- સહાય ના મળી હોત તો મૃત્યુનો આંક ૩૫ને વટાવી ગયો હોત
- પ્રસંગપટ
- ખરેખર અકસ્માતો વખતે જાનની બાજી લગાવીને બચાવ કરનારા દેવદૂતોનું સન્માન કરવું જોઇએ
દક્ષિણ દિલ્હીના માલવીયાનગરની હોટલમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં ૨૧ લોકો હોમાઇ ગયા હતા. આગ લાગે અને બીજી મિનિટે ફાયર ફાઇટર આવી જાય તે શક્ય નથી હોતું બચાવ માટે પોલીસ તંત્ર આવી જાય તો પણ શક્ય નથી હોતું. પરંતુ જો નજીકમાં રહેતા લાકો હિંમત બતાવીને આગમાં સપડાયેલા અસરગ્રસ્તોની મદદે ના પહોંચ્યા હોત તો મૃત્યુનો આંક ૩૫ને વટાવી ગયો હોત. જ્યારે આગ લાગે, અકસ્માત થાય કે કોઇના ડૂબી જવાની ઘટના બને ત્યારે ત્વરીત મદદ નજીકમાં ઉભા રહેલા કે ત્યાં રહેતા કે નજીકમાં દુકાનદારી કરતા લોકો કરતા હોય છે. બુધવારે દિલ્હીની હોટલમાં લાગેલી આગમાં નજીકમાં રહેતા લોકો તેમજ દિલ્હી જોવા આવેલા બિહારના કેટલાક યુવાનો મદદ માટે કૂદી પડયા હતા.
આવા સમયે કરાયેલી મદદ બહુ ઉપયોગી બને છે. અહીં આર્થિક મદદ નથી કરવાની હોતી પરંતુ પોતાનો જાન જોખમમાં મુકીને સાવ અજાણ્યા કહી શકાય તેવા લોકોને મોતના મુખમાંથી બહાર ખેંચી લાવવાના હોય છે. જ્યારે અકસ્માતે આગ લાગવાની ઘટના બને ત્યારે ચારે બાજુ હો-હા અને બચાવો-બચાવોની બૂમો સાંભળવા મળે છે. ત્યારે કેટલાક લોકો પાણીની ડોલથી પાણી લઇને આગને ઠંડી પાડવા મથવા લાગે છે. કેટલાક ફસાયેલા લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય તે વિચારીને ત્વરીત પગલાં લે છે. કેટલાક ફાયર બ્રિગેડ અને પોલીસને ફોેન કરવા લાગે છે. કેટલાક લોકો દાઝેલાઓને એમબ્યુલન્સ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
સુરતમાં ૨૦૧૯ની ૨૪ મેના રોજ તક્ષશીલા કોમ્પલેક્ષની ઘટના ગુજરાતના દરેકને યાદ છે. આ ઘટનામાં ૨૦ લોકો હોમાયા હતા જેમાં ંમોટા ભાગના વિધાર્થીઓ હતા. તે બધા કોચિંગ સેન્ટરમાં ભણતા હતા. આગ લાગી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ચોથા માળે ટોપ ફ્લેાર પરથી જાન બચાવવા નીચે કૂદ્યા હતા. ત્યારે આજુબાજુના લોકો પોતાના ઘરમાંથી ગાદલાં લઇને આવ્યા હતા અને તેના પર વિદ્યાર્થીઓ કૂદકો મારે એવી બૂમો પાડતા હતા. ફસાયેલા લોકોને ત્વરીત બચાવવા માટેની સિક્સસ્થ સેન્સ દરેકમાં હોય છે પરંતુ અકસ્માત સમયે બચાવ કામગીરીમાં તે સિક્સ્થ સેન્સ ફૂલ ફેલ્થ કામ કરવા લાગે છે. ગયા અઠવાડિયે પોતાના ડૂબતા મિત્રને બચાવવાના પ્રયાસમાં અન્ય ચાર યુવાનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ટૂંકમાં ઘણીવાર મદદ માટેના પાસા અવળાં પડે છે. પરંતુ તે સમયનો માહોલ એવો હોય છે કે દરેક મદદ માટે કૂદી પડે છે. ફસાયેલાને બચાવવાનો એક માત્ર આશય મદદ કરનારાનો હોય છે.
આવા સમયે સામાન્ય માણસમાં પણ હિંમત આવી જાય છે અને સૂકલકડી દેખાતો માણસ પણ ભારે વજન ઉંચકવા લાગે છે. કોઇ સ્થળે બે જૂથો લડતાં ઝગડતાં હોય ત્યારે તેમની વચ્ચે નહીં પડવાની આપણા વડવાઓ સલાહ આપતા હોય છે પરંતુ અકસ્માત સમયે નજીકમાં ઉભા રહીને તમાશો જોવાના બદલે ત્યાં મદદ માટે દોડી જવાને માનવતા કહે છે. હોસ્પિટલોમાં લાગતી આગ કે શિક્ષણ સંસ્થાઓમાં લાગતી આગ વગેરે માનવસર્જીત ગુનાઓની યાદીમાં આવે છે. સુરતના તક્ષશિલાની ઘટના એટલી કરૂણ હતી કે સરકારે ફાયર સર્ટિફિક્ટની ચકાસણી શરૂ કરી હતી. ભોંયરામાં કે નાની ગલીઓમાં ચાલતા ક્લાસ બંધ કરાવ્યા હતા.
દિલ્હીના માલવિયાનગરની હોટલમાં લાગેલી આગમાં ત્વરીત બચાવ કામગારી કરનારાઓએ જાનની બાજી લગાવી દીધી હતી. આવા સ્થાનિક લોકો તેમજ પસાર થનારાઓએ કરેલી મદદને કોઇ યાદ નથી કરતું. દિલ્હી પોલીસે આગમાં ફસાયેલાની મદદે આવેલાના નામો જાહેર કર્યા છે. જેમાં મોહમ્મદ અફઝલ અને તેના ભાઇનો સમાવેશ થાય છે. તેમણે રોડ પર ગાદલાં પાથરીને કૂદનારાને બચાવ્યા હતા. બચાવ માટે કૂદી પડનારા બીજાનું નામ છે વસિમ રાઝા, તેમણે ધૂમાડાથી ગંૂગળાયેલા લોકો ને સારવાર આપી હતી. બચાવ કામગીરીમાં કૂદી પડનાર પિતા પુત્રની જોડી રીયાઝૂદ્દીન મંસુરી અને અમન મંસૂરીની પણ પ્રશંસા થઇ રહી છે.
ખરેખર અરકસ્માતો વખતે જાનની બાજી લગાવીને બચાવ કરનારા દેવદૂત સમાન લાગે છે. સરકારે આવા દેવદૂતોનું સન્માન કરવું જોઇએ.આ દેવદૂતો ખરા અર્થમાં ધૂરંધર કહી શકાય.સરકારની કમનસીબી એ છે કે સરકારમાં સમાંતર રાહે ચાલતું ભ્રષ્ટ તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં પાવરધું છે. સાંકડી ગલીઓમાં ચાલતી હોટલો સુધી ફાયર ફાઇટર કે એમબ્યુલન્સ કેવી રીતે પહોંચશે તે અંગે હોટલ કે ક્લાસની મંજૂરી આપનાર ભાગ્યેજ વિચારતા હોય છે.શોટ સર્કીટની ઘટનાએ સેંકડોના જીવ લીધા છે. વિજળીના ખુલ્લા વાયરો જોખમના પડીકા સમાન હોય છે. અનેક શોપિંગ સેન્ટરોમાં આજે પણ લટકતા વાયરો જોવા મળે છે.


