શેરબજાર સાથે વિદેશના રોકાણકારોની સંતાકૂકડી

- રૂા. 23,885 કરોડના ઉપાડ પછી હવે રિવર્સ ગતિ
- પ્રસંગપટ
- મજબૂત કોર્પોરેટ પરિણામો અને યુએસ-ભારત વેપાર વાટાઘાટોની અપેક્ષાઓના પગલે ફેરફાર
વિદેશના રોકાણકારો ભારતના શેરબજાર સાથે સંતાકૂકડી રમતા આવ્યા છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચનારા હવે ઓક્ટોબરની શરુઆતથી જ પાછા ભારતમાં રોકાણ કરવા પાછા આવી ગયા છે. ભારતનું અર્થતંત્ર ડામાડોળ બની રહેવાનું છે અને ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલી ટેરિફ ભારતના અર્થતંત્રને તોડી નાખશે એવા ડર અને સંભાવનાઓથી વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પરત ખેંચવા લાગ્યું હતું. દરેકને એમ હતું કે વિદેશી રોકાણ પાછું ખેંચાશે તો શેરબજારમાં મંદી જોવા મળશે અને બજાર કકડભૂસ થઇ જશે. જોકે સ્થાનિક રોકાણ કારોનો એવો ટેકો મળ્યો હતો કે શેરબજાર સ્થિર રહ્યા પછી ફરી તેજીના ટ્રેક પર આવી ગયું હતું.
ભૂતકાળ પર નજર કરીએ તો વૌશ્વિક આર્થિક સ્થિતિ કે ભારતમાં કોઇ રાજકીય કે આર્થિક ઉથલપાથલ થાય તો વિદેશના રોકાણકારો ડૂબતા વહાણમાંથી પહેલાં ઉંદરો કૂદી પડે એમ રોકાણ પાછું ખેંચવા લાગી જતા હતા. તેના કારણે શેરબજાર ડામાડોળ થઇ જતું હતું. સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ પણ શેરબજાર પર ડગમગી જતો હતો.
છેલ્લા સતત ત્રણ મહિનાથી વિદેશી રોકાણકારો (FPIs) મૂડી પાછી ખેંચી રહ્યા હતા. જોકે આ મૂડી પાછી ખેંચનારા ફરી પરત આવવા લાગ્યા છે, જેના પગલે ઓક્ટોબરમાં શેરબજારમાં રૂપિયા ૧૪,૬૧૦ કરોડનું ચોખ્ખું રોકાણ જોવા મળ્યું છે. વિદેશના રોકાણ કારોને ફરી ભારત પર વિશ્વાસ બેસવા લાગ્યો છે તેની પાછળ મૂળ ત્રણ કારણો જોવા મળ્યાં છે. મજબૂત ત્રિમાસિક પરિણામો, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અને યુએસ-ભારત વેપાર વાટાઘાટોનું પરિણામ ટૂંકમાં જોવા મળવાની આશા.
ડિપોઝિટરી ડેટા અનુસાર, આ ફેરફાર લાંબા ગાળાના સતત ઉપાડ પછી આવ્યો છે. FPIs એ સપ્ટેમ્બરમાં ભારતીય ઇક્વિટીમાંથી રૂ. ૨૩,૮૮૫ કરોડ, ઓગસ્ટમાં રૂ. ૩૪,૯૯૦ કરોડ અને જુલાઈમાં રૂ. ૧૭,૭૦૦ કરોડ પાછા ખેંચી લીધા. ઓક્ટોબરમાં નવેસરથીવિદેશી રોકાણ પરત આવી રહ્યું છે તેની પાછળનાં કારણો જોણવા અર્થશાસ્ત્રીઓ મથી રહ્યા છે. જે લોકો એમ વિચારતા હતાકે વિદેશી રોકાણો આધારીત શેરબજારમાં તેજી છે તેઓ ભોંઠા પડયા હતા. હવે જ્યારે વિદેશી રોકાણકારો પરત ફરી રહ્યા છે ત્યારે એમ કહી શકાય કે ભારતીય બજારોમાં વૈશ્વિક રોકાણકારો નવેસરથી વિશ્વાસ મુકી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે આ પરિવર્તન તાજેતરના જીએસટી સહીતના આર્થિક સુધારાઓ અને ચાવીરૂપ ક્ષેત્રોમાં મજબૂત ત્રિમાસિક પરિણામો પર આધારિત છે.
કેટલાકના મતે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે બીજા ક્વાર્ટરનાં મજબૂત પરિણામો, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ૦.૨૫ ટકા વ્યાજ દરમાં ઘટાડો અને યુએસ-ભારત વેપાર વાટાઘાટોના વહેલા નિષ્કર્ષની અપેક્ષાઓના પગલે રોકાણ પ્રવાહને ટેકો મળ્યો છે. હવે કોર્પોરેટ કમાણીમાં સુધારો થવાના સ્પષ્ટ સંકેતો છે. જો મજબૂત માંગ ચાલુ રહેશે તો કમાણીમાં વધારો થશે, જેનાથી વાજબી મૂલ્યાંકન થશે. આવી સ્થિતિમાં, FPI ખરીદદારો વધશે તે નક્કી છે.
નવેમ્બરમાં વિદેશી રોકાણ ચાલુ રહી શકે છે, કારણ કે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂા. ૭૭,૦૦૦ કરોડથી વધુનો ઉપાડ મુખ્યત્વે વૈશ્વિક ઉથલપાથલોના કારણે હતો.
હવે વૈશ્વિક આર્થિક પ્રેશર ઓછું થઇ રહ્યું છે તેમજ ભારત અને અમેરિકા વેપાર વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો બતાવી રહ્યા હોઇ રોકાણોમાં પ્રગતિ જોવા મળશે. માર્ચ ૨૦૨૫ ક્વાર્ટરમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રેકોર્ડ રૂ. ૧.૮૯ લાખ કરોડનું રોકાણ કર્યું, જેનાથી તેમનો બજાર હિસ્સો ઐતિહાસિક રીતે વધીને ૧૭.૬૨% થયો હતો. આ એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના હોલ્ડિંગ્સે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો કરતા વધુ હિસ્સો હાંસલ કર્યો હતો. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના રોકાણમાં વધારો મોટાભાગે રિટેલ રોકાણકારો દ્વારા તેમના નાણાં એસઆઇપી દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઠાલવવાથી થાય છે.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, બેંકો અને પેન્શન ફંડ્સ જેવી સ્થાનિક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજાર સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમનો લાંબા ગાળાનો રોકાણ અભિગમ બજારના વધઘટને સંતુલિત કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, માર્ચ ૨૦૨૦માં, જ્યારે વિદેશી રોકાણકારો ચોખ્ખા વેચાણકર્તા હતા ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તેમના રોકાણમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના રોકાણના નિર્ણયો સરકારી નીતિઓ અને બજાર વલણો જેવાં સ્થાનિક પરિબળોથી પ્રભાવિત થાય છે, અને તેઓ સામાન્ય રીતે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય ધરાવે છે.

