી હતી.

૨૦૨૩માં જ્યારે એક ટ્રેડીંગ સેશનમાં મળેલી સફળતાના પગલે સાઠે વિડિયો પર નાચતા દેખાતા જોયા બાદ શેરબજારના અન્ય રોકાણકારો તેમની તરફ આકર્ષાયા હતા. સેબીએ તેમની સામે આક્ષેપ કર્યો છે કે ૩.૭ લાખ જેટલા રોકાણકારોને ચોક્કસ શેરેામાં રોકાણની ભલામણ કરીને તેમના ૬૦૧.૩૭ કરોડ ભેગા કર્યા હતા. તે સેબીમાં રજીસ્ટર્ડ ના હોવા છતાં તે શેેરબજારમાં રોકાણની સલાહ આપતા હતા.

આવા તો અનેક ફીન ફલ્યૂએન્સર સોશ્યલ નેટવર્ક પર જોવા મળે છે. સેબી પાસે કોઇ વોચ ડોગ એવા નથી કે જે રજીસ્ટર્ડ વિનાના સલાહકારોને પકડી શકે. સેબી માન્ય એમ લખેલા સલાહકારો પણ જોવા મળે છે પરંતુ તે ફ્રોડ કરનારા હોય છે. સાઠેની કંપની ૨૦૨૩થી રોકાણકારોને સલાહ આપવાનું કામ કરતી હતી છતાં તે સેબીની તપાસના રડારમાં આવી શકી નહોતી.

અનેક ફીનફલ્યૂએન્સર આજા ફસાજા કંપની જેવા હોય છે. તે લોકો પેની સ્ટોકનું પણ માર્કેટીંગ કરીને રોકાણકારોમાં લાલચ ઉભી કરીને તેમને ફસાવતા હોય છે.