- કરંસીનો વહીવટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે છે
- પ્રસંગપટ
- 1991થી 1996ના કાળમાં રૂપિયો 22થી 41 પર આવી ગયો તેને સૌથી મોટો ડોલરિયો જમ્પ કહેવાયો હતો
ભારતનું શેરબજાર ૧૦૦૦ પોઇન્ટ તૂટે તો બજારમાં હાહાકાર સર્જાય છે. રોકાણકારોના કેટલા રૂપિયાનું ધોવાણ થયું તેવી ચર્ચા જોવા મળે છે. બજાર તૂટવાના કારણો જણાવાય છે અને રોકાણકારો કેેટલા ડરેલા છે તે પણ કહેવાય છે પરંતુ ભારતના ઇતિહાસમાં પહેલીવાર ડોલર સામે રૂપિયો તૂટીને ૯૦ને પાર કરી ગયો તે બાબતે બહુ ચિંતા વ્યક્ત કરાઇ નથી. ડોલર મજબૂત થયો એ કંઇ ડોનાલ્ડ ટ્રમ્પની જીત નથીકે તૂટતો રુપિયો મોદી સરકારની હાર નથી. ભારતનું આર્થિક ચિત્ર નબળું છે પરંતુ અમેરિકાની કરંસી સર્વત્ર નથી તે પણ સમજી લેવું જોઇએ. કરંસીનો વહિવટ રિઝર્વબેંક ઓફ ઇન્ડિયા પાસે છે માટે શુક્રવારે તે કેવા પગલાં ભરે છે તેેના પર સૌની નજર છે.
ડોલર સામે તૂટતો રૂપિયો ચિંતાનો વિષય છે પરંતુ સંસદમાં કે વિરોધ પક્ષોમાં તે મુદ્દો ચર્ચવા માટે કોઇ આગ્રહ દેખાતો નથી. સંસદમાં તેના માટેની ચર્ચાનો ખાસ સમય ફાળવવાની જરૂર હતી પરંતુ એવું કશું દેખાતું નથી. રૂપિયો ૯૦ને વટાવે તે એક માઇલ સ્ટોન સમાન હોવા છતાં વિરોધ પક્ષની પાટલી કૂતરાના વિવાદને વળગી રહી છે. તૂટતો રૂપિયો એ દેશનો મુદ્દો છે, દેશના આર્થિક તંત્ર સાથે સંકળાયેલો મુદ્દો છે.
અહીં મહત્વની વાત એ છે કે દેશના ૯૦ ટકા લોકોના મતે સેન્સેક્સમાં તેજી કે સોના-ચાંદીના ભાવોમાં તેજી પરથી દેશનું આર્થિક તંત્ર નક્કી થાય છે. પરંતુ આ લોકોના કાચા સોના સમાન ઓઇલના ભાવ કે તૂટતા રૂપિયાથી થતા નુકશાનને સમજવા દીધું નથી. બુધવારે જે રૂપિયા તૂટીને ૯૦.૧૨ સુધી પહોંચ્યો હતો તેમાં આજે બપોર સુધીમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.
ભારત સરકારની સદ્દનસીબી એ છેકે વિશ્વના બજારમાં ઓઇલના ભાવ તૂટી રહ્યા છે. હવે જો શુક્રવારે રિઝર્વ બેંક વ્યાજ દર બાબતે કોઇ પગલાં ભરે તો રૂપિયા તૂટતો બચી શકે છે. મધ્યમ વર્ગ ડોલરમાં કશું ખરીદ કરવા જવાનો નથી માટે તેને બહુ ફેર પડવાનો હોય એવું લાગતું નથી. જેને અમેરિકા જવું છે તેને ફર્ક પડશે પરંતુ અમેેરિકા એ એટલા બધા વિઝા નિયંત્રણો મુક્યા છેકે અમેેરિકા જનારાઓની સંખ્યા ઘટી છે.
જેમના સંતાનો વિદેશમાં ભણે છે તેમને વધુ પૈસા ચૂકવવા પડશે પરંતુ જે લોકો તેમના સંતાનોને વિદેશ મોકલે છે તેમણે થોડી વધારાની આર્થિક વ્યવસ્થા રાખી હોય તે સ્વભાવિક છે. ભારત સહિતના કેટલાક દેશોએ અમેરિકાના ડોલરની માયાજાળમાંથી છૂટવા પ્રયાસ કર્યો હતો અને પોતાની અલગ કરંસીમાં પેમેન્ટનું આયોજન કર્યું હતું. આર્થિક જગતે તૂટતા રૂપિયા અંગે જેટલા પ્રત્યાઘાત નથી આપ્યા એટલા પ્રત્યાઘાત તો સોશ્યલ નેટવર્ક પરના બની બેઠેલા આર્થિક નિષ્ણાતોેે એ આપ્યા છે. જે લોકો મેઇડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવે છે તેમને લાભ એટલા માટે થવાનો છે કે તે દરેક વસ્તુ સ્વદેશી વાપરવાના છે જ્યારે તેમની સ્પર્ધામાં ઉભા રહેલા અમેરિકાની ચીજો વાપરતા હોઇ તેમના ઉત્પાદનની કિંમત વધુ આવશે.
વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમત ઘટી છે પરંતુ ડોલરની કિંમતમાં ઉછાળો આવતા ભારતે વધુ પૈસા ચૂકવવા પડશે. જે કંપનીઓ ડેાલરમાં વેતન ચૂકવે છે તેને વધુ પૈસા ચૂકવવા પડશે, જેથીઆવી કંપનીઓ સ્ટાફ ઓછો કરવાનું વિચારી શકે છે. એક તરફ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અટવાયેલા પડયા છે તે બીજી તરફ તૂટતા રૂપિયાએ સરકારનું ટેન્શન વધાર્યું છે. બુધવારે ૯૦.૨૪ પર અટકેલો રૂપિયો ગુરૂવારે થોડો સુધર્યો હતો અને ૮૯.૯૮ પર આવ્યો હતો.ેેે
૧૯૯૧થી ૧૯૯૬ના કાળમાં રૂપિયો ૨૨ પરથી ૪૨ પર આવી ગયો તે સમયે તેને સૌથી મોટો ડોલરીયો જમ્પ કહેવાયો હતો પરંતુ ત્યારે તેને બહુ ધ્યાનમાં લેવાયું નહોતું. ત્યારબાદ રૂપિયો સતત તળીયા તરફ જવા લાગ્યો હતો. વિના રોકટોક રૂપિયાએ ગબડયા કર્યું હતું. કોઇ રાજકીય પક્ષે ક્યારેય ચૂંટણી પ્રચારમાં એમ નથી કહ્યું કે અમે તૂટેલો રૂપિયો બચાવીશું અને તેને ૫૦ પૈસા સુધી ખેંચી લાવીશું. દેશના લોકોને સોના ચાંદીના ભાવો તરફ વધુ ધ્યાન હોઇ તૂટતા રૂપિયા પર કોઇ નજર રાખતું નથી. એટલેજ તૂટતો રૂપિયા રાજકીય મુદ્દો બની શકે એમ નથી.તૂટતા રૂપિયાના નામની માળા જપીને ભાજપ ૨૦૧૪માં સત્તા પર આવ્યું હતું હવે કોંગ્રેસ પણ ભાજપે અપનાવેલી ટ્રીક અજમાવી શકે છે.


