Get The App

ખાદ્યતેલોની આયાતમાં વૃદ્ધિ વચ્ચે ભારતના તહેવારો પર વિશ્વ બજારની નજર

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ખાદ્યતેલોની આયાતમાં વૃદ્ધિ વચ્ચે ભારતના તહેવારો પર વિશ્વ બજારની નજર 1 - image


- પ્રસંગપટ

- આયાત પર આધાર ઘટાડવા સરકાર વિવિધ પગલાં

- ક્રૂડતેલ ઉંચકાતાં વૈશ્વિક ખાદ્યતેલો આંચકા પચાવી ફરી ઉંચકાતાં વૈશ્વિક સ્તરે સમીકરણો બદલાતાં ભારતના બજારોમાં અજંપો

ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે થાય છે પરંતુ આપણે આઝાદી પછીના ઘણા વર્ષો પછી પણ હજી ઘણી કૃષી ચીજોના પુરવઠા માટે આયાત પર આધાર રાખવો પડે છે એ વાત આશ્ચર્ય પમાડનારી રહી છે, ખાસ કરીને વિવિધ ખાદ્યતેલોની હજી પણ આપણે આયાત કરતા રહ્યા છીએ તથા વિવિદ કઠોળની બાબતમાં પણ આવી પરિસ્થિતિ જોવા મલી છે. દેશમાં ઘરઆંગણે વિવિધ ખાદ્યતેલોનું જેટલું ઉત્પાદન થાય છે તેની સરખામણીએ દેશમાં વિવિધ ખાદ્યતેલોની માગ વધુ રહેતી હોવાથી પણ ખાસ કરીને પામતેલ, સોયાતેલ તથા સનફલાવર તેલની આયાત કરતા રહ્યા છીએ એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આવી આયાત ભારતમાં વિશેષરૂપે મલેશિયા, ઈન્ડોનેશિયા, બ્રાઝીલ, આર્જેન્ટીના, રશિયા, યુક્રેન, અમેરિકા વિ. ખાતેથી કરવામાં આવે છે. જોકે હવે આગળ ઉપર આવી આયાત પર આધાર ઘટાડવા ઘરઆંગણે ઉત્પાદન વધારવા સરકાર વિવિધ પગલાંઓ લેતી જોવા મળી છે. દેશમાં પામતેલનું ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા ઘરઆગંણે પામની ખેતીનો વિસ્તાર વધારવા સ રકારે ઓઈલ મિશનની રચના કરી હોવાનુ  બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. આવી ખેતીનો વિસ્તાર વધારવા મલેશિયાથી પામના બિયારણ-સીડસની આયાત પણ વધારવામાં આવી રહ્યાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.  ભારતમાં પામની ખેતી વધારવા તથા તેના પગલે દેશમાં પામતેલનું ઉત્પાદન વધારવા સરકાર પ્રયત્નો કરી રહી છે. જો કે સરકારના આવા પ્રયત્નોને હવે પછી કેવી સફળતા મળે છે તેના પર બજારની તથા કૃષી ક્ષેત્રની નજર રહી છે. આ દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે વાટાઘાટો થઈ રહી છે તથા અમેરિકાના પ્રમુખ એવો આગ્રહ કરી રહ્યા છે કે ભારતે અમેરિકાની વિવિધ કૃષી ચીજોની આયાત વધારવી જરૂરી છે.!

આમ સરકાર વિમાસણમાં મુકાઈ છે. દરમિયાન, વૈશ્વિક સ્તરે પામતેલ વિશે વિવિધ પ્રચાર થયો છે ત્યારે આવા નેગેટીવ પ્રચાર સામે લડત આપવા મલેશિયા તથા ઈન્ડોનેશિયાએ  હાથ મેળવવાનું નક્કી કર્યાના સમાચાર મળ્યા છે.  પામતેલનું ઉત્પાદન આ બે દેશોમાં મુખ્યત્વે થાય છે તથા વૈશ્વિક સ્તરે પામંતેલની કુલ સપ્લાય પૈકી આશરે ૮૪થી ૮૫ ટકા સપ્લાય આ બે દેશો દ્વારા પુરી પાડવામાં આવે છે. ભારતમાં મલેશિયાથી થતી પામતેલની આયાત વધી છે તથા ભારતના ઓઈલ આયાત બજારમાં મલેશિયાનો હિસ્સો વધી તાજેતરમાં ૩૪થી ૩૫ ટકા થયો છે.  ભારતમાં હવે પછી તહેવારોની મોસમ શરૂ થવાની છે એ જોતાં મલેશિયાના પામતેલ બજારમાં ભારતની માગ વધવાની શક્યતા બજારના  જાણકારો બતાવી રહ્યા હતા.  ભારતમાં દર વર્ષે મલેશિયાથી આશરે ૨૪થી ૨૫ લાખ ટન પામતેલની આયાત કરવામાં આવે છે. ભારતમાં ખાદ્યતેલોના ઈમ્પોર્ટ ડયુટી તાજેતરમાં ઘટાડવામાં આવી છે. આ વિશે બજારના જાણકારોના જણાવ્યા  મુજબ એક બાજુ  સરકાર આયાત જકાત ઘટાડે છે તથા બીજી બાજુ દેશમાં ઉત્પાદન વધારવા પણ સરકાર પ્રયત્નો કરી રહી છે. સરકારનું આ વલણ વિરોધાભાસી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  આ દરમિયાન, આર્જેન્ટીનાએ તથા રશિયાએ વિવિધ તેલ તથા તેલિબિંયાની નિકાસ પરનો ટેક્સ ઘટાડયાના સમાચાર વહેતા થયા છે અને તેના પગલે અમેરિકાના કૃષી બજારોમાં નેગેટીવ ઈમ્પેકટ દેખાઈ છે. અમેરિકામાં હવામમાન પણ સાનુકૂળ બનતાં ત્યાં ખાસ કરીને સોયાબીનના ભાવમાં ખાસ્સી પીછેહટ દેખાઈ છે.  વિશ્વ બજારમાં ખાદ્યતેલોની બજારોમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે તથા ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી પણ ઘટાડાઈ છેે ત્યારે બીજી તરફ દેશમાં વિવિદ ખાદ્યતેલોનું ઉત્પાદન વધારવા સરકાર પ્રયત્નો વધારી રહી છે.! આવી વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ પર તેની પોઝીટીવ ઈંમ્પેક્ટ પણ તાજેતરમાં જોવા મળી છે. રશિયાનું ક્રૂડતેલ વિશ્વ બજારમાં આછું આવે એ દિશામાં અમેરિકાની સરકાર પ્રયત્નો કરતી જોવા મળીૂ છે.  દરમિયાન, તાજેતરમાં બહાર આવેલા સમાચાર મુજબ ભારતના આયાતકારોએ તાજેતરમાં ચીન ખાતેથી આશરે ૧ લાખ ૫૦ હજાર ટન સોયાતેલની આયાત કર્યાના વાવડ  મળ્યા હતા. ચીનમાં માલનો ભરાવો થતાં ચીનની નિકાસકારો ભારતને ડિસ્કાઉન્ટ આપીને માલ વેંચટતા થયાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી તાજેતરમાં ઉંચામાં બેરલના ૭૨ ડોલર ઉપર ગયાના સમાચાર મળ્યા હતા. આની અસરે વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ આંચકા પચાવી ફરી ઉંચા જતા જોવા મળ્યા છે. આમ વૈશ્વિક ખાદ્યતેલોની બજારોમાં સમીકરણો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે અ ને તેના પગલે ભારતના બજારોમાં અજંપો વધ્યાના નિર્દેશો પણ વહેતા થયા છે.

Tags :