Get The App

ટેરિફ વિવાદના પગલે સ્વદેશી ચળવળ ફરી શરૂ કરવાની તક

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ વિવાદના પગલે સ્વદેશી ચળવળ ફરી શરૂ કરવાની તક 1 - image


- સ્વદેશી મુવમેન્ટ અને લાલ-બાલ-પાલને કેમ ભૂલાય?

- પ્રસંગપટ

- ગામડાના અર્થતંત્રને સુધારવા માટે સ્વદેશી ચીજોને પ્રોત્સાહન આપીને ત્રીજા નંબરનું અર્થતંત્ર બની શકાય

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આર્થિક રીતે ભીંસમાં લેવાની ચાલ રમવી શરૂ કરી ને તે સાથે જ ભારતમાં સ્વદેશી ચીજોના વપરાશ તરફ વળવાની શરૂઆત થઇ છે. વૈશ્વિક આર્થિક તંત્ર ડામાડોળ થઈ રહ્યું છે. વિશ્વની આર્થિક સ્થિતિ અમેરિકા સાથેના ટેરિફ વિવાદના કારણે ભારતને દઝાડે તે પહેલાં ભારતે સ્થિરતા ઊભી કરવાના પ્રયાસો કરવા પડશે. ભારત ગામડાના અર્થતંત્રને સધ્ધર કરવા માંગતું હતું, પરંતુ વિદેશનો પવન અને વિદેશી ટેકનોલોજીના જોરે થયેલા વિકાસે સ્વદેશી મૂવમેન્ટને કોરાણે ધકેલી દીધું હતું. સરકારે જોકે પછી મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોજેક્ટ પર ભાર મુકીને વોકલ ફોર લોકલનો કોન્સેપ્ટ પણ આગળ વધારવાની કોશિશ કરી હતી.

આમ છતાંય ગામડાંના પ્રોડક્ટ આધારીત આર્થિક તંત્રમાં કોઇ પ્રગતિ જોવા મળતી નહોતી. અહીં ભાવનગરનો એક કિસ્સો યાદ આવે છે. એક કથાકારે મંચ પરથી કહ્યું કે પોતે ખાદી પહેરે છે અને તે પહેરવી જોઇએ, કેમ કે તેનાથી ગામડામાં રોજગારી વધી શકે છે. કહે છે કે કથાના અંતિમ દિવસ સુધીમાં બજારમાંથી તમામ ખાદી વેચાઇ ગઇ હતી. ટૂંકમાં, જેમનું સમાજમાં ઠીક ઠીક ઉજળું નામ છે એવા સંતો- સુધારકો અને ઇવન રાજકીય નેતાઓ સ્વયં સ્વદેશી ચીજો વાપરવાનું શરૂ કરેતો અમેરિકન બ્રાન્ડઝને ફટકો પડી શકે છે. 

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે આગામી તહેવારોની સિઝનમાં ભારતીયોએ સ્થાનિક બનાવટની પ્રોડક્ટ્સ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. ભાજપે ખરેખર તો સૌથી પહેલાં પોતાના કાર્યકરો પર ભારતીય બનાવટની ચીજો વાપરવાની ફરજ પાડવી જોઇએ. માત્ર વાતો કરવાથી કંઈ નહીં વળે. સરકારે પોતે એક્શન મોડમાં આવીને સ્વદેશી ચીજો ખરીદવાની ઝુંબેશ શરૂ કરવી પડશે. 

  સ્વદેશી ચીજોના વપરાશ વધારવાની વાત આવે છે ત્યારે લાલ-બાલ -પાલ (લાલા લજપતરાય-બાલ ગંગાધર તિલક-બિપીનચન્દ્ર પાલ) તરીકે જાણીતી થયેલી ત્રિપુટીએ આદરેલું વિદેશી માલના બહિષ્કારનું આંદોલન યાદ આવી જાય છે. ૧૯૦૬માં કલકત્તા સેશનમાં દાદાભાઇ નરોજજીએ સ્વદેશી માલસામાનનો વપરાશ કરવાનો ઠરાવ કર્યો હતો. તેની સાથે વિદેશી માલના બહિષ્કારની મુવમેન્ટ પણ શરૂ થઇ હતી.

સ્વદેશી કપડાંનો ઢગલો કરીને તેની હોળી કરવા જેવો જુસ્સો હવે પ્રગટી  થઇ શકે એમ નથી, પરંતુ જો ભાજપ સાચેજ ગામડાના અર્થતંત્રને સધ્ધર બનાવવા માગતું હોય તો સ્વદેશી ચીજોના વરાશનો મુદ્દો ઝડપી લઇને તેને ચૂંટણીનો મુદ્દો બનાવવો જોઇએ.  

આગામી તહેવારોમાં લોકો ખરીદી માટે મેઇડ ઇન ઇન્ડિયાનું લેબલ ધરાવતી પ્રોડક્ટ પર પસંદગી ઉતારે તો કેટલીક અમેરિકન પ્રોડક્ટસને ફટકો વાગી શકે છે. સરકાર બધું લોકો પર થોપે છે, પરંતુ તે ધારે તો ગુગલ જેવું સર્ચ એન્જીન બનાવીને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા કરોડો ભારતીયોને ગુગલ વાપરતા બંધ કરી શકે છે.

અમેરિકાની મોટી કંપનીઓ ભારતના  વપરાશકારોની સંખ્યા અને તેમની ખરીદશક્તિ જોઇને આકર્ષાય છે અને દેશમાં રોકાણ કરે  છે. ભારતમાં હાઇ વેટવર્થ ધરાવતા લોકોની સંખ્યા વધવાના પગલે અમેરિકાની  મોંઘીદાટ લક્ઝરી બ્રાન્ડ્ઝના સ્ટોર્સ ભારતમાં ખુલવા લાગ્યા છે.

ગુલામી દરમિયાન  સ્વદેશી મુવમેન્ટ ચલાવીને ભારતીયોએ અંગ્રેજો પર દેશ છોડવા માટે દબાણ વધાર્યું હતું. એ જ રીતે વર્તમાન સમયમાં સ્વદેશી મુવમેન્ટ ચલાવીને અમેરિકાની ટેરિફ નીતિને હંફાવી શકાય . હકીકત તો એ પણ છે કે ભારતે ખરેખર તો અમેરિકન નીતિને હંફાવવાની વાત બાજુએ મુકીને સ્વદેશી ચળવળ ફરી શરૂ કરવી જોઈએ અનેે ગામડાના દબાયેલા ગ્રામીણ અર્થતંત્રમાં નવોપ્રાણ ફૂંકવો જોઈએ. ૅવિશ્વનું ત્રીજા નંબરની અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધવા માટે આ પ્રકારનાં પગલાં ભરવાં જરૂરી છે. 

અમેરિકા સાથેના ટેરિફ વિવાદને કારણે ભારતનાં ગામડાના અર્થતંત્રને સુધારવાની તેમજ સ્વદેશી ચીજોને પ્રોત્સાહન આપવાની વાત સપાટી પર આવી ગઇ છે. ભારતની ઇકોનોમીને અત્યારે એક બૂસ્ટની જરૂર છે એ તો નક્કી. 

Tags :