Get The App

પ્રાઇવેટ સ્કૂલોના આડેધડ ફી વધારા સામે દિલ્હી સરકારના કડક પગલાં

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
પ્રાઇવેટ સ્કૂલોના આડેધડ ફી વધારા સામે દિલ્હી સરકારના કડક પગલાં 1 - image

- ફી વધારતી સ્કૂલોને 10 લાખ સુધીના દંડની જોગવાઇ

- પ્રસંગપટ

- કેટલાક સંચાલકોએ તો લૂંટવા બેઠા હોય એમ બિન્ધાસ્ત બનીને 50 ટકા જેટલી ફી વધારી દીધી છે

દિલ્હી, બેંગલુરૂ, હૈદ્રાબાદ જેવા શહેરોમાં ઘેર ઘેર શૈક્ષણિક ફીમાં કરાયેલા ૧૦ ટકાના વધારાની ચર્ચા થઇ રહી છે.  સ્કુલના સંચાલકોને કોઇ કહેનાર નથી અને કોઇનો તેમને ડર ના હોવાથી મનમાની કર્યા કરે છે. આમ, તો દરેક પ્રાઇવેટ સ્કુલ સરકારના શિક્ષણ ખાતાની મંજૂરીથી ચાલતી હોય છે. પરંતુ સરકાર તેમના કાઇ કામમાં ચંચુપાત કરી શકતી નથી. કેટલાક સંચાલકો તો લૂંટવા બેઠા હોય એમ ૫૦ ટકા જેટલી ફી વધારી દીધી છે.

આ સંચાલકો બિન્ધાસ્ત રીતે કહે છે કે અમે કોઇને બોલાવવા નથી જતા.તમારા સંતાનને સારું શિક્ષણ જોઇતું હોય તો અમારી ફી ભરો નહીંતર અમને ભૂલી જાવ. દરેક વાલી તેમના સંતાનને સારૃં શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરે છે. પરંતુ તેમને પરવડે એવી ફી નથી હોતી અને સ્કૂલો વાળા વિના રોકટોક ફી ઉધરાવે જાય છે. દિલ્હીમાં વાલીઓનો રોષ વધુ જોવા મળી રહ્યો છે. ત્યાં વાલીઓ મેદાનમાં આવી ગયા છે અને આડેધડ ફી વધારતી  સ્કુલો સામે દેખાવો ચાલી રહ્યા છે.

દિલ્હીની ડાયરેક્ટોરેટ ઓફ એજ્યુકેશનની ઓફિસ સામે પણ વાલીઓે દેખાવો કર્યા હતા. દિલ્હીના દ્વારકાની દિલ્હી પબ્લીક સ્કુલ સામે જેમ દેખાવો કરાયા એમ દિલ્હી એનસીઆરની સ્કુલો સામે પણ દેખાવો કર્યા હતા.

જે સ્કુલો સરકારની ગ્રાન્ટ કે અન્ય સહાય નથી લેતી. તે તો દિલ્હીના કોઇ પ્રધાનની એડમીશન માટેની ભલામણની ચીઠ્ઠી પણ નથી ચલાવતી. આવી સ્કુલોના સંચાલકો વગદાર લોકો હોય છે અને શિક્ષણ ખાતાના તમામ મોં તેમણે પૈસાથી સીવી દીધા હોય છે.

ગયા  વર્ષે ફી બાબતે બહુ વિવાદ થયો એટલે મામલો કોર્ટમાં પહેંચ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો કે સ્કુલો જે ફી વધારવા માંગતી હોય તો તેણે ૧૯૭૩ના દિલ્હી સ્કુલ એજ્યુકેશન એક્ટ એન્ડ રૂલ હેઠળ ફીનું સ્ટેટમેન્ટ આપવું પડશે અને દિલ્હી એજ્યુકેશન બોર્ડે તેપર ધ્યાન આપવું પડશે.

કર્ણાટકની સરકારે પણ પ્રાઇવેટ સ્કુલોના ફી વધારા સામે લાલ આંખ બતાવી હતી. કર્ણાટકની સરકારે કહ્યું છે કે દરેક સ્કુલે પોતાની ફીનું માળખું જાહેરમાં  લખીને મુકવું પડશે. તેમજ વાલીઓની ફરિયાદનું રજીસ્ટર પણ રાખવું પડશે. પરંતુ કર્ણાટકની સરકાર ફીની કોઇ મર્યાદા નક્કી કરી શકી નહોતી.

દિલ્હીની સરકારે પ્રાઇવેટ સ્કુલોએેે બેફામ રીતે વધારેલી ફી સામે કાયદેસરના પગલાં લેવાની શરૂઆત કરી છે. દિલ્હીમાં શરૂ થયેલા ચોમાસુ સત્રમાં એજ્યુકેશન બીલ લાવી રહી છે જેમાં આડેધડ ફી વધારતી સ્કુલો સામે દંડની જોગવાઇ છે.

દિલ્હીની કેબીનેટે જે જાહેરનામું બહાર પાડયું છે તેમાં સરકારીની મંજૂરી લીધા વિના ફી વધારતી સ્કૂલોને ૧૦ લાખ સુધીના દંડની જોગવાઇ છે અને જો તે દંડ ૨૦ દિવસમાં ના ભરે તો બમણો દંડ વસુલાશે. દરેક રાજ્ય પ્રાઇવેટ સ્કૂલોના ફી વધારાથી ત્રસ્ત છે પરંતુ કોઇએ પણ દિલ્હીએ લીધેલા કડક પગલાં નથી લીધા.

જે રીતે પ્રાઇવેટ સ્કુલો સારા શિક્ષણના નામે લાખો રૂપિયાની ફી લે છે તો પછી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ કેવી રીતે સારૃં શિક્ષણ મેળવી શકશે?

જેમ પ્રાઇવેટ હોસ્પિટલો લોકોને લૂંટે છે એમ પ્રાઇવેટ સ્કુલોનું છે. આવા મહત્વના ક્ષેત્રો પર સરકારનો કોઇ અંકુશ નથી તે કમનસીબી કહી શકાય. સરકારી હોસ્પિટલોમાં જેમ કોઇ સારવાર માટે  જતું નથી એમ શિક્ષણ લેવા પણ કોઇ સરકારી સ્કુલને પસંદ નથી કરતું.

પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ અને પ્રાઇવેટ હોસ્પટલોની લૂંટ બંધ કરવી હોય તો એક જણે બહુ ઉત્તમ ઉકેલ આપ્યો હતો કે દરેક રાજ્યના વિધાનસભ્ય, સાંસદો, કોર્પોર્ટરો, ચેરમેનો અને પંચાયતના સભ્યો સુધીના લોકોના સંતાનેા ફરજીયાત રીતે સરકારી શાળામાં  શિક્ષણ લે અને સરકારી હોસ્પિટલમાંજ નાની મોટી સારવાર લે.

બદલાવ લાવી શકાય છે. પરંતુ તે માટે ઇચ્છા શક્તિ જોઇએે.