પ્રસંગપટ
ભારતમાં વેચાતી 25 ટકા દવાઓ નકલી
ભારતમાં વેચાતી 47 ટકા દવાઓમાં માપદંડો સાથે બાંધછોડ કરવામાં આવે છે. લોકો ફર્ક પારખી શકતા નથી
દવાઓમાં ડિસ્કાઉન્ટ મળી શકે એવી કલ્પના થોડાં વર્ષો પહેલાં થઈ શકતી ન હતી. હવે અનેક ઓનલાઈન પ્લેટફોર્મ્સ દવાઓમાં ૨૫થી ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ઓનલાઈન માર્કેટ સામે ટકી રહેવા માટે હવે રિટેઈલ દવાની દુકાનો પણ નફાનું માર્જિન ઘટાડીને દવા વેચે છે. આ હરીફાઈ વચ્ચે માર્કેટમાં નકલી દવાઓ ઘૂસાડનારા પણ વધી પડયા છે. જે એપ્સમાંથી ઓનલાઈન દવાઓ મળતી હોય છે એ તો વિક્રેતાઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરે છે. ઓનલાઈન પ્લેટફોર્મમાં એક વખત રજિસ્ટ્રેશન થઈ જાય પછી ડિલિવરીમાં કેવી પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચે તેના પર હજુ અંકુશ આવ્યો નથી. આ છટકબારીનો ગેરલાભ ઉઠાવીને ઘણાં વિક્રેતાઓ નકલી દવાઓ ગ્રાહકોને તફડાવી દે છે. આ નકલી દવાઓ એટલી અસલી જેવી હોય છે કે તેને પારખવાનું નિષ્ણાતો માટેય કપરું હોય છે, ત્યારે સામાન્ય ગ્રાહકો તો એને કેવી રીતે પારખી શકવાના? તેના પરિણામે દેશનું દવાનું માર્કેટ નકલી દવાઓના વિષચક્રમાં ફસાયું છે.
અમેરિકાની ફાર્માસ્યુટીકલ સિક્યોરીટી ઈન્સ્ટિટયુટ નામની એક સંસ્થાએ વિશ્વભરમાં સર્વે કરાવ્યો તો જણાયું કે નકલી દવાઓના વેપારમાં ભારતનો નંબર ત્રીજો હતો. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે ચીન હતું. અમેરિકા-ચીનમાં ગુનાખોરી સામેના કાયદાઓ ઘણા કડક હોવા છતાં નકલી દવાઓના વેપારને એ અંકુશમાં નથી લાવી શકતા! એના પરથી જ નકલી દવાનું રેકેટ કેટલું ફેલાયેલું હશે એનો અંદાજ લગાવી શકાય છે. અમેરિકાની સ્ટ્રોંગ એજન્સી નકલી દવા પર સકંજો કસી શકતી ન હોય ત્યારે ભારત જેવા વિશાળ વસતિ ધરાવતા દેશમાં એને ડામવાનું અતિશય વિકટ છે.
ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ)ના થોડા સમય પહેલાં આવેલા એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતમાં મળતી ૨૦-૨૫ ટકા દવાઓ નકલી હોય છે. કડક કાયદા છતાં આ ધંધો કરનારા બેરોકટોક દેશના માર્કેટમાં જથ્થાબંધ દવાઓ ઠાલવે છે. તે હિસાબે સરેરાશ પાંચમાંથી એક દવા નકલી હોય છે. વિશ્વની કુલ નકલી દવાઓમાંથી ૩૫ ટકા તો ભારતની છે. યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના અહેવાલમાં ભારતના ફાર્મા સેક્ટર પર આરોપ લગાવતા કહેવાયું હતું કે ઘણી કંપનીઓ દવાઓના માપદંડો જાળવતી નથી. આ એજન્સીના કહેવા પ્રમાણે ભારત-ચીનની કંપનીઓ વિશ્વમાં સૌથી વધુ નકલી દવાઓ ફેલાવે છે. ઓથેન્ટિકેશન સોલ્યુશન પ્રોવાઈડર્સ એસોસિએશનનો દાવો છે કે ભારતમાં વેચાતી ૪૭ ટકા દવાઓમાં માપદંડો સાથે બાંધછોડ કરવામાં આવે છે. દવાને લઈને અમેરિકા-યુરોપે હાઈસ્ટાન્ડર્ડ સેટ કર્યા છે. તેના કારણે દવાના ઉત્પાદનમાં જરા સરખીય બાંધછોડ થઈ હોય કે દવાના કેમિકલ બંધારણમાં છેડછાડ થઈ હોય તો એ નકલી દવાની કેટેગરીમાં આવે છે.
પણ ભારતના સંદર્ભમાં નકલી દવા એટલે કોઈ જાણીતી કંપનીના નામે ઉત્પાદન કરીને પથરાવાતો દવાનો જથ્થો. ભારતમાં વિખ્યાત કંપનીઓની નકલ કરીને દવા બનાવવામાં આવે છે. તાવ-શરદી-માથાના દુખાવા માટે કોઈ જાણીતી કંપની દવા બનાવતી હોય તો એની નકલ કરીને એવી જ દવા માર્કેટમાં ઉતારી દેવામાં આવે છે. બીજી બધી બાબતોમાં નકલ થાય તો તુરંત ધ્યાને ચડી જાય છે, પરંતુ મેડિકલ ફિલ્ડમાં સામાન્ય લોકોને એની જાણ થતી નથી. કારણ કે ઘણાં ખરા કિસ્સામાં શરદી-ઉધરસ-તાવ કે પેટમાં દુખાવા કે પેઈન કિલર તો ડોક્ટરની સલાહ વગર સીધી જ મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને દર્દમાંથી રાહત મેળવનારો મોટો વર્ગ છે.
ડોક્ટરની સલાહ લેવા જાય તો એમાં સમય લાગે, ડોક્ટરની નિયત કન્સલ્ટિંગ ફી આપવી પડે અને પછી ડોક્ટર જે દવા લખી આપે એ મોટાભાગે લેવાની તો મેડિકલ સ્ટોરમાંથી જ હોય, તો આપણે જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી લઈએ - એમ વિચારીને સાધારણ બીમારી માટેની ગોળીઓ ગળી લેવામાં આવે છે. એ દવાઓમાં મેડિકલ ફોર્મ્યુલા તો એ જ હોય છે, પરંતુ એમાં સરકારના માપદંડોનું પાલન થતું નથી. ઘણી વખત આડેધડ દવાઓ બનાવીને માર્કેટમાં મૂકી દેવામાં આવે છે. એનાથી રાહત થઈ જાય છે, છતાં લાંબા ગાળે એની ગંભીર આડઅસરો પણ સર્જાય છે. પેલી અમેરિકન એજન્સીના સર્વે પ્રમાણે અમેરિકામાં ૩૧૯ નકલી દવાઓ વેચાય છે, ચીનમાં ૩૦૯, ભારતમાં ૨૩૯ અને બ્રિટનમાં ૧૫૭ પ્રકારની નકલી દવાઓ માર્કેટમાંથી મળી રહે છે. ભારતમાં એક લાખ કરોડ રૂપિયાનું ફાર્માનું કુલ માર્કેટ છે. કેન્દ્ર સરકારે ફરીથી નકલી દવાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે, તેમ છતાં એના પર સંપૂર્ણ અંકુશ મેળવવાનું લગભગ અશક્ય છે. સાવધાની એક માત્ર રસ્તો છે.


