mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રાજકારણમાં કિરોડીમલ જેવા વચન પાળનારાઓની જરૂર

Updated: Jul 5th, 2024

રાજકારણમાં કિરોડીમલ જેવા વચન પાળનારાઓની જરૂર 1 - image


- રાજકારણ એ જુઠ્ઠાબોલાઓનું શોપિંગ સેન્ટર

- પ્રસંગપટ

- ચૂંટાયા પછી હોદની શપથ લેનારા જો શપથને વળગી રહે તો દેશમાંથી ભ્રષ્ટાચાર મટી શકે એમ છે

ભારતનું રાજકારણએ જુઠ્ઠાબોલાઓનું શોપિંગ સેન્ટર છે. તેમાં આવેલી તમામ દુકાનો જુઠ્ઠા વચનો આપતી આવી છે. દરેક પાસે ભારતના મતદારોને મૂર્ખ બનાવવાની માસ્ટર કી રહેલી છે. અહીં મફત પાણી પીવડાવતી દુકાનો પણ મતદારો પાસે મતની અપેક્ષા રાખેે છે.

આ શોપિંગ સેન્ટરમાં રાજસ્થાનના કિરોડીમલ મીનાની દુકાન ધ્યાન ખેંચી રહી છે કેમકે તેમણે લોકસભાની ચૂંટણી પહેલાં કરેલી જાહેરાત ને વળગી રહ્યા હતા અને હવે રાજીનામું પણ ધરી દીધું છે. ભારતનું રાજકરણીઓની ઓળખ આયારામ ગયારામ, પલટુબાજો અને જુઠ્ઠાબોલાઓ સાથે સંકળાયેલી છે. પ્રોમીસ તેમના માટે રમત વાત બની ગઇ છે. 

વચનો આપવા તેને તોડવામાં દરેક રાજકીય પક્ષને સો માંથી સો માર્ક આપી શકાય એમ છે. બોલેલું ફરી જવામાં દરેક પક્ષ એક સરખાં છે. એટલે તો ભારતની સામાન્ય પ્રજા રાજકરાણીઓ પર ભરોસો નથી રાખતી અને એટલેતો શિક્ષિત વર્ગ રાજકારણને દુરથી નમસ્કાર કરતો આવ્યો છે.

કેટલાક રાજકારણીઓ જુદી માટીના બનેલા હોય છે પરંતુ તેમની તીતૂડી સાંભળવા કોઇ તૈયાર નથી હોતું. જોકે તાજેતરમાં રાજસ્થાનના લોકસભા જંગમાં ભાજપ કેટલીક બેઠકો હારતા અનુભવી રાજકારણી કિરોડીમલે કેબીનેટમાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભાના જંગ પહેલાં કિરોડીમલે એવી જાહેરાત કરી હતી કે તેમણે પોતાના પક્ષ ભાજપ ને જે બેઠકો જીતાડવાની ખાત્રી આપી છે તે નહીં જીતાય તો હું રાજીનામુ આપી દઇશે. 

કિરોડીમલ રાજસ્થાનના કેબિનેટ મિનીસ્ટર છે. કૃષિ જેવાં મહત્વના ખાતા તેમની પાસે છે. લોકસભાની ચારેક બેઠકો પર તેમનો પ્રભાવ અને પકડથી પ્રતિસ્પર્ધી પક્ષના ઉમેદવારો પણ ડરતા હતા. પોતાનો પ્રભાવ જોઇનેજ કિરોડીમલે એવી જાહેરાત કરી હતી કે જો મને સોંપવામાં આવેલી બેઠક પરથી ભાજપનો ઉમેદવાર હારશે તો હું રાજીનામું આપી દઇશ.આવી જાહેરાત પાછળ કિરોડીમલની કોઇ લાગણીવશ સ્વભાવ નહોતો પણ તેમનો કોન્ફીડન્સ બોલતો હતો.

જોકે કાળ ક્રમે એવું થયું કે કિરોડીમલ જે બેઠકો માટે આત્મવિશ્વાસ ધરાવતા હતા તે બેઠકો પર કોંગ્રેસની જીત થઇ હતી. કિરોડીમલે તેમના પક્ષના મોવડીઓને જે બેઠકો જીતાડવાનું પ્રોમીસ આપ્યું હતું તેમાં તેમના વતનની ડૌસા બેઠકનો પણ સમાવેશ થતો હતો. કોંગ્રેસ ડૌસા બેઠક જીતી હતી. 

રાજસ્થાનની કોંગ્રેસે જીતેલી આંઠ બેઠકોમાં ડૌસાનો પણ સમાવેશ થાય છે. ૭૨ વર્ષના કિરોડીમલનું રાજીનામું અન્ય રાજકારણીઓ માટે બોધપાઠ સમાન છે. ૧૦ દિવસ પહેલાં તેમણે આપેલું રાજીનામું હજુ સ્વીકરાયું નથી.  

આવીજ રીતે લદ્દાખના બૌધ્ધ નેતા થુપસ્તન છેવ્વાન્ગે પણ એમ કહીને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું તે ૨૦૧૪ની ચૂંટણીમાં આપેલા વચનો પાળ્યા નથી માટે હું રાજીનામું આપું છું અવો પત્ર સીધોજ વડાપ્રધાન મોદીને લખ્યો હતો. લદ્દાખના ડેવલોમેન્ટના નામે તેમણે મત લીધા હતા અને પછી તે પ્રમાણે કામ ના થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસના સિનિયર સભ્ય અને સુપ્રીમ કોર્ટના નામાંકીત વકીલ કપિલ સિબ્બલ પણ રાજીનામાના આવાજ એક વમળમાં ફસાયા હતા. તેમણે કહ્યું હતું કે જો રામમંદિર બનશે તો હું જીવનનો ત્યાગ કરીશ. 

રામ મંદિર બન્યા પછી તેમની વાત બહુ ચગી હતી પરંતુ હકીકત એ હતી કે કપિલ સિબ્બલે આવું કહ્યુંજ નહોતું પરંતુ કપિલ સિબ્બલે એમ કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી રામ મંદિર નહીં બનવા દઉં. જોકે તેનું હિન્દી ટ્રાન્સલેશન એવું કરાયું હતું કે જો રામમંદિર બાંધાશે તો હું મોતને વહાલું કરીશ. 

રામ મંદિર બંધાતાજ દરેક કપિલ સિબ્બલની પાછળ પડી ગયા હતા પરંતુ હકીકત જુદીજ નીકળતાં બધું શાત થઇ ગયું હતું. કિરોડીમલ મીના અને થુપસ્તન જેવા લોકો રાજકારણમાં સન્માનીય છે.    અહીં મહત્વનું એ છે કે જો બધા રાજકારણીઓ આવા પ્રોમીસ પ્રમાણે રાજીનામાં આપે તો અડધો અડધ સંસંદ ખાલી થઇ જાય. ચૂંટાયા પછી હોદની શપથ લેનારા જો શપથને વળગી રહેતો દેશમાંથી ભ્રષ્ટાચારનું નામો નિશાન મટી શકે એમ છે.

Gujarat