મૂનલાઇટિંગ : વધારાની આવક ઉભી કરી આપતી સ્વીટ સિસ્ટમ
- સોહમ પારેખે વિવાદનો મધપૂડો છંછેડયો
- ભારતનો સોફ્ટવેર ડેવલપર એક સાથે અમેરિકાના ચાર સ્ટાર્ટઅપમાં કામ કરતો હતો
- પ્રસંગપટ
- સોહમ પારેખ
મૂનલાઇટીંગના વિવાદમાં સોહમ પારેખ નામનો સોફ્ટવેર ડેવલોપર આવી ગયો છે. અમેરિકન ટેકનોલોજી કંપનીને સીઇઓએ સોશ્યલ નેટવર્ક પર લખ્યું હતું કે સોહમ પારેખ નામની વ્યક્તિ અમેરિકાના ૩ થી ૪ સ્ટાર્ટઅપમાં એક સાથે કામ કરે છે. કંપની જ્યારે દુરના દેશમાં બેઠેલી વ્યક્તિને જોેબ પર રાખે છે ત્યારે તે અન્યત્ર કામ કરતો નથી તેવો ભરોસો પણ રાખે છે. જ્યારે સોહમના કેસમાં તો તે ચાર અમેરિકી સ્ટાર્ટઅપ સાથે કામ કરતો હતો અને તેની અમેરિકન કંપનીને ખબર પણ નહોતી.
છંછેડાયેલી અમેેરિકન કંપનીએ સોશ્યલ નેટવર્ક પર લખ્યું કે સોહમ પારેખ નામના યુવાને કંપનીનો ભરોસો તોડયો છે માટે કોઇએ તેમને જોબ આપવી નહી. જોકે સોશ્યલ નેવર્ક પર સોહમની ટીકા કરનારા કરતાં તેને શાબાશી આપનારાની સંખ્યા વધારે હતી. લોકોએ તેની સ્કીલને મલ્ટીટાસ્કીંગ સાથે સરખાવી હતી.
ચોમેરથી સોહમની ટીકા થઇ ત્યારે અમેરિકાની એક આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ કંપનીએ કહ્યું કે એકથી વધુ કંપનીમાં કામ કરનારાની સ્કીલ પ્રશંસાજનક કહી શકાય. હાયપર સેલના નામની અમેરિકાની કંપનીએ તેને જોબ ઓફર કરી છે. જોબ ઓેફર કરનારે કહ્યું છે કે હવે સોહમે તેની સ્કીલનો ઉપયોગ એકજ કંપનીમાં કરવો જોઇએ અને તે બાબતના કરાર પણ કરવા જોઇએ. આ કંપનીએ સોહમને મેલ કર્યો છેકે અમારી કંપનીમાં તમે આવતા અઠવાડીયાથી જોડાવા તૈયાર છો ખરા?
હકીકત એ પણ છે કે અનેક કંપનીઓ મૂનલાઇટીંગ વર્ક કરનારાને શોધે છે કેમકે તેમાં કામ પત્યા પછી કામ કરનારની કોઇ જવાબદારી કંપનીની રહેતી નથી કે તેને કોઇ હક ચૂકવવા પડતા નથી.
મૂનલાઇટીંગ એટલે વધારાનું કામ કરવું. કોઇને રાતના ઉજાગરા કરીને વધારાનું કામ કરવું ગમતું નથી. તે પોતાની આર્થિક જરૂરિયાત અને ભવિષ્યની બચત માટે વધારાનું કામ કરે છે. ભારતમાં મૂનલાઇટીંગ નવી વાત નથી. જે લોકોને પોતાનું ઘર ચલાવવા એક પગારમાં નથી ચાલતું તેવા લોકો સાઇડમાં બીજી જોબ શોધે છે. તેની મૂળ જોબના સમય ઉપરાંત તે વધારાના કલાકોમાં સાઇડ જોબ કરે છે. મોંધવારીના જમાનામાં આવી વધારાની જોબ હવે અનિવાર્ય બની ગઇ હોય છે. તેની મૂળ જોબના માલિકોને ખબર ના પડે તે રીતે વધારાની જોબ કરવામાં આવે છે.
આપણે ત્યાં મૂનલાઇટીંગ (જોબ ઉપરાંત વધારાનું કામ કરવું) એ બહુ આસાન વાત છે. લોકો વધારાના સમયમાં એકાઉન્ટ લખે છે, આર્ટ વર્ક કરે છે, ગ્રાફીક્સનું કામ કરે છે, કોન્ટેન્ટ રાઇટીંગનું કામ કરે છે. પોતાના કામની જાણ તે મૂળ જ્યાં જોબ કરે છે ત્યાં ના પહોંચે તેની ખાસ તકેદારી રાખે છે. મૂનલાઇટીંગ ક્ષેત્રે જોબ આપનાર અને જોબ લેનાર બંનેને રાહત મળે છે. જેમકે જોબ આપનારને ઓછી ચૂકવણી કરવી પડે છે અને જોબ લેનાર મર્યાદીત માંગણી કરે છે.
જેના નામે વિવાદ શરૂ થયો છે તે સોહમ પારેખ અઠવાડિયાના ૧૪૦ કલાક કામ કરતો હતો અને અનિન્દ્રાના રોગથી પીડાતો હતો. તેણે કહ્યું કે હું જાણું છું કે મેં ખોટું કામ કર્યું છે પરંતુ મારે પૈસાની જરૂર હતી. માત્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ મૂનલાઇટીંગ કરાર જોવા મળે છે. ઓનલાઇન કામ કરતા લોકોને મૂનલાઇટીંગની તક વધુ મળે છે.
આઇટી ક્ષેત્રમાં મૂનલાઇટીંગ બહુ આસાનીથી જોવા મળે છે. ભારતના અનેક ક્ષેત્રો જેવાકેે એકાઉન્ટીંગ, ગ્રાફીક્સ, ઓનલાઇન ટ્રાન્સલેશન, ડેટા એન્ટ્રી, ઇકોમર્સ, વેબસાઇટ ડેવલોપર્સ, આવક રળી આપતો બ્લોગ જેવાં અનેક ક્ષેત્રોમાં મૂનલાઇટીંગ જોવા મળે છે. મૂનલાઇટીંગ આસાન નથી હોતું. તેના માટે સમય ફાળવવો પડે છે અને તેમાં ઓછા પૈસા મળે છે. વધારાનું કામ મળવું બહુ આસાન નથી હોતું. તેના માટે સ્કીલની જરૂર પડે છે અને સમય મર્યાદામાં કામ આપવું પડે છે.
મૂળ જોબમાંથી થાકીને આવ્યા હોઇએ ત્યારે મોડી રાત સુધી મૂનલાઇટીંગ માટે સમય ફાળવવો પડે છે. મૂનલાઇટીંગ પૈસા કમાવી આપે છે. જો મૂળ જોબમાં કંપની સંતોષકારક વળતર આપતી હોય તો કોઇ મૂનલાઇટીંગ તરફ વળેજ નહીં અને વફાદાર રહે. તમારા હાથમાં રહેલી સ્કીલ આર્થિક ઉપાર્જન ના કરી શકે તો તે સ્કીલનો કોઇ અર્થ રહેતો નથી.
દરેક પગારદાર મૂનલાઇટીંગ સાથે સંકળાયેલા હોય છે અથવા તો વધારાની આવક મેળવવા પ્રયાસ કરે છે. વધારાની આવક મેળવવા ભ્રષ્ટાચાર કરવો કે અન્ય બે નંબરીના માર્ગે ચઢવું તેના કરતા મૂનલાઇટીંગ ઉત્તમ છે. જે એમ કહેકે હું મૂનલાઇટીંગ માટે પ્રયાસ નથી કરતો તો સમજવું કે તે જુઠ્ઠું બોલે છે.