- એમેરિકાની કંપનીઓ સ્ટાફને 'એટ-વિલ' રાખે છે
- પ્રસંગપટ
- ભારતની કંપનીઓએ ઓેરેકલ કે એમેઝોનની જેમ હજારોના સ્ટાફને ક્યારેય સાગમટે પાણીચું આપ્યું નથી
એક તરફ હાર્મુઝની ખાડીએ ભારતના અર્થતંત્રને ગૂંગળાવાનું શરૂ કર્યું છે તો બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ લોકોની હરીભરી નોકરી આંચકી રહ્યું છે. તગડી કમાણી કરતી કંપનીઓ પોતાના હજારોના સ્ટાફને રાતોરાત રવાના કરી દે ત્યારે આશ્ચર્ય થાય છે. આ કંપનીઓ સેમીકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર જેવા નવા પ્રોજેક્ટ્સમાં લખખૂટ રોકાણ કરે છે અને તેના ખર્ચને સરભર કરવા સ્ટાફની છટણી કરવા લાગે છે.
લે-ઓફનો ટ્રેન્ડ દુનિયાભરના પ્રોફેશનલ્સને થથરાવી રહ્યો છે. ભારતની મોટી અને નામાંકિત કંપનીઓમાં હજુ લે ઓફનો વાયરસ પ્રવેશ્યો નથી તે રાહતની વાત છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં જોબ કરતા પ્રોફેશનલ્સને સામાન્યપણે અન્ય ક્ષેત્રો કરતાં વધુ પગાર અને સવલતો મળતી હોય છે. વિદેશની કંપનીઓમાં કામ કરતા લોકો પોતાને ભાગ્યશાળી સમજતા હોય છે, પરંતુ ૩૦ માર્ચે ઓરેકલ કંપનીએ ૩૦,૦૦૦ લોકોની નોકરી છીનવીને નવેસરથી તરંગો સર્જી નાખ્યા. આમાંથી ૧૨,૦૦૦ પ્રોફેશનલ્સ ભારતના છે.
અચાનક જોબ જતી રહે ત્યારે વ્યક્તિ મૂઢ બની જતો હોય છે. કાર્યક્ષમતાનો અભાવ કે અન્ય કોઇ આક્ષેપ હેઠળ જોબ પરથી કાઢી મુકવામાં આવે તે કદાચ હજુય સહ્ય બની શકે છે, પરંતુ વહેલી સવારે ઇમેલ પર કહી દેવાય કે તમને પાણીચું અપાયું છે માણસ સ્તબ્ધ થઈ જાય છે. જો એમને એક મહિનાની નોટીસ અપાઇ હોત તો તેઓ અન્ય કંપનીમાં જોબ મેળવવાનો પ્રયાસ કરી શકત.
સારા પગારવાળી જોબ મળતાં યુવાનો નવો ફ્લેટ, નવી કાર કે અન્ય વૈભવી ચીજો હપ્તે લઇને વસાવે છે. એમના ઈએમઆઈના હપ્તો સીધા જ એમના સેલરી અકાઉન્ટમાંથી કપાતા હોય છે. વિદેશની જેમ ભારતમાં પણ શહેરી પતિ-પત્ની બંને જોબ કરીને આર્થિક પ્લાનિંગ કરતા હોય છે.
જેમનો પગાર પગાર, માની લો કે, ૮૦,૦૦૦ રૂપિયા હોય તો એનું માસિક બજેટ તે પ્રમાણેનું હોય છેે, એની લાઇફસ્ટાઇલ તે પ્રમાણે સેટ થયેલી હોય છે. આ માણસને એકાએક પગાર મળતો બંધ થાય તો એની કેવી કફોડી હાલત થાય. બેંગલુરૂમાં આઈટી સેક્ટરમાં કામ કરતા એક યુવા યુગલે સંભવતઃ લે-ઓફના કારણસર ડિપ્રેશનમાં આવીને જીવન ટૂંકાવ્યું છે.
૨૦૧૯ પછી પહેલીવાર અમેરિકાની કંપનીઓેે લે ઓફની તલવાર વીંઝી હતી. જાન્યુઆરી ૨૦૨૬ની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧,૦૮,૪૩૫ લોકોની જોબ આંચકી લીધી હતી.
વિદેશની કંપનીઓ ખાસ કરીને એમેરિકન કંપનીઓ પોતાને ત્યાં સ્ટાફને એટ-વીલ(છા-ઉૈન) સિસ્ટમ હેઠળ રાખે છે, જેમાં કંપની સ્ટાફને ગમે ત્યારે ના પાડી શકે છે, એમ સ્ટાફ પણ ગમે ત્યારે જોબ છોડી શકે છે. તેને સીવીરન્સ એગ્રીમેન્ટ પણ કહે છે. આ એગ્રીમેન્ટ પર સહી કરી દો એટલે અણધારી હકાલપટ્ટી સામે કાયદેસરના પગલાં ભરી ન શકાય.
સ્ટાફને સાગમટે કાઢી મુકવાના વાઇરસ અમેરિકાથી શરૂ થયા છે. ભારતની કંપનીઓ પોતાના સ્ટાફને અચાનક કાઢી મૂકતાં પહેલાં તેમના ભવિષ્યનો થોડોઘણો વિચાર તો કરે છે. ભારતની અનેક કંપનીઓ મહત્ત્વના સ્ટાફને પરિવારના સભ્યોની જેમ સાચવતી હોય છે. ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ એકવાર કહ્યું હતું કે અમારી સફળતાનું કારણ અમારો સ્ટાફ છે. જોકે ઇન્ફોસિસ પણ તેના સ્ટાફને અનેક વાર રાતોરાત રવાના કરી ચૂકી છે. મોટી કંપનીઓ કોસ્ટ-કટિંગ માટે પગલાં ભરવાનું વિચારે છે ત્યારે પહેલી કાતર સ્ટાફની સંખ્યા પર ફેરવે છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં ૫,૯૩,૯૧૪ માણસોનો સ્ટાફ છે, ઇન્ફોસિસમાં ૩,૧૭, ૨૪૦નો સ્ટાફ છે, એસેન્ચરમાં ૩,૦૦,૦૦૦, રીલાયન્સ રીટેલમાં ૨, ૪૫,૫૮૧, મુકેશ અંબાણીની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૩,૪૭, ૩૬૨ અને અદાણી ગુ્રપમાં અંદાજે ૪૫,૦૦૦ જેટલો સ્ટાફ છે.
ભારતની કંપનીઓના સ્ટાફની સંખ્યા ખાસ નોંધવી જોઈએ, કેમ કે તેમણે હજુ સુધી ઓેરેકલ કે એમેઝોનની જેમ હજારોના સ્ટાફને સાગમટે પાણીચું નથી આપ્યું. ગુજરાતની કેટલીક કંપનીઓ તો નિવૃત્ત કર્મચારીઓને પણ જોબ પર ચાલુ રાખે છે.
જોબ આંચકી લેવી બહુ આસાન હોય છે. સ્ટાફને નોકરી આપતા પહેલાં જ એટ વીલ સિસ્ટમ હેઠળ તેનાં કાંડાં કાપી નાખવામાં આવે છે. વક્રતા જુઓ કે આ વાતને પ્રોફેશનાલીઝમ તરીકે ખપાવવામાં આવે છે.


