સ્ટીલની આયાતમાં ધરખમ વધારો થતાં ડયુટી લાગુ કરાઇ
- પ્રસંગપટ
- સ્ટીલના સંદર્ભમાં આપણો દેશ નેટ ઈમ્પોર્ટર દેશ બની ગયો હતો
- બાર ટકા સેફગાર્ડ ડયુટી ૨૦૦ દિવસ સુધી અમલમાં રહેનાર છે
દેશમાં સ્ટીલ, લોખંડ-પોલાદ બજારમાં તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. સામાન્યપણે ચોમાસામાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગતિવિધી મંદ પડી જતી હોય છે અને એને લક્ષમાં રાખી ચોમાસાના આરંભ પૂર્વે બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટર્કચર ક્ષેત્રે બાકી રહેલા અધુરા કામો ઝડપથી પૂરા કરવા ડેવલપરો પ્રયત્નશીલ બન્યા છે અને આના પગલે તાજેતરમાં સ્ટીલ બજારમાં માગ તથા ચહલ પહલ વધ્યાના વાવડ મળ્યા હતા. આવી જ સ્થિતિ તાજેતરમાં સિમેન્ટ બજાર તથા ઉદ્યોગમાં દેખાઈ હતી અને હવે સ્ટીલ બજારમાં પણ આવી ગતિવિધી વધ્યાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન દેશમાં આ પૂર્વે દરિયાપારથી સ્ટીલની આયાત નોંધપાત્ર વધી ગઈ હતી તથા દરિયાપારના ઘણા દેશો માટે ભારત તેમના સ્ટીલનું જાણે ડમ્પીંગ ગ્રાઉન્ડ બની ગયું હોય એવી પરિસ્થિતિ સ ર્જાઈ હતી. ભારતમાંથી સ્ટીલની થતી નિકાસની સરખામણીએ ભારતમાં દરિયાપારથી સ્ટીલની આયાત નોંધપાત્ર વધી જતાં સ્ટીલના સંદર્ભમાં આપણો દેશ નેટ ઈમ્પોર્ટર દેશ બની ગયો હતો. જો કે આ પ્રશ્ને તાજેતરમાં સરકાર ગતીમાં આવી છે તથા દરિયાપારથી આયાત થતા સ્ટીલ પર સરકારે બાર ટકા સેફગાર્ડ ડયુટી લાદવાનો નિર્ણય કર્યાના સમાચાર આવ્યા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ એલોય તથા નોન-એલોય સ્ટીલની ઈમ્પોર્ટ પર આવી સેફગાર્ડ ડયુટી લાદવામાં આવનાર છે. આવા સ્ટીલ પ્રોડકટો પર આ ડયુટી લાગુ થનાર છે. દેશમાં આ પૂર્વે ખાસ કરીને ચીનમાંથી તથા વિયેતનામ ખાતેથી સ્ટીલની આયાતમાં નોંધપાત્ર વૃદ્ધી જોવા મળી હતી અને હવે સેફગાર્ડ ડયુટી આવતાં દેશમાં આવતી આવા સ્ટીલનીર્મ્પોર્ટ કાબુમાં આવવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ભારતમાં આ બાર ટકા સેફગાર્ડ ડયુટી ૨૦૦ દિવસ સુધી અમલમાં રહેનાર છે. હોટ રોલ્ડ કોઈલ્સ, કોલ્ડ રોલ્ડ શિટસ, મેટાલીક કોટેડ સ્ટીલ, કલર કોટેડ સ્ટીલ વિ. સ્ટીલ ઉત્પાદનો પર આવી ડયુટી લાગુ કરવામાં આવનાર છે. ભારતમાં તાજેતરમાં સ્ટીલની આયાત વધી ૯૦ લાખ ટન સુધી પહોંચતા દસ વર્ષની ટોચે આવી આયાત પહોંચી ગઈ હતી અને હવે સરકાર સફાળી જાગી છે, એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સરકારના આ પગલાને કેન્દ્રના સ્ટીલ મંત્રાલયે પણ આવકાર આપ્યાના વાવડ મળ્યા હતા. ચીન તથા વિયેતનામમાં સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા જરૂરિયાતકરતાં વધુ વધી જતાં આ દેશો પોતાનું વધારાનું સ્ટીલ ઉત્પાદન ભારત તરફ રવાના કરતા થયા હતા. આના પગલે ભારતમાં સ્ટીલ ઉત્પાદકો સામે વિવિધ પડકારો ઊભા થયા હતા તથા સ્ટીલ ક્ષેત્રે નવું રોકાણ આવવાની ગતીવિધી પણ ધીમી પડી ગઈ હતી. તથા આ ક્ષેત્રે રોજગારીની તકો પણ ઘટી ગઈ હતી. જોકે હવે સેફગાર્ડ ડયુટી આવતાં પરિસ્થિતિ બદલાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. જોકે ટનદીઠ ૬૭૫થી ૯૬૪ ડોલરથી ઉપરની વેલ્યુ ધરાવતા સ્ટીલ ઉત્પાદનોને સરકારે આવી સેફગાર્ડ ડયુટીમાંથી બાકાત રાખ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. જો કે ચીન તથા વિયેતનામ સિવાયના વિકાસશીલ દેશોમાંથી ભારતમાં થતી સ્ટીલની આયાતને પણ આવી ડયુટી લાગુ પડશે નહિં એવા સંકેતો મળ્યા છે. આ ઉપરાંત સ્ટેનલેસ સ્ટીલ, ટીન પ્લેટ તથા ઈલેક્ટ્રીકલ સ્ટીલ સહિત વિવિધ ૨૨ જેટલા ઉત્પાદનોને આવી સેફગાર્ડ ડયુટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ જોતાં સરકારની ડયુટીની જાહેરાત છતાં હકીકતમાં સ્ટીલની આયાતઅંકુશમાં આવે છે કે નહિં એ હવે પછી આવનારા સમયમાં સ્પષ્ટ થશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન પ્રાઈમરી સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદકોએ પણ સરકારને એેવી રજૂઆત કરી છે કે સ્ટેનલેસ સ્ટીલની ઈમ્પોર્ટ પર પણ આવી સેફગાર્ડ ડયુટી લાદવી જરૂરી છે. અમેરિકામાં ટેરીફ લાદતાં ચીન હવે આવાઉત્પાદનો ભારત તરફ વધુ રવાના કરશે એવી ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા. આવા સ્ટેનલેસ સ્ટીલ પર હાલ ઈમ્પોર્ટ ડયુટી માત્ર ૭.૫૦ ટકા રહી છે તે વધારવી જરૂરી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.