Get The App

સત્સંગ અંતે મૃત્યુસંગ બની ગયો આશીર્વાદની ઘેલછા મોતનું કારણ બની

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
સત્સંગ અંતે મૃત્યુસંગ બની ગયો આશીર્વાદની ઘેલછા મોતનું  કારણ બની 1 - image


- પ્રસંગપટ

- ભોળા ભક્તોના જીવનું મૂલ્ય ઓછું ન આંકીએ

- આણંદ તેમજ મુંબઇમાં ટેમ્પલ મેનેજમેન્ટના ફુલટાઇમ કોર્સ ચાલે છે. મંદિરના વહીવટકારોને તે શીખવાડો

ગુરૂ બની બેઠેલા નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલેબાબાના અનુયાયીઓ ઉત્તર ભારતમાં પુષ્કળ પ્રમાણમાં છે. એક સમયનો આ સસ્પેન્ડેડ સરકારી કર્મચારીને ગુરૂ બનવાની એવી ફાવટ આવી ગઇ કે એણે આ જ વસ્તુને પોતાનો વ્યવસાય બનાવી દીધો હતો. સત્સંગ કરાવતો આ ગુરૂ સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ નથી, પરંતુ ઉત્તરપ્રદેશના અલીગઢમાં દર મંગળવારે તેમનેા સત્સંગ યોજાય છે. તેમને સાંભળવા અને એમનાં આશીર્વાદ લેવા લોકો કીડીયારાની જેમ ઉભરાય છે. આવો જ એક સત્સંગ ૧૨૧ શ્રદ્ધાળુઓના મોતનું નિમિત્ત બની ગયો. બાબા ભૂગર્ભમાં જતા રહ્યા છે. સંકટના સમયે પોતાના ભક્તોને બચાવવનું તેમને સૂઝ્યું નહોતું.

શ્રદ્ધાળુુઓના મોતની દુર્ઘટનાઓ  આપણે ત્યાં  અવારનવાર થયા કરે છે. વહીવટી તંત્ર લાચાર થઈને હાથ ઊંચા કરી દે છે. રામબાણ ઇલાજ સમાન એક તપાસ કમિટી રચી દેવામાં આવે છે. હકીકત એ છે કે શ્રદ્ધાળુુઓ કે સરકાર બંનેમાંથી કોઇ સુધરવા તૈયાર નથી. હાથરસની ઘટનામાં ક્રાઉડ મેનેજમેન્ટનો અભાવ કારણભૂત હતો. એક તરફ સખત બફારો હતો તો બીજી તરફ પીવાના પાણીની સવલતો નહોતી. આયોજકો વધુ ભીડ ભેગી થાય તેને ગુરૂજીના આશીર્વાદ સમજતા હતા. 

ગુજરાતનાં મંદિરો અને કથાનાં સ્થળો પર લાખો લોકો આવતા હોય છે. દ્વારકા અને ડાકોરમાં કાળિયા ઠાકરના દર્શને જનારાઓને ભગવાનની સાથે ભીડ અને ગેરવહીવટનાં દર્શન પણ થતાં હોય છે. 

અમુક ધાર્મિક સ્થળોએ આરતી સમયે ભગવાન  સ્વયં હાજરાહજૂર હોય છે એવી લોકવાયકા જે-તે સ્થળના મેનેજમેન્ટે જ ફેલાવી હાયે છે.

આ સિવાય નાનાં મંદિરો અને ભૂવાજીનાં સ્થાનકો પર પણ આશીર્વાદ લેવા ભીડ ઉમટતી હોય છે. નાનાં મંદિરો અને સ્થાનકોમાં ભક્તો માટે પ્રસાદી (ભોજન) તેમજ ચા-પાણીની વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવતી હોય છે. ખાવાપીવાની સવલત રાખવા પાછળનો આશય વધુને વધુ લોકોને આકર્ષવાનો હોય છે. 

આ મંદિરના માર્કેટિંગનો જ એક ભાગ હોય છે. મંદિરમાં કોઇ પણ પ્રકારનો દાનનો પૈસૌ લેવાતો નથી એવી જાહેરાત પણ માર્કેટિંગનો એક પ્રકાર હોઈ શકે છે. નાળિયેર ન વધેરવાની સૂચનાનું પણ એવું જ. એકવાર જે-તે મંદિરની ખ્યાતિ પ્રસરે એટલે પૈસા આપોઆપ આવવા લાગે છે.

હાથરસની ઘટના બહુ કરૂણ છે. આશીર્વાદ લેવા ગયેલા લોકોને મોત મળ્યું છે. ગુજરાતમાં આવા અનેક સંત્સંગ થાય છે. હાથરસ પરથી બોધપાઠ લઇને ગુજરાત સરકારે  રાજ્યના દરેક ભીડભાડભયાંર્ મંદિરોમાં ક્રાઉડ મેનેજમેન્ટની સમીક્ષા કરવી જરૂરી છે.

મંદિરોમાં દર્શનાર્થીઓને આકર્ષવા ભજન-સત્સંગ જેવા કાર્યક્રમો રાખવામાં આવે છે. આવા મંદિરોમાં રોજીંદા દર્શનાર્થીઓને ટ્રસ્ટી બનાવવાને બદલે પૈસાદારને ટ્રસ્ટી બનાવવામાં આવે છે.  તેમને મંદિરના મનેજમેન્ટ વિશે કશું જાણતા નથી હોતા. આવા લોકોની જગ્યાએ મંદિર મેનેજમેન્ટનો કોર્સ કરનારાને જવાબદારી સોંપવી જોઈએ અથવા તો વર્તમાન ટ્રસ્ટીઓને આવા કોર્સ કરાવવા જોઇએ. જેમ હોસ્પિટલ મનેજમેન્ટના કોર્સ ચાલે છે એમ આણંદ તેમજ મુંબઇમાં ટેમ્પલ મેનેજમેન્ટના ફુલટાઇમ કોર્સ ચાલે છે.

અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ એક મહિના માટે યોજાયો હતો ત્યારે રોજ બે લાખ લોકો પ્રદર્શન જોવા આવતા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે ભક્તોની મોટી ફોજ છે. આ ભક્તો સેવા કરવા માટે ઉમટયા હતા.

 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી વ્યક્તિઓ પાર્કિંગના મેનેજમેન્ટ માટે ખડે પગે ઉભી રહેતી હતી. સ્વામિનારાયણના ભક્તોનું મનેજમેન્ટ જોઇ સૌ આફરીન પોકારી ગયા હતા.  અહીં પોલીસ નહીં, પણ સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો જ સ્વયંસેવક તરીકે કામ કરતા હતા. મોટાં મંદિરોમાં ધક્કામુક્કી થાય ત્યારે મંદિરના ટ્રસ્ટીઓને પણ જવાબદાર ગણવા જોઈએ અને તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ. તો જ પૈસાદાર લોકો પૈસાને જોરે ટ્રસ્ટી થતા અટકશે અને વહીવટ પણ સુધરશે. સરકાર પગલાં લે તે જરૂરી છે. મંદિરોમાં ભક્તિરસના કાર્યક્રમો માટે કડક આચાર સંહિતા બનાવીને તેનો અમલ થાય તે જરૂરી છે. 

Prasangpat

Google NewsGoogle News