- 80 માંથી 60 જેટલા વિધાનસભ્યો અલગ ચોકા માટે તૈયાર
- પ્રસંગપટ
- પક્ષ તૂટી રહ્યો છે તે સમજવામાં મમતા થાપ ખાઇ ગયા હતા,જ મમતાને પક્ષમાં બળવાની ગંધ નહોતી આવી
પહેલાના જમાનામાં રાજા યુધ્ધમાં હારી જાય પછી જીતનારને સરંડર થઇ જતા હતા. તેની સંપત્તિ જીતનાર પાસે જતી રહી હતી. લોકશાહીમાં રાજ્યો પર શાસન કરતા રાજા સમાન મુખ્યપ્રધાનો હારી જાય છે ત્યારે જીતેલાને શરણે જવાના બદલે તેમને પડકારવાની ભૂલ કર્યા કરે છે. તે માને છે કે મારી હાર પાંચ વર્ષ માટેની છે. બીજી ટર્મ સુધી મતદારોને પોતાની તરફ જકડી રાખવા તે વિવિધ કાવાદાવા અપનાવ્યા કરે છે. અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, અરવિંદ કેજરીવાલ, ઉધ્ધવ ઠાકરે અને હવે મમતા બેનરજી વગેરે સત્તા ગુમાવ્યા પછી સતત રાજકીય મેદાનમાં રહેવા ઉરાંગ-ઉટાંગ કર્યા કરે છે.
અહીં વાત પશ્ચિમ બંગાળની છે. મમતા બેનરજી હાર્યા પછી બમણા વેગથી રાજકીય સપાટી પર રહેવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમના પક્ષના સભ્યો તૂટીને અલગ ચોકો બનાવી રહ્યા છે. પ્રાદેશિક પક્ષોની કમનસીબી એ છે કે તેમના નેતાઓ સગાવાદમાં ડૂબેલા રહે છે અને પક્ષની સંપત્તિ પોતાની સમજવા લાગે છે. મમતા બેનરજી બંને બેઠકો પરથી હાર્યા બાદ હવે તે વિધાનસભામાં જઇ શકે એમ નથી. તેમના ભત્રીજા અને પક્ષના સર્વે સર્વા બની બેઠેલા અભિષેકને જાહેરમાં માર એટલા માટે પડયો છે કે મમતાની આડમાં તેમણેજ બધા નિર્ણયો કર્યા હતા અને અઢળક સંપત્તિ ઉભી કરી હતી. પક્ષના લોકો પણ તેમનાથી નારાજ ચાલી રહ્યા છે.
જે પક્ષના સભ્યોને દાદાગીરીની સ્પ્રીંગથી દબાવી રાખવામાં આવ્યા હતા તે દરેક હવે માથું ઉંચકી રહ્યા છે. ૮૦માંથી ૬૦ જેટલા વિધાનસભ્યો અલગ ચોકો બનાવવા તૈયાર થયા છે. જેમ શિવસેના બે ભાગમાં વહેંચાઇ ગઇ એમ તૃણમૂલ કોંગ્રેસમાં પણ જોવા મળી રહ્યું છે. ૨૦૨૨માં શિવસેનામાં થયેલો બળવો લોકોને યાદ છે. બહુ શક્તિશાળી મનાતી શિવસેના તૂટી હતી. એવીજ શક્તિશાળી તૃણમૂલ કોંગ્રેસ હતી. તેને હરાવવી શક્ય હતું પરંતુ તેને તોડવું લગભગ અશક્ય હતું. તૂટતી તૃણમૂલ પાછળ ભાજપનો હાથ નથી તેવું માનવા કોઇ તૈયાર નથી. ભાજપની જે કાર્યકરોની સેના ચૂંટણી વખતે ભાજપને જીતાડવા મેદાનમાં હતી તે હવે નથી. રાજકીય ઉથલપાથલ માટેની ભાજપની સેના અલગ હોય એમ લાગે છે. આ સેના સાઇલન્ટ રહીને કામ કરતી હોય છે જે મમતાની કિંમત પ.બંગાળમાં અને રાજકારણમાં કોડીની કરી નાખવા માંગે છે.
તૃણમૂલ કોંગ્રેસ બે ફાડચામાં વહેંચાઇ જવા પાછળનું મુખ્ય કારણ વિધાનસભ્યોની ખોટી સહીઓ કરી હોવાનો મુદ્દો છે.વિધાન સભામાં વિપક્ષના નેતા તરીકે નિમવા માટેની સહી ખોટી કરાઇ હોવાનેા મુદ્દો મમતાના ખાસ વિધાન સભ્યોએ પ્રતિષ્ઠાનો બનાવી દીધો છે.મમતા અને અભિષેકની બીકના કારણે જે લોકો મોં નહોતા ખોલી શકતા તે લોકો હવે જાહેરમાં પક્ષ વિરૂધ્ધ બોલી રહ્યા છે અને પક્ષ તોડવા બેઠકો કરી રહ્યા છે. જે બે વિધાનસભ્યોને હટાવાયા હતા તે રીટાબ્રતા બેનરજી અને સાંદીપન સહાના નેતૃત્વ હેઠળ તૃણમૂલ કોંગ્રેસના પાયામાં ફટકા મરાઇ રહ્યા છે.
પોતાનો પક્ષ તૂટી રહ્યો છે તે સમજવામાં મમતા થાપ ખાઇ ગયા હતા. મમતાએ કોલકત્તા કોર્પોરેશનમાં બેઠક તરીકે અડધો અડધ કાઉન્સીલરો નહોતા આવ્યા. મમતાના ખાસ કહેવાતા કોલક્તાના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રાજીનામું આપવા તૈયાર કરે છે એમ જાણવા છતાં મમતાને પક્ષમાં બળવાની ગંધ આવી નહોતી.પક્ષમાંજ એેન્ટી અભિષેક મોરચો ઉભો થઇ રહ્યો છે તે વાતની મમતાને બહુ મોડી ખબર પડી હતી, જોકે ત્યાં સુધીમાંતો બહુ મોડું થઇ ગયું હતું અને પક્ષને વફાદાર કહેવાતા અનેક વિધાનસભ્યો પક્ષ છોડવાના મૂડમાં આવી ગયા હતા. પક્ષના બે સભ્યોની હકાલપટ્ટી કરીને મમતા એમ માનતા હતા કે બળવાનો વિચાર કરતાં અન્ય સભ્યોની રોકી શકાશે પરંતુ પક્ષ સત્તા પર હોય અને સત્તા વિહોણો હોય તેમાં આસમાન જમીનનો ફર્ક હોય છે. હવે સ્થિતિ એ છે કે તૃણમૂલ કોંગ્રેસના ૫૦ વિધાનસભ્યો છૂટા પડીને કહે છે કે અમેજ ખરી તૃણમૂલ કોંગ્રેસ છે.
પક્ષ પલ્ટા વિરોધી કાયદાથી બચવા અલગ થવા માટે ૮૦ માંથી બે તૃતીયાંશ એટલેકે ૩૫ સભ્યોની જરૂર પડે. જ્યારે બળવાખોરો પાસે ૬૦ સભ્યો છે.વિપક્ષના નેતાનું જે નામ તૃણમૂલ કોંગે્રસે પસંદ કર્યું છે તેની સામેે બળવો કરી રહેલા ૬૦ વિધાનસભ્યોેએ સહી કરીને રીટાબાત્રાનું નામ મોકલ્યું છે. ઋત બ્રત બેનરજી શિવસેનાના એકનાથ શિંદે સાબિત થવા જઇ રહ્યા છે.૧૯૯૮માં કોંગ્રેસમાંથી છૂટા પડીને ઉભી થયેલી તૃણમૂલ કોંગ્રેસ શરૂઆતથી મમતાના એક ચક્રી શાસન હેઠળ રહી હતી. મમતાના ભત્રીજા અભિષેકે જ્યારથી હવાલો સંભાળ્યો ત્યારથી પક્ષમાં દાદાગીરીનું જોર વધ્યું હતું. ચૂંૂંટણી પ્રચાર દરમ્યાન અભિષેકે ભાજપના નેતાઓ વિરૂધ્ધ ઓેકેલું ઝેર તેમના પક્ષનેજ ભરખી રહ્યું છે.


