Get The App

સોશિયલ નેટવર્ક પર જિબલીનો ક્રેઝઃ સાયબર ક્રિમિનલોની નજર

Updated: Apr 5th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ નેટવર્ક પર જિબલીનો ક્રેઝઃ સાયબર ક્રિમિનલોની નજર 1 - image

- લોકો કાયમ નવા ટ્રેન્ડની શોધમાં હોય છે

- પ્રસંગપટ

- હવે તો AI કોઇ પણ  ફોટાને જિબલીફાય કરી શકે છેઃ ચેટ જીપીટીનો ઉપયોગ

હાલમાં સોશિયલ નેટવર્ક પર જિબલી (Ghibli)નો ક્રેઝ જોવા મળે છે. એક તરફ આર્ટિફિશિલ ઇન્ટેલીજન્સ (AI)નાં ટૂલ આસાનીથી ઉપલબ્ધ થવા લાગ્યાં છે અને બીજી તરફ નવા નવા ટ્રેન્ડ અસ્તિત્ત્વમાં આવતા જાય છે. લોકો જાણે નવા ટ્રેન્ડની રાહ જોઈને જ બેઠા હોય છે. જિબલી આવો જ એક નવોનક્કોર ટ્રેન્ડ છે. જિબલી ઇમેજીસથી સોશિયલ મીડિયા છલકાઈ રહ્યું છે. અહીં દર્શાવેલી સચિન તેંડુલકરની ઇમેજ બહુ ટ્રેન્ડ થઇ છે. આવી ઇમેજ ઓનલાઇન બનાવતા માંડ થોડી મિનિટો લાગે છે.

ચારેક સ્ટેપમાં યુઝર પોતાની તસવીરને હસમુખા કાર્ટૂન જેવી દેખાતી ઇમેજમાં પરિવર્તિત કરી શકે છે. જિબલીની આ ઇમેજીસ લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજીસ પર શેર કરી રહ્યા છે. હવે જોકે સાયબર પોલીસ લોકોને ચેતવી રહી છે કે તમે જિબલી ઇમેજથી સર્તક રહેજો. જિબલી ઇમેજ તૈયાર કરવાની લિન્ક હેઠળ સાયબર ક્રાઇમ કરનારાઓનો ટ્રેપ છૂપાયેલો હોઇ શકે છે. સાયબર પોલીસ કહે છે કે સત્તાવાર વેબસાઇટો અને અધિકૃત રીતે વપરાશમાં લેવાતાં એઆઈ ટૂલ્સનો જ ઉપયોગ કરવો. 

લોકો પોતાની જિબલી ઇમેજ બનાવી બનાવીને શેર કરતી વખતે હરખાતા હોય છે ને પોતે ટેકનોલોજિકલી અપડેેટેડ છે એવું વિચારીને પોરસાતા હોય છે. ખાટલે મોટી ખોડ એ છે કે નવી ટેકનોલોજી પર સાયબર ક્રિમિનલોની પણ તીક્ષ્ણ નજર હોય છે. જાતજાતની ટ્રિક અજમાવીને તેઓ તમારો ડેટા સહિત ઘણું બધું ચોરી શકે છે. 

જિબલીની ઇમેજ બનાવવામાં થોડી  મિનિટો થાય છે. તે દરમિયાન તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં માલવેર ઘૂસી શકે છે. થોડી ક્લિક કરતાં ઇમેજ આપોઆપ તૈયાર થઈ જાય છે. હવે સાવ આસાન લાગતાં ટૂલ્સ અને AI પ્લેટફોર્મ પણ જોખમી બની ગયાં છે. ચેટજીપીટીના આ નવા ફીચરને લોકો આવકારી રહ્યા છે, પરંતુ ઇન્ટરનેટ પરના કોઇ પણ નવા ટ્રેન્ડ પર સાયબર ચોરોને ડોળો હોય છે તે ભૂલવું ના જોઇએ. 

જિબલી ઇમેજ બહુ ચિત્તાકર્ષક લાગે છે. આ ઇમેજ તૈયાર કરવા માટે કોઈ આર્ટિસ્ટની જરુર પડતી નથી. AI ટૂલનો ઉપયોગ કરવાથી માત્ર ચારેક સ્ટેપમાં તમે ખુદની કે બીજા કોઈની કાર્ટૂનનુમા ઇમેજ તૈયાર કરી શકો છો. 

એનિમેશન આધારિત ડ્રોઇંગ જો હાથે બનાવવામાં આવે તો બહુ વાર લાગે છે, જ્યારે જિબલી ઇમેજ તો ત્રણ-ચાર મિનિટમાં જ સ્ક્રીન પર ઉપસી આવે છે. જિબલી ઇમેજમાં માણસ ઉંમરમાં નાનો, રમતિયાળ, ગમતીલો અને 'ક્યુટ' દેખાય છે. પોતાની જિબલી ઇમેજ જોઈને માણસના ચહેરા પર સ્મિત આવી જાય છે.

હવે તો AI  કોઇ પણ  ફોટાને 'જિબલીફાય' કરી શકે છે. ઓપન AIના લેટેસ્ટ અપડેટ બાદ સોશિયલ મિડિયા જિબલી ઇમેજોથી છલકાઇ રહ્યું છે ત્યારે પ્રશ્ન થાય છે કે શું જિબલીને આર્ટ કહી શકાય? કેટલાક તેને ઇન્ટરને આર્ટ કહે છેે, તો કેટલાક તેને કળાના નામે મશ્કરી ગણે છે. 

સોશિયલ નેટવર્ક પર તો એવા ઉસ્તાદો સક્રિય છે કે એમાંના કેટલાકે જિબલી ઇમેજ બનાવવાના ઓનલાઇન ક્લાસ સુદ્ધાં ખોલી નાખ્યા છે!  જિબલી ઇમેજથી જાગેલા તરંગોથી જોકે સ્ટુડિયો જિબલીના કો- ફાઉન્ડર હાયાઓ મિયાઝાકી બહુ ખુશ નથી. તેઓ કહે છે કે લોકોની મશ્કરી માટે જિબલી ઇમેજ વપરાતી હોય એમ લાગે છે. તેમના મતે આ નવો ટ્રેન્ડ જિબલીના સૌંદર્યને પકડી શકે છે, પણ આ ઇમેજમાં 'આત્મા' હોતો નથી.

લોકો જિબલી વશે વધુ જાણવા મથે છે. હાયાઓ મિયાઝાકીએ  ૧૯૮૫માં સ્ટુડિયો જિબલીની સ્થાપના કરી હતી, જે આજે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. ૧૯૮૦ના દાયકામાં તો હાથથી એનિમેશન તૈયાર કરવામાં આવતું હતું. ચેટજીપીટીની એન્ટ્રી થઈ પછી આ એઆઇ ટૂલ હાથવગું બની ગયું છે. આ એક જાપાનીઝ આર્ટ છે,  પરંતુ તેનું નામ ઇટાલીયન છે. મિયાઝાકીએ એનિમેશન ક્ષેત્રે ૧૯૬૩માં કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૮૨થી ૧૯૮૪ દરમ્યાન તેમણે એનિમેટેડ ફિલ્મો માટે કામ કર્યું હતું. આ સ્ટુડિયોએ બનાવેલી કેટલીક એનિમેશન ફિલ્મોમાં નેબર ટોટ્રો, સ્પિરીટેડ અવે, પ્રિન્સેસ મોનોનોક વગેરેનો સમાવેશ થાય છે.  ચેટજીપીટી યા તો કહો કે એઆઈના પગલે ટેકનોલોજીની નવી લહેરો વિશ્વમાં ફેલાઈ ગઈ છે. તાજેતરમાં ઓપન એઆઇએ  GPT 40 નામનું નવું ફીચર અપલોડ કર્યું છે. તેને ૪૦ ઇમેજ જનરેશન કહે છે, જે યુઝર્સ બહુ ઉપયોગી બની ગયું છે.