ભારતની દિવાળી બગડવાના સંકેત ઓઇલના ભાવો મોંધવારી વધારશે
- પ્રસંગપટ
- ઓઇલના સપ્લાયમાં યુદ્ધના કારણે અવરોધ આવે તેવી ભીતિ
- શેરબજાર જો ઇઝરાયલ-ઇરાન યુધ્ધની અસર હેઠળ આવી જશે તો પરપોટાની જેમ ભાંગી પડશે
ઇરાન પર હુમલો કરવા ઇઝરાયલને અમેરિકાએ સમર્થન આપ્યા બાદ ઇઝરાયલ વધુ ભૂરાટું થયું છે.ત્રાસવાદને ટેકો આપતા દેશોમાં ફફડાટ ફેલાવનાર ઇઝરાયલ હવે કોને નિશાન બનાવે છે તે જોવાનું રહ્યું. પરંતુ આ યુધ્ધ ભારતની દિવાળી બગાડશે એવા સંકેત મળી રહ્યા છે. જો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ ફાટી નીકળશે તો ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવો વધશે જેના પગલે મોંઘવારી વધવાની પુરી શક્યતા આર્થિક નિષ્ણાતો જોઇ રહ્યા છે. જે રીતે સામસામી છાવણીમાં વિશ્વના અન્ય દેશો જોડાવા તૈયાર થયા છે તે જોતાં હવે યુધ્ધ નિશ્ચિત દેખાઇ રહ્યું છે.
લજામણીમા છોડ જેવું ભારતનું શેરબજાર જો ઇઝરાયલ-ઇરાન યુધ્ધની અસર હેઠળ આવી જશે તો પરપોટાની જેમ ભાંગી પડશે એવી શંકા વ્યક્ત થઇ રહી છે. શેરબજારમાં જોવા મળતા ઉછાળાને શંકાથી જોવાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શેરબજાર તેજીની દિશામાં જોવા મળતું હતું. નિષ્ણાતોના મતે મોટા કરેક્શનની રાહ જોતું શેરબજાર ઇઝારાયલ-ઇરાન યુધ્ધને હાથો બનાવી શકે છે.
ક્યાં તો ઓઇલના ભાવ વધારાય કે સપ્લાય ઘટે બંને મુદ્દે શક્યતા જોવાઇ રહી છે.ઇઝરાયલ સાથે હાલમાં ભારતની ૧૪ જેટલી લીસ્ટેડ કંપનીઓ કોઇ ને કોઇ રીતે બિઝનેસ સાથે સંકળાયેલી છે. ભારતનું ઓઇલ આયાત બીલ ૨૦૨૩-૨૪માં ૯૬.૧ અબજ ડોલરનું હતું જે વધીને આ વર્ષે ૧૦૧ થી ૧૦૪ અબજ ડોલર પર પહોંચવાની શક્યતા છે જો ઇરાન ઇઝરાયલ યુધ્ધ વકરશે તો આ ખાધ વધુ પહોળી થશે.
ભારતે સંકટ સમયની સાંકળ સમાન રશિયાના સપ્લાય પર ભરોસો છે પરંતુ ઓઇલનો મહત્વનો સપ્લાય અખાતી દેશોમાંથી જોવા મળે છે. ઇરાને ઇઝરાયલ પર હુમલો કર્યા પછી ઇઝરાયલ વધુ છંછેડાયેલું છે. ઇઝરાયલને અમેરિકાએ ટેકો આપતા મામલો વધુ સ્ફોટક બની ગયો છે. વૈશ્વિક સ્તરે ઓઇલનો સપ્લાય ઘટશે તો તેના ભાવોમાં ઉછાળો જોવા મળશે. આ ઉછાળાના પગલે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવો વધી શકે છે. આ વધતા ભાવોની સીધી અસર રોજીંદી ચીજોના ભાવો પર પડશે.
ભારતના કેટલાક વેપારીઓ યુધ્ધના ભણકારાને સંગ્રહખોરી અને ભાવ વધારો કરવાની તક તરીકે જુવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે દિવાળીમાં રોજીંદી ચીજોના ભાવોમાં ભડકો જોવા મળશે. સંગ્રહ ખોરી કરનારાઓ માટે આ તેજીની મોસમ છે એમ કહી શકાય. ગઇકાલે ઓઇલના ભાવોમાં ત્રણ ટકાનો વધારો થતાં સરકાર ટેન્શનમાં આવી ગઇ છે. ફૂગાવો વધશે તો ભારતના આર્થિક વિકાસ પર પણ તેની અસર થશે.
ઇરાનના બે સાથીઓ હિઝબુલ્લાહ અને હૂથી ત્રાસવાદી સંગઠનોએ તેમના ઇઝરાયલ પરના હુમલામાં વધારો કર્યો છે પરંતુ ઇઝરાયલનું ઝનૂન અને અમેરિકાનું પીઠબળ બંને તેમને ધોળા દહાડે તારા બતાવી શકે છે.
ભારત માટે હોર્મૂઝથી આવતો સપ્લાય મહત્વનો છે. ભારત આવતું ૭૫ ટકા ઓઇલ અને અડધો અડધ ન્શય્ હોર્મૂઝથી આવે છે. આર્થિક બાબતોમાં નિષ્ણાત કંપની મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે જો ઓઇલના બેરલ પર ૧૦ ડોલરનો ભાવ વધારો થાય તો પણ તેની અસર ભારતના અર્થતંત્ર પર થઇ શકે છે.
અમેરિકાએ ઇઝરાયલને ઇરાન પર હુમલો કરવાના પગલાંને ટેકો આપતાં પરિસ્થિતિ વધુ વણસી છે. રાતા સમુદ્રમાં ઉભેલા અમેરિકી યુધ્ધ જહાજોને કોઇ પણ સમયે સ્ટ્રાઇકના ઓપરેશન માટે તૈયાર રહેવા અમેરિકા વિશેષ બજેટ ફાળવી રહ્યું છે.
અન્ય એક દિશામાં યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે તેમાં સાઉથ કોરીયાને ખતમ કરવા ઉત્તર કોરિયાના શાસક કિમજોન ધમકી આપી રહ્યા છે. તેમના ધમકી અણુબોંબના ઉપયોગ સાથેની જોવા મળી રહી છે. ઇરાને ઇઝરાયલ પર હુમલો કરવામાં ઉતાવળ કરી નાખી છે જેના કારણે આજે તે ફફડીને જીવી રહ્યું છે. કેમકે ઇઝરાયલ સાથે અમેેરિકા ખુલ્લંખુલ્લા આવી ગયું છે. જેની પાસે અમેરિકા જેવો શક્તિશાળી દેશ હોય તેને હુમલો કરવાનો છૂટો દોર મળી જતો હોય છે. આ યુધ્ધમાં વળાંક ત્યારે આવશે કે જ્યારે ઇરાનને કોઇ ચીન જેવા શક્તિશાળી દેશની મદદ મળશે.
ઇઝરાયલ અને ઇરાનનું યુધ્ધમાં ભલે બંનેને મોટું નુકશાન થાય પરંતુ આ બે દેશો વચ્ચેનું યુધ્ધથી ભારતમાં રંંગે ચંગે ઉજવાનાર દિવાળીમાં જરૂર પંચર પડી શકે છે.