IPOમાં રોકાણ કરવાની ઘેલછા : આ મહિને 17,000 કરોડના નવા IPO

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
IPOમાં રોકાણ કરવાની ઘેલછા : આ મહિને 17,000 કરોડના નવા IPO 1 - image


- પૈસા સલામત રહેતા હોવાથી રોકાણકારો નિશ્ચિંત રહે છે 

- પ્રસંગપટ

- 2023માં વિશ્વમાં સૌથી વધુ આઇપીઓ બહાર પાડવામાં ભારત આખી દુનિયામાં મેાખરે હતું

ભારતના રોકાણકારોને શેરબજારમાં આઇપીઓ (IPO) ભરવાનું ઘેલું લાગ્યું છે. આ સપ્ટેમ્બર માસમાં કુલ ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના ૧૦ નવા આઇપીઓ આવી રહ્યા છે. આઇપીઓના રોકાણથી કેટલી કમાણી  થશે તે વિચાર્યા વિના 

કેટલાય લોકો લગભગ તમામ આઇપીઓ ભરીને પછી ફૂલાતા હોય છે. 

એક સમય હતો કે જ્યારે આઇપીઓમાં ભરેલા પૈસા ત્રણ મહિને પણ પાછા નહોતા આવતા અને લોકોની મૂડી બ્લેાક થઇ જતી હતી. હવે સમય પલટાયો છે. શેર લાગે તો જ ખાતામાંથી પૈસા કપાય એવી વ્યવસ્થાને કારણે લોકો આઇપીઓ તરફ વળ્યા છે. હજુ શેરના ભાવ નક્કી થતા વાર લાગે છે, પરંતુ સેબી તેમાં પણ સુધારો લાવવા માંગે છે અને શેર લાગવા સાથે તેવા ભાવ પણ નક્કી થઇ જશે તેવું આયોજન કરાઇ રહ્યું છે. 

આઇપીઓમાં રોકાણ કરવાથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પૈસા ઓછા થઇ શકે છે, પરંતુ સદંતર ગુમાવવા પડે તેવું બનતું નથી. રોકાણકારોનો એક વર્ગ એવો છે કે જે માત્ર અને માત્ર આઇપીઓમાંજ રોકાણ કરે છે. 

૨૦૨૩માં વિશ્વમાં સૌથી વધુ આઇપીઓ બહાર પાડવામાં ભારત મેાખરે હતું. કેટલાક ફેમિલીના દરેક પુખ્ત સભ્યના ડીમેટ એકાઉન્ટ હોય છે અને નાના મોટા સૌ કોઈના નામે આઇપીઓ ભરવામાં આવે છે. આઇપીઓ ભર્યા પછી જો શેર્સ લાગે તો કેટલાક રોકાણકારો ભાવ વધે તેની રાહ જુવે છે, પરંતુ બીજી કોઇ કંપનીનો આઇપીઓ બહાર પડેે કે તરત જ તે શેર્સ વેચી મારે છે. કોઈ રોકાણકાર તો શેર્સ લાગતાંની સાથે જ વેચી નાખે છે. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બંને આઇપીઓને મંજૂરી આપવામાં વિશ્વમાં મોખરે છે. ૨૦૨૩માં ૫૭ જેટલી ભારતીય કંપનીઓએ આઇપીઓ મારફતે ૪૯,૪૩૪ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. ૨૦૨૨માં ૪૦ કંપનીઓના આઇપીઓએ ૫૯,૩૦૨ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. ૨૦૨૧નું વર્ષ તો આઇપીઓ માટે ઘૂંઆધાર સાબિત થયું હતું. ૨૦૨૧માં ૬૩ આઇપીઓ મારફતે ૧,૧૮,૭૨૩.૧૭ કરોડ ઊભા કરાયા હતા.

૨૦૨૩ના ચોથા તબક્કામાં વર્ષના કુલ આઇપીઓના ૪૦ ટકા જેટલા આઇપીઓ બજારમાં આવી ગયા હતા. ૨૦૨૩ની શરૂઆતમાં આઇપીઓની સંખ્યા બહુ ઓછી હતી, પરંતુ વર્ષના અંતમાં તો નવા આઇપીઓનો રાફડો ફાટયો હતો, જેની અસર ૨૦૨૪ના વર્ષ પર પણ પડી હતી. ૨૦૨૩ના અંતમાં બહાર પડેલા આઇપીઓમાં ૨૧ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ,૧૪ ઓટોમેટિવ અને ટ્રાન્સપોર્ટેશન તથા નવથી વધુ ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા.

ભારતમાં કોરોનાકાળ દરમ્યાન એટલેકે ૨૦૨૦માં ૨૧૫ આઇપીઓ બજારમાં આવ્યા હતા. તે પૈકીના ૭૦ ટકામાં ઇશ્યુ પ્રાઇસ કરતાં વધુ ભાવ પર જોવા મળ્યા હતા. ૧૫૮ આઇપીઓમાં લિસ્ટિંગ કરતાં વધુ ભાવ મળ્યા હતા, જ્યારે બાવીસમાં લિસ્ટિંગ કરતા ઓછી કિંમત મળી હતી. 

૨૦૨૪માં વિશ્વમાં આઇપીઓ માર્કેટ મંદ હતું ત્યારે ભારતમાં આઇપીઓ લાવવા કંપનીઓની લાઇન લાગી હતી. અમેરિકા, જાપાન અને ચીન જેવા દેશોમાં આઇપીઓ લાવતી કંપનીઓની સંખ્યા ઘટી હતી, જ્યારે ભારતમાં અનેક નવા ંક્ષેત્રોની કંપનીઓના આઇપીઓ આવ્યા હતા. ૩૧ જુલાઇ ૨૦૨૪ સુધીમાં બહાર પડેલા ૧૭૨ આઇપીઓમાં લિસ્ટિંગ કરતાં વધુ કિંમત જોવા મળી હતી. આઇપીઓના ફોર્મમાં રિસ્ક ફેક્ટર દર્શાવ્યા હોય છે, પરંતુ કોઈ તેને વાંચવાની તસ્દી લેતું નથી. કે આ મુદ્દે  ચર્ચા કરતું નથી.  

જે નવા આઇપીઓ આવ્યા તેમાં કેટલીક નવી કંપનીઓ પણ છે. જેવી કે ઓલા ઇલેકટ્રીક્લ્સ, યુનિકોમર્સ અને બ્રેનબિસ સોલ્યુશન (ફર્સ્ટક્રાયવાળા) વગેરેનો સમાવેશ થાય છે. એસએમઇ માર્કેટ પણ આઇપીઓ લાવવા મથ્યું હતું. અહેવાલ પ્રમાણે, ૨૨ જેટલી એસએમઇ કંપનીઓએ સંયુક્ત રીતે ૭૫૮ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા. 

Prasangpat

Google NewsGoogle News