Get The App

અધિકારીઓની લાંચની માગણીથી કંટાળેલી કંપની ભારત છોડી રહી છે

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
અધિકારીઓની લાંચની માગણીથી કંટાળેલી કંપની ભારત છોડી રહી છે 1 - image

- વિનટ્રેકના કેસમાં પડદા પાછળની લેતીદેતીમાં ડખો 

- પ્રસંગપટ

- 'હપ્તો ન આપીએ તો રોજિંદું કામકાજ ખોરવી નાખવાની ચેન્નાઇના કસ્ટમ અધિકારીઓ ધમકી આપે છે'

ભારતમાં ભ્રષ્ટાચાર એ નવી વાત નથી. વડાપ્રધાન મોદી ભલે એમ કહે કે ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ બિઝનેસ ક્ષેત્રે સાથે સંકળાયેલા લોકો કહે છે કે ભ્રષ્ટાચાર કરવામાં કરવામાં કોઈ પક્ષના વખાણ થાય તેમ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચીજો પર હેવી ટેરીફ નાખ્યો ત્યારથી ભારતમાં ઉત્પાદન એકમો વધારવા તેમજ ઇનોવેટીવ સ્ટાર્ટઅપ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવાની માંગ ઊભી થઈ. 

ભારતમાં એક તરફ નવાં ઉત્પાદન એકમો ઉભા કરીને રોજગારી પેદા કરવાનો પ્લાન તૈયાર કરાયો છે, જ્યારે ભારતના ચેન્નાઇ ખાતેના કસ્ટમ ખાતાનો ભ્રષ્ટાચારથી ત્રસ્ત વિનટ્રેક નામની એક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કંપની ભારત છોડવા તૈયાર થઇ છે અને બિસ્તરાં પોટલાં બાંધી રહી છે. તમિળનાડુની વિનટ્રેક કંપનીએ બહુ ગંભીર આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો છે.

વિનટ્રેક કંપનીએ આક્ષેપ કરતાં કહ્યું છે કે  તમિળનાડુની ચેન્નાઇ કસ્ટમ દ્વારા લાંચ માગવામાં આવે છે અને તે સંદર્ભે  હેરાન કરાય છે. અમે કંટાળીને ચેન્નાઇ ખાતેની કંપની બંધ કરીએ છીયે અને ભારતને બાયબાય કરી રહ્યા છીએ.

આ પ્રકારના ભ્રષ્ટાચારથી ત્રસ્ત ઘટનાઓના કારણે જો કોઇ કંપની ભારત છોડે તો વાશ્વિક પ્લેટફોર્મ પર દેશની શાખને મોટું નુક્સાન પહોંચી શકે છે. કંપની પાસે લાંચ માંગનારા લોકો ચેન્નાઇના કસ્ટમ વિભાગના છે એવું વિદાય લઇ રહેલી કંપની વિનટ્રેકે જાહેરમાં કહ્યું છે. એટલે જ કેન્દ્ર સરકારે ઘટનાની ન્યાયિક તપાસની શરૂઆત કરી છે. 

નાણા મંત્રાલયે ચેન્નાઇ કસ્ટમ સામે કરાયેલા આક્ષેપોની તપાસ કરવા આદેશ આપ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂના સિનિયર  અધિકારી તપાસ કરશે.

વિનટ્રેકે પોતાની રજૂઆત માટે સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. કંપનીએ માઇક્રો બ્લેાગીંગ સાઇટ એેક્સ પર પોતાની આપવીતી લખી હતી. કંપનીએ લખ્યું હતું કે ભારતમાંથી આયાત નિકાસના કામો બંધ કરીએ  છીએ કેમ કે અમે ચેન્નાઇ કસ્ટમની સતત હેરાનગતીથી કંટાળ્યા છીએ. અમારી કંપની પહેલી ઓક્ટોબરથી ભારતમાંથી કરાતી આયાત નિકાસના કામો બંધ કરી રહી છે.

કંપનીના અધિકારીએ ઉમેર્યું હતું કે ચેન્નાઇ કસ્ટમે વર્ષમાં બે વાર લાંચ (હપ્તો) માંગવાની શરૂઆત કરી હતી. જો અમે તેમની માંગણીના સંતોષીએ તો  અમારી રોજીંદી કામગીરી ખોટકી નાખવાની ધમકી આપે છે. છેલ્લા ૪૫ દિવસથી ચેન્નાઇ કસ્ટમના અધિકારીઓ અમને સતત હેરાન કરી રહ્યા છે. 

જોકે વિવાદ થયો એેટલે ચેન્નાઇ કસ્ટમવાળા કહે છે કે આ આક્ષેપ ખોટો છે. આ કંપની પોતનો માલ સામાન  યોગ્ય કાર્યવાહી કર્યા વગર મોકલવા માંગે છે. અમે તેમને કાયદેસરના કામ કરવાનું કહીએ છીએ તો અમારી સામે લાંચના આક્ષેપો કરે છે અને તે રીતે અમારા પર પ્રેશર લાવે છે. ચેન્નાઇ કસ્ટમે કહ્યું છે કે કાયદાનું પાલન નહીં કરનારા અધિકારી પર આક્ષેપો કરીને તેમને ડરાવવા મથતા હોય છે.

વિનટ્રેકના કેસમાં પડદા પાછળની લેતીદેતીમાં ડખો થયો હોય એમ જણાઈ આવે છે. તમિળનાડુની કંપનીએ અનેક આક્ષેપો કરીને તમિળનાડુના કસ્ટમ ડિપાર્ટમેન્ટની પોલ ખોલી નાખી છે. ચેન્નાઇના અધિકારીઓેએ છેલ્લે અમારૂ શિપમેન્ટ ક્લીયર કરવા દોઢ લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરાયો છે. સામે છેડે કસ્ટમવાળા કહે છે કે અમારી ઇમેજ પર ધક્કો મારવા બહુ યોજનાબધ્ધ રીતે કામ શરૂ કરાયું છે.

વેપારી આલમ અને સરકારી અધિકારીઓ વચ્ચે લાંચ એ સિક્કાની બે બાજુ જેવા છે. કસ્ટમ ખાતું આમ પણ બદનામ છે. અનેકને તેમનો અનુભવ થઇ ચૂક્યો છે. કોઇ ફરિયાદ નથી કરતું પણ ટ્રિક્સ ઓફ ધ ટ્રેડ જાણનારા પતાવટનો વધુ આગ્રહ રાખે છે. લોકોની નજરમાં કસ્ટમ ખાતાની મથરાવટી મેલી છે.

બંને પક્ષ એટલે કે વેપારી આલમ અને કસ્ટમના અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ ચાલતી હોય છે. વિનટ્રેકે કરેલા આક્ષેપો સાબિત કરવા અઘરા છે, પરંતુ સત્તાવાળાઓેએ સમસ્યાની જડ સુધી જઇને  તેનું સોલ્યુશન લાવીને લોકો સમક્ષ  આ વાત મુકવી પડશે.