પહેલાં માલદીવ્સ અને હવે ગુગલની પીછેહઠ : વૈશ્વિક સ્તરે ભારતનો દમ
- ગુગલને મનમાની ભારે પડી, દિલ્હીનું તેડું
- પ્રસંગપટ
- સોશિયલ નેટવર્ક પર વિરોધ જોઇને ગુગલે ડીલિસ્ટ કરેલી દસ પૈકીની આઠ એપ્લિકેશન પુનઃ ચાલુ કરી દીધી
યાદ છેને, થોડા સમય પહેલાં ભારતના સોશિયલ મીડિયાએ માલદીવ્સને ઠેકાણે પાડીને તેના ટુરીઝમને જોરદાર ફટકો માર્યો હતો. માલદીવ્સને 'સોરી'ની મુદ્રામાં લાવીને મૂકી દીધું હતું. અદ્દલ એવું જ આજકાલ ઇન્ટરનેટ ટેકનોલોજી જાયન્ટ ગુગલ સાથે થયું છે.
ગુગલે અગાઉ મનમાની કરીને ભારતની જે દસ એપ્લિકેશનો ડીલિસ્ટ કરી નાખી હતી તેને નછૂટકે ફરી ચાલુ કરી દીધી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક થાય તે પહેલાં જ ગુગલ ઢીલું પડી ગયું હતું. કેન્દ્રીય પ્રધાને અગાઉ કહ્યું કે અમે અમારા સ્ટાર્ટ-અપ ક્ષેત્રના હિતમાં નિર્ણય લઇશું. તે સાથે જ ગુગલે ડીલિસ્ટ કરેલી દસ પૈકીની આઠ એપ્લિકેશન ફરી એક્ટિવેટ કરી દીધી હતી. બાકીની બે એપ્સ શરૂ કરવા માટેની ગતિવિધિ ચાલુ હોવાનું જણાવ્યું હતું.
માલદીવ્સના એપિસોડમાં આ રૂપાળા ટુરિસ્ટલ સ્પોટને બોયકોટ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. આવું જ ગુગલના કેસમાં પણ બન્યું. #EvilGoogle ની હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
ગુગલે જેમિની નામના AI પ્લેટફોર્મ મુદ્દે પીછેહઠ કરી તે વાત હજુ તાજી છે ને હવે ભારતના સ્ટાર્ટઅપ એપ્લિકેશનોને ડીલિસ્ટ કરવાનો મુદ્દો ચગ્યો છે. ગુગલ પર હાલ જે એપ્લિકેશનો ઉપલબ્ધ છે તે પૈકી ૧,૫૧,૭૬૭ એપ્સ ભારતના ડેવલપર્સે બનાવી છે.
ગુગલના પગલાંનો વિરોધ એ હદે થયો કે ગુગલે પીછેહઠ કરવી પડી. જે એપ્સ રદ્દ કરાઇ હતી તેના ફાઉન્ડર્સ અને એક્ઝિક્યુટીવ્સ સોશિયલ નેટવર્ક પર મેદાનમાં આવી ગયા હતા. તેમણે કડક પ્રતિક્રિયાઓ આપી હતી. તે સાથે જ #SaveOurStartups હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
નૌકરી, જીવનસાથી અને ૯૯ એકર્સ જેવી નામાંકિત એપ્સ બનાવનાર ઇન્ફોએજ કંપનીએ લખ્યું હતું કે અમે ગુગલ પ્લે સ્ટોરની પોલિસીનો વિરોધ કરીએ છીએ. તેમણે ગુગલને પત્ર પણ લખ્યો હતો. કંપની કહે છે કે ગુગલનું કોઇ બિલ પેન્ડીંગ નથી, અમે તમામ બિલો સમયસર ભર્યાં છે.કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુગલની મનમાની સામે પગલાં લેવા જોઇએ. ઇન્ટરનેટ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ પણ ગુગલની મનમાનીનો વિરોધ કર્યો છે.
ઇન્ટરનેટ જાયન્ટ ગુગલ કંપની પોતાની મોનોપોલીનો ગેરલાભ ઉઠાવી રહી છે તેવા આક્ષેપો થયા હતા. એવી પણ રજૂઆત થઇ રહી છે કે ગુગલ અને એપલ જેવી કંપનીઓ ભારતના ૩૦ ટકા જેટલા ડેવલપર્સ પાસેથી ઇન્ટરનેટ ટેક્સ લઈ શકે નહીં.
૨૦૨૪ની શરૂઆતમાં ૩.૯૫ મિલિયન એપ્સ એન્ડ્રોઇડ ફોનના વપરાશકારો ડાઉનલેાડ કરી શકતા હતા. ગુગલ તેના પ્લે સ્ટોર અને ગેમ્સના કારણે વર્ષે ૫૮.૧ અબજ ડોલર કમાય છે. ગુગલ પ્લે સ્ટોર પર ૧૩.૮ ટકા જેટલી એપ્લિકેશનો ગેમ્સની હોય છે, જેના થકી ગુગલ વર્ષે ૩૧.૩ અબજ ડોલરની કમાણી કરે છે. ગુગલ પ્લે પરથી સોથી વધુ વાર કોઇ એપ ડાઉનલોડ થઇ હોય તો તે ટિકટોક છે. ૬૭૨ મિલિયન વાર તે ડાઉનલોડ થઇ છે.
ગુગલ પ્લે સ્ટોર પર ૯૬.૯ ટકા જેટલી એપ્સ ફ્રી છે, જ્યારે માત્ર ૩.૧ ટકા એપ્સ પેઇડ છે. ટિકટોક બાદ ગુગલ પરથી સૌથી વધુ ડાઉનલોડ થતી એપ સ્નેપચેટ છે. ગુગલનો દાવો હતો કે પોતાની બિલીંગ પોલિસીનું પાલન નહીં કરનાર કેટલીક ભારતીય એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તે પછી અચાનક દસ ભારતીય એપ્સ ગાયબ થઈ જતાં વિવાદ ઊભો થયો છે. ગુગલ કદાચ એપ્સ ડેવલપર્સનું નાક દબાવી શકીશું, પરંતુ તેમના નિર્ણયનું બૂમરેંગ થયું છે.
ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન અશ્વિન વૈશ્નવે સીધી દરમ્યાનગીરી શરૂ કરી હતી અને ગુગલના અધિકારીઓને ખુલાસા માટે બોલાવ્યા હતા. જે એપ્સ રદ કરાઇ છે તેમાં બિલિંગની સમસ્યા બહુ ઓછી એપ્સ સાથે હતી. સોમવારે સવારે ગુગલે દસમાંથી આઠ એપ્સ પુનઃ એક્ટિવેટ કરી છે ત્યારે આ ઘટનાને વૈશ્વિક તખ્તા પર ભારતના તાકાત સાથે સરખાવી શકાય.